કોરોનાએ ઘણા પરિવારોને વેર વિખેર કરી નાખ્યા છે. સમાચાર અને સોશિયલ મીડિયામાં ઘણા પરિવારના ઉજળી જવાની ખબરો સતત આવતી રહે છે. ત્યારે હાલમાં એક ખબર પાટણથી આવી રહી છે. જ્યાં લગ્નના દિવસે જ વરરાજા સાથે તેની બહેનને પણ કોરોના ભરખી જતા જે ઘરમાં મંગળ ગીતો ગવાવવાના હતા તે ઘરની અંદર મરશિયા ગવાયા.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના વતની અને મહેસાણામાં રહેતા બ્રાહ્મણ પરિવારમાં સગાં ભાઈ-બહેનનાં કોરોનાથી મોતને પગલે માતમ છવાઇ ગયો છે. મૃતક જય દવેનાં રવિવારે જ લગ્ન હતાં અને એ જ દિવસે મોડી રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા. તો પોતાના લાડલા ભાઇના લગ્નના ઓરતા રાખીને ભળી જ તૈયારીઓ પૂર્ણ કરી ચુકેલી બહેન પૂજાને પણ ભાઇનાં પોંખણાં કરે તે પહેલાં કોરોના ભરખી ગયો હતો.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના વતની મહેશભાઈ અંબાલાલ દવે છેલ્લા 20 વર્ષથી મહેસાણા ખાતે રામોસણા ગામની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહી કર્મકાંડ કરે છે. તેમને સંતાનમાં એક દીકરો 24 વર્ષીય જય અને દીકરી પૂજા હતી. 15 એપ્રિલના રોજ બંને ભાઈ બહેન કોરોના સંક્રમિત થતા અમદાવાદની હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા.
દીકરી પૂજાની તબિયત વધારે ખરાબ થતા અને સારવાર માટે વેન્ટિલેટર ના મળવાના કારણે તેને ભાવનગર લઇ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન 21 એ[રીલના રોજ તેનું અવસાન થયું હતું. તો બીજી તરફ ભાઈ જયની પણ તબિયત વધારે ખરાબ થવાના કારણે તેને મહેસાણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે તબિયત વધુ ખરાબ થવાના કારણે 4 વાગે તેનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
બંને ભાઈ બહેનના અચાનક નિધન થવાના કારણે પરિવારની હાલત પણ રડી રડીને ખરાબ થઇ રહી છે. ત્યારે જયના મામાના દીકરાના જણાવ્યા અનુસાર જયના 25 એપ્રિલને રવિવારે હિમાની નામની યુવતી સાથે મહેસાણા પરામાં સરદાર હોલ ખાતે લગ્ન લેવાયાં હતાં. લગ્નની કંકોત્રીઓ સ્વજનોમાં વહેંચાઈ ગઇ હતી. બંને પરિવારોએ લગ્નની ખરીદી કરી લીધી હતી, લગ્નનો ઉમંગ વર્તાતો હતો. પરંતુ કુદરતે બીજું જ કંઇક ધાર્યું હતું. બંને ભાઇ-બહેનને 15 એપ્રિલે કોરોનાને લઇ હોસ્પિટલમાં દાખલ કરાયાં અને 21 એપ્રિલે બહેન પૂજા અને 26 એપ્રિલે ભાઇ જયનું અવસાન થયું. જે અમારા પરિવારો માટે આઘાત જનક છે.
તો આ બાબતે જયના મામા હર્ષદ દવેએ જણાવ્યું હતું કે, જયની મોટી બહેન પૂજા વિરેન્દ્રકુમાર પંડ્યાને પાટણ તાલુકાના સંખારીના વતની અને અમદાવાદ ખાતે રહેતા પંડ્યા પરિવારમાં પરણાવાઇ હતી. ભાઇ જયના લગ્ન હોઇ તે મહેસાણા આવી હતી અને લગ્નમાં પહેરવા માટે ચણિયા ચોળી સહિત અવનવા શણગારો સહિત રૂ. 70 હજારની ખરીદી કરી રાખી હતી. જોકે, તેણીના મોત બાદ લગ્ન મોકૂફ રાખ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ ભાઈને બહેનના મોતની વાતથી અજાણ રખાયો હતો.