અમદાવાદમાં મેઘતાંડવ ! પ્રહલાદનગર રોડ પર આવેલ ઔડા તળાવની તૂટી પાળી, બેઝમેન્ટ બન્યુ તળાવ

અમદાવાદમાં ગઇકાલે એટલે કે રવિવારે મૂશળધાર-જળબંબાકાર વરસાદ વરસ્યો હતો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ હતુ. સોસાયટીઓમાં પણ ઘણાના ઘરોમાં પાણી ભરાયુ ગયુ હતુ, તો ઘણી જગ્યાએ રસ્તા પર પણ ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. રસ્તાઓ પાણી-પાણી થવાને કારણે વાહનચાલાકીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને પગલે આજે શાળા અને કોલેજોમાં પણ રજા આપવામાં આવી છે.

ત્યારે ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડના ઔડાના તળાવની પાળી તૂટી ગઇ હતી અને તળાવનું પાણી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ફરી વળ્યા હતા. આખુ બેઝમેન્ટ પાણી પાણી થઇ ગયુ હતુ.જેને લીધે બેઝમેન્ટમાં મૂકેલી ગાડીઓ પણ ડૂબી ગઇ હતી. એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો પર તળાવના પાણી ફરી વળ્યા હતા અને પાણી ભરાવવાને કારણે બેઝમેન્ટ જાણે કે દરિયો થઇ ગયો હતો.

અમદાવાદમાં જળબંબાકાર વરસાદને પગલે વાસણા બેરેજના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. સાબરમતી નદીમાં 18 હજાર 904 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઘણા વિસ્તારોમાં તો દરિયા જેવી સ્થિતિ સર્જાઈ હતી.ઉસ્માનપુરામાં 8 ઈંચ, જોધપુર વિસ્તારમાં સવા 7 ઈંચ, મક્તમપુરામાં સવા સાત ઈંચ, બોપલ, ગોતામાં 6 ઈંચ, સરખેજ અને રાયખડમાં સાડા 5 ઈંચ વરસાદ નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, મોડી સાંજે શરૂ થયેલ વરસાદને પગલે આખું અમદાવાદ એક જ દિવસ રાતમાં જળબંબાકાર થઇ ગયુ હતુ.

ભારે વરસાદને કારણે મુખ્યમાર્ગો પર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.મીઠાખળી, મકરબા, પરીમલ અને દક્ષિણી અંડરપાસ બંધ કરવાની પણ ફરજ પડી હતી. રવિવારના રોજ ફરવા નીકળેલા લોકો પણ ભારે વરસાદને કારણે ઘણા જ પરેશાન થયા હતા.વાહનો પણ વરસાદને કારણે રસ્તામાં જ બંધ થઇ ગયા હતા અને કેટલાકને તો વાહનો રોડ પર મૂકી જ જવાની ફરજ પડી હતી. ઘણી જગ્યાએ તો વાહનોના થપ્પા પણ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina