જ્યારે પણ ફિલ્મ અને ટીવી જગતમાંથી કોઈના નિધનના સમાચાર સામે આવે ત્યારે ચાહકોમાં શોકની લાગણી છવાઈ જતી હોય છે. બિલકુલ એવું જ થયું જ્યારે ગઈ કાલે ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા વિકાસ સેઠીના નિધનના સમાચાર સામે આવ્યા. 48 વર્ષીય અભિનેતાના નિધનથી લોકોને આઘાત લાગ્યો. અભિનેતાનું નિધન હાર્ટ એટેકથી થયુ હતુ, ત્યારે હવે તેમના નિધન બાદ તેમની પત્નીએ જણાવ્યું કે નિધન પહેલા અભિનેતા સાથે શું થયું હતું.
‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહીં તો હોગા’ અને ‘સસુરાલ સિમર કા’ જેવા ટીવી શોએ વિકાસ સેઠીનું ઘર-ઘરમાં નામ બનાવ્યું હતું. અભિનેતા વિકાસ સેઠીનું શનિવારે રાત્રે નાસિકમાં હાર્ટ એટેકના કારણે ઊંઘમાં જ નિધન થયું હતું. વિકાસની પત્ની જાહ્નવીના જણાવ્યા અનુસાર, તે એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે નાસિક ગયો હતો. અભિનેતાને ઉલ્ટી અને ઝાડા થઈ રહ્યા હતા, પરંતુ તે હોસ્પિટલમાં જવા માંગતો ન હતો. હ્રદયરોગના હુમલાને કારણે તેનું ઊંઘમાં જ નિધન થયું.
જાહ્નવીએ કહ્યુ- રવિવારે સવારે 6 વાગ્યાની આસપાસ હું તેને જગાડવા ગઇ ત્યારે તે ત્યાં નહોતો. ત્યાંના ડૉક્ટરે અમને જણાવ્યું કે શનિવારે રાત્રે ઊંઘમાં હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. આજે એટલે કે સોમવારે તેના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા. અભિનેતાના પરિવારમાં તેની પત્ની અને જોડિયા પુત્રો છે. જણાવી દઇએ કે, વિકાસ ટેલિવિઝન પર એક જાણીતો ચહેરો હતો.