જાણવા જેવું જીવનશૈલી નીરવ પટેલ પ્રસિદ્ધ પ્રેરણાત્મક લેખકની કલમે

ક્યાં અટકવું અને શું છોડી દેવું? એટલું આવડી જાય તો તમે જીવનને સારી રીતે જીવતા શીખી ગયા સમજજો

દરેક માણસની ઈચ્છા હોય છે કે તે બીજા કરતા ઘણો આગળ નીકળે, દિવસ રાત મહેનત કરીને પણ ઘણું બધું ભેગું કરી લે. દુનિયાની તમામ સુખ સુવિધાઓનો માલિક બને. અને આ બધું મેળવવાની દોડમાં માણસ ક્યારેક એકલો પણ રહી જાય છે અને જીવનના છેલ્લા સમયમાં પોતાનું જીવન જ પોતાની રીતે ના જીવ્યા હોવાનો અફસોસ પણ કરતો હોય છે.

Image Source

જીવનની આ ભાગદોડમાં જો માણસને ક્યાં અટકવું અને શું છોડી દેવું? આ બે વાતોની જો ખબર પડી જાય તો તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી, ના જીવનમાં ક્યારેય પછતાવવાનો વારો આવે છે. કારણ કે જે પણ કોઈ દુઃખો ઊભા થાય છે, જે પણ કોઈ તકલીફો હોય છે તેની પાછળનું કારણ એક જ છે કે આપણે બધું મેળવવાની લાલચવશ પોતાના જીવનનું મહત્વ જ ભૂલી જતા હોઈએ છીએ.

Image Source

આપણે હંમેશા મારુ મારુ એમ કરીને જ ઘણું બધું ભેગું કરતા હોઈએ છીએ, ઘણી વસ્તુઓ આપણને જયારે પસંદ આવે છે ત્યારે તેને ખરીદવા માટે આપણે કોઈપણ હદ સુધી જતા હોઈએ છીએ, આપણી પાસે રહેલા કિંમતી સમયને પણ આપણે એ વસ્તુના મોહમાં બરબાદ કરી અને એ વસ્તુ મેળવી લઈએ છીએ, પરંતુ જયારે તે વસ્તુ મળી જાય ત્યારે એ વસ્તુનો મોહ રહેતો નથી, એ વસ્તુનું આકર્ષણ ત્યારે સમી પણ જાય છે અને ત્યારે આપણને એમ લાગે કે જો આ વસ્તુ ના લીધી હોત તો વધારે સારું હતું.

Image Source

ઘણા માતા-પિતાને પણ આપણે જોયા હશે જે હંમેશા દરેક કામમાં, દરેક બાબતમાં, દરેક વહેવારમાં દખલ કરતા હોય છે, એ પણ એક વળગણ જ છે, જયારે દીકરા સારું કમાતા હોય, પોતાની રીતે પોતાનું જીવન જીવતા હોય ત્યારે માતા-પિતાએ પણ એ સમયે દીકરા વહુના સંબંધોમાં દખલ કરવાની છોડી દેવી જોઈએ તો જ પરિવારમાં શાંતિ પણ બની રહે છે. આપણે ત્યાં મોટાભાગના છૂટાછેડા થવાનું મુખ્ય કારણ સાસુ વહુ વચ્ચેના ઝગડા હોય છે. પરંતુ જો સાસુ કે સસરા એ સમયે દીકરા કે વહુને પોતાનું સ્વતંત્ર જીવન જીવવા દે અથવા તો દીકરો કે વહુ સાસુ સસરાના જીવનમાં કોઈ કનડગત ના કરે તો ક્યારેય કોઈ સમસ્યા ઉભી થતી નથી.

Image Source

પ્રેમ સંબંધોમાં પણ આપણે ત્યાં એવું જ છે, આપણને કોઈ ગમી જાય અને એ વ્યક્તિ સાથે આપણે પ્રેમ સંબંધથી જોડાઈ જઈએ પછી કદાચ જો છુટા પડવાનું થાય તો એક પક્ષ બીજા પક્ષને મનથી તો છોડી જ નથી શકતો અને તેના કારણે જ વર્ષો સુધી પોતાના અમૂલ્ય સમયને બરબાદ કરી બેસે છે. જે સમયે તેને આગળ વધવાનું હોય છે ત્યારે તે એક જ વ્યક્તિની આશાએ બેસી રહે છે જે તેને ક્યારેય મળવાની પણ નથી. એક તરફી પ્રેમમાં પણ આજ રીતે સમય વેડફાતો હોય છે અને જીવનનો શ્રેષ્ઠ સમય ક્યારે નીકળી જાય છે તે પણ આપણને ખબર નથી રહેતી.

Image Source

માટે જીવનમાં જો તમે આ બે વસ્તુઓ શીખી લેશો કે ક્યાં સમય શું છોડી દેવું જોઈએ અને કયા સંબંધમાં ક્યાં અટકી જવું જોઈએ તો પણ તમારી મોટાભાગની તકલીફો દૂર થઇ જશે. જન્મ્યા ત્યારે ખાલી હાથે આવ્યા હતા અને મૃત્યુ બાદ પણ આપણે ખાલી હાથે જ જવાના છે. આપણે જે પણ કઈ મેળવી રહ્યા છે, જે પણ કઈ ભેગું કરી રહ્યા છે તે આપણા માટે તો છે જ નહીં, હા માનું છું કે આપણા સંતાનો પ્રત્યે પણ આપણી ફરજ રહેલી છે પરંતુ એ બધામાં આપણે પોતાની જાતને પણ ક્યારેય ભૂલી જવી ના જોઈએ. પોતે પણ જીવનને મનભરીને માણી લેવું જોઈએ ત્યારે જ તમને જીવનના છેલ્લા શ્વાસ દરમિયાન અફસોસ નહીં થાય.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.