ભઇ ફ્રેન્ડશિપ હોય તો આવી ! રતન ટાટાની વસિયતમાં શાંતનુ નાયડૂનું પણ નામ, મળ્યુ આ મોટુ ગિફ્ટ…

9 ઓક્ટોબરે આ દુનિયામાંથી વિદાય લેનાર દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાની વસિયત સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર રતન ટાટા તેમની પાછળ 10 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છોડી દીધી ગયા છે. રસપ્રદ વાત એ છે કે તેમની વસિયતમાં તેમના 55 વર્ષ નાના યુવાન મિત્ર શાંતનુ નાયડુ અને પેટ ડોગ ‘ટીટો’નો પણ ઉલ્લેખ છે. આ સિવાય ભાઈ જીમી ટાટા, સાવકી બહેનો શિરીન અને ડએના જીજીભોય, હાઉસ સ્ટાફ અને અન્ય લોકોના નામનો પણ ઉલ્લેખ છે.

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ તેમના લાંબા સમયથી સહયોગી રહેલા શાંતનુ નાયડુને પણ વસિયતમાં સામેલ કર્યો છે. ટાટાએ RNT ઓફિસના જનરલ મેનેજર નાયડુના વેંચર ગુડફેલોમાં પોતાનો હિસ્સો છોડી દીધો છે. તેમણે નાયડુના શિક્ષણ માટેની લોન પણ માફ કરી દીધી છે. જણાવી દઈએ કે ‘ગુડફેલો’ એ 2022માં શરૂ કરાયેલ વરિષ્ઠ નાગરિકો માટે સબસ્ક્રિપ્શન-આધારિત સાહચર્ય સેવા છે.

કોર્નેલ યુનિવર્સિટીમાંથી MBA કરનાર શાંતનુ નાયડુ રતન ટાટાના ખૂબ જ નજીકના લોકોમાંથી એક હતો. નાયડુ 2017થી ટાટા ટ્રસ્ટ સાથે જોડાયેલ છે. નાયડુ અને ટાટાની મિત્રતા પ્રાણીઓ પ્રત્યેના તેમના સહિયારા પ્રેમથી ખીલી હતી. જણાવી દઇએ કે રતન ટાટાની વસિયતમાં પેટ ડોગ જર્મન શેફર્ડ ટીટોનો પણ ઉલ્લેખ છે.

ટીટોને ટાટાએ લગભગ 5-6 વર્ષ પહેલા એડોપ્ટ કર્યો હતો. ટીટીનો દેખરેખની જવાબદારી રસોઇયા રાજન શોને આપવામાં આવી છે. આ ઉપરાંત વસિયતમાં તેમના બટલર સુબ્બૈયાને પણ જગ્યા આપવામાં આવી છે. રતન ટાટાની સંપત્તિમાં અલીબાગ સ્થિત 2,000 ચોરસ ફૂટનો બંગલો, મુંબઇની જુહૂ તારા રોડ પર 2 માળનું મકાન, 350 કરોડ રૂપિયાથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ (FD), ટાટા સન્સમાં 0.83% હિસ્સો સામેલ છે.

ટાટા સન્સ એ ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની છે જેની કિંમત $165 બિલિયન (આશરે રૂ. 13.94 લાખ કરોડ) છે. અહેવાલો અનુસાર, ટાટા સન્સમાં રતન ટાટાનો 0.83% હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન (RTEF)ને જશે. કોલાબાના હેલેકાઈ હાઉસનો માલિકાના હક ઇવાર્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પાસે છે. આ ટાટા સન્સની 100% સહાયક કંપની છે. ઇવાર્ટ આ ઘરનું ભવિષ્ય નક્કી કરશે.

Shah Jina