ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના રોજ મનાવવામાં આવ્યો, શુભ મુહૂર્તમાં રાખડી બાંધવાથી ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ સારો રહે છે અને મજબૂત પણ બને છે. ત્યારે રાખડી બાંધવાને લઈને ઘણા નિયમો છે, પરંતુ શું તમે જાણો છો કે રાખડી ઉતારતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
કેટલાક લોકો રક્ષાબંધન પૂરી થયા પછી રાખડી ઉતારીને અહીં ત્યાં મૂકી દે છે અથવા તો ફેંકી દે છે, પણ આને શુભ માનવામાં આવતું નથી. શાસ્ત્રો અનુસાર રાખડી ઉતારીને અહીં-ત્યાં ફેંકવી અશુભ માનવામાં આવે છે અને આને કારણે ભાઈ-બહેનના સંબંધો પર પણ અસર જોવા મળે છે. રાખડી માત્ર ભાઈ-બહેનના સંબંધોને જ મજબૂત બનાવતી નથી પણ બંને વચ્ચેના પ્રેમનું પ્રતીક પણ છે.
ઘણા લોકો રાખડી ઉતારતી વખતે તોડી નાખે છે, પણ આવું ન કરી રાખડીને કાંડામાંથી બરાબર કાઢવી અને પછી રાખડીને લાલ કપડામાં બાંધીને એવી જગ્યાએ રાખવી જ્યાં ભાઈ-બહેન સાથે જોડાયેલી વસ્તુઓ રાખવામાં આવે. જે રાખડીને લાલ કપડાંમાં બાંધી હોય તેને આગામી વર્ષે રક્ષાબંધન પર વહેતા જળમાં પ્રવાહિત કરવી. આવું કરવાથી ભાઇ-બહેનના સંબંધમાં મજબૂતી આવે છે.
જો કોઇ કારણસોર રાખડી તૂટી ગઈ હોય અથવા તો ખંડિત ગઈ હોય તો તેને ઘરમાં ન રાખવી જોઈએ. ઝાડ નીચે કે પાણીમાં ચઢાવવી અને તેની સાથે એક સિક્કો પણ રાખી દેવો. ખંડિત રાખડીને કોઇ ઝાડ અથવા તો જળમાં પ્રવાહિત કરી દઇએ તો ઘરમાં બરકત રહે છે અને ભાઇ-બહેનના સંબંધમાં પ્રેમ તેમજ મધુરતા આવે છે.