અજબગજબ કૌશલ બારડ જાણવા જેવું લેખકની કલમે

મહાભારતનાં યુદ્ધમાં કોણ બનાવતું હતું લાખો સૈનિકોનું ભોજન? ક્લીક કરીને વાંચો ચોંકાવનારો ખુલાસો

આજથી આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે કુરુક્ષેત્રનાં મેદાનમાં હસ્તિનાપુરના જ એક ઘરના બે પરિવારો વચ્ચે લડાયેલું મહાભારતનું યુધ્ધ વિશ્વના ઇતિહાસની એક અજોડ ઘટના હતી. કૌરવ પક્ષની ૧૧ અક્ષૌહિણી સેના અને પાંડવ પક્ષની ૭ અક્ષૌહિણી સેના વચ્ચે થયેલું આ ૧૮ દિવસના યુધ્ધની ભયાનકતાનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. આશરે ૫૦,૦૦,૦૦૦ યોદ્ધાઓ રણભૂમિ પર ઉતર્યા હતા!

Image Source

આટલા માણસોનાં ભોજનનું શું?:
આવો પ્રશ્ન કદાચ તમારા મનમાં કદી જાગ્યો નહી હોય. જાગ્યો હશે તો પણ તેનો ઇચ્છીત જવાબ નહી મળ્યો હોય. સવાલ ખરેખર સ્વાભાવિક છે અને પેચીદો પણ! દરરોજ આટલા યોદ્ધાઓને ખવડાવવું શું? રણભૂમિ હસ્તિનાપુરથી જોજનો દૂર હોવાને નાતે સ્વાભાવિક છે કે ઘરેથી તો ભોજન ના આવતું હોય! ભોજનની વ્યવસ્થા તો રણમેદાનમાં જ કરવી પડે. પણ આટલા સૈનિકોને ખાવાનું પૂરું પાડવું એ કંઈ ખાવાના ખેલ તો હતા નહી! યુધ્ધની શરૂઆતમાં સૈનિકોનો આંકડો ૫૦ લાખનો હતો. વળી, દરેક દિવસે હજારો સૈનિકો યુધ્ધમાં મૃત્યુ પામે. એટલે દરરોજ જીવતા રહેલા સૈનિકોની સંખ્યા પ્રમાણે ભોજનમાં પણ ફેરકાર કરવો પડે. દરરોજ હજારોની સંખ્યામાં મૃત્યુ પામતા સૈનિકોના ભાગનું ભોજન વધી પડે એ તો લગીરે પોસાય નહી. કુંતીપુત્ર અર્જુન, મહારથી ભીષ્મ, અંગરાજ કર્ણ કે આચાર્ય દ્રોણાચાર્યની કમાનમાંથી સરખી રીતેછટકેલું એક બાણ હજારો સૈનિકોનો સોંથ વાળી નાખે તો રાત્રીભોજન બનાવતા રસોઈયાઓએ પણ એ પ્રમાણે દાળ-શાકમાં ઘટાડો કરવો પડે!

પણ સવાલ એ થાય કે, આ સંખ્યા ગણવી કેવી રીતે? એ કામ જ અસંભવ હતું. જો કે, કુરુક્ષેત્રનાં યુધ્ધમાં કાયમ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સૈનિકોને ભોજન પિરસાયું હતું! કાયમ સૈનિકોની સંખ્યા પ્રમાણે જ ખોરાક રંધાતો અને એમાં તલભાર પણ વધઘટ નહોતી થતી! આ કેવી રીતે શક્ય બન્યું? કર્યું કોણે? અહીં એ પેચીદા પ્રશ્નનો એકદમ રોચક ખુલાસો આપ્યો છે :

Image Source

લડવા આવેલી ઉડુપીની સેના રસોડું સંભાળવા લાગી!:
મહાભારતના યુધ્ધમાં બે વ્યક્તિઓએ પ્રત્યક્ષ રીતે ભાગ નહોતો લીધો એવું આપણે સૌ જાણીએ છીએ. એક હતા બલરામ અને બીજા રૂક્મી(ભગવાન કૃષ્ણના પત્ની રૂક્મણીના ભાઈ). બહુ ઓછા લોકો જાણે છે કે આ સિવાય એક ત્રીજી વ્યક્તિ પણ આ યુધ્ધમાં નિષ્પક્ષ રહી હતી. એ હતા ઉડુપીના મહારાજા(ઉડુપી કર્ણાકટમાં આવેલું છે). મહાભારતનાં યુદ્ધ માટે મળેલું નિમંત્રણ સ્વીકારીને ઉડુપીના રાજા સેના લઈને લડવા તો આવ્યા હતા. પણ અહીં આવીને એમણે જોયું તો તેમની સેનાને પોતપોતાના પક્ષમાં રાખવા માટે પાંડવો-કૌરવોમાં જોરદાર ખેંચતાણ થઈ રહી હતી. વળી, આ તો ભાઈ-ભાઈ વચ્ચેનું યુધ્ધ હતું. આમ ઉડુપીના મહારાજાનું મન ખાટું થઈ ગયું અને તેમણે યુધ્ધમાં સામેલ થવાની ઘસીને ના પાડી.

એ પછી એક દિવસ ઉડુપીરાજ ભગવાન કૃષ્ણને મળ્યા અને કહ્યું કે, વાસુદેવ! આપની આજ્ઞા હોય તો કુરુક્ષેત્રમાં અકઠી થતી સેના માટે હું અને મારા સૈનિકો કાયમ માટે ભોજનનો પ્રબંધ કરવા તૈયાર છીએ. કૃષ્ણ ઉડુપીરાજના આ વિચારથી બહુ પ્રભાવિત થયા. તેમને આવેલો વિચાર પ્રશંસનીય હતો અને મૂળભૂત હતો. ભગવાને અનુમતિ આપી.

Image Source

ભોજનમાં વધઘટ ના થતી હોવાનું કારણ:
૧૮ દિવસ ચાલેલું મહાભારતનું યુધ્ધ પૂર્ણ થયું. પાંડવોનો ધર્મવિજય થયો. હસ્તિનાપુરની ગાદી પર ભારતપતિ મહારાજા યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો. એ પછી એક દિવસ મનમાં ઘણી ઉત્તેજના જગાડતો પ્રશ્ન યુધિષ્ઠિરે દરબારમાં હાજર રહેલા ઉડુપીરાજને પૂછી નાખ્યો,

“ઉડુપીનરેશ! હસ્તિનાપુર તમારો આભાર માને એટલો ઓછો છે. અમારા સર્વ માટે તમે યુધ્ધના દિવસોમાં ભોજનની જે વ્યવસ્થા કરી આપેલી તેનો ઉપકાર ચૂકવી શકાય એવો નથી. પણ મને આશ્વર્ય એ વાતનું થાય છે કે, તમે ભોજનમાં આટલી ચોક્કસાઈ કેવી રીતે રાખી? રોજ અગણિત સૈનિકો મૃત્યુ પામે છતા તમે ભોજન માટે નિશ્વિત સંખ્યાનો આંકડો કેવી રીતે તારવી શકતા હતા કે જેથી કરીને અન્નનો એક દાણો પણ વધઘટ ના પામે?”

યુધિષ્ઠિર દ્વારા પૂછાયેલા સવાલ સામે ઉડુપીરાજે પણ સવાલ કર્યો, “ધર્મરાજ! તમારી પાસે ૭ અક્ષૌહિણી સેના હતી અને સામે પક્ષે કૌરવો પાસે ૧૧ અક્ષૌહિણી. સંખ્યાબળમાં દુર્યોધનનું લશ્કર તમારાથી સવાયું હતું, છતાં પણ તમે જીત્યા. આનો શ્રેય કોને જાય છે?”

Image Source

“અલબત્ત, ભગવાન શ્રીકૃષ્ણને!” યુધિષ્ઠિરે જવાબ આપ્યો.

“તો ભોજનનો ચોક્કસાઈપૂર્વકનો પ્રબંધ થયો એ પણ બીજા કોનું કામ હોય, મહારાજ?” મંદ સ્મિત સાથે ઉડુપીનરેશે ખુલાસો કર્યો,

“યુધ્ધ દરમિયાન દરરોજ રાત્રે હું શિબિરમાં વાસુદેવ પાસે ગણીને મગફળી લઈને જતો. મેં આપેલી મગફળી તેઓ ખાતા. જેટલી મગફળી તેઓ ખાય એના હજારગણા સૈનિકોની આવતીકાલે ભોજનમાંથી બાદબાકી કરવાની છે એ મને સમજાય જતું! વાસુદેવ ૧૦ મગફળી ખાય એનો મતલબ એ કે એના દસ ગણા અર્થાત્ ૧૦,૦૦૦ સૈનિકો કાલે રણભૂમિમાં શહીદીને વરવાના છે માટે એમનું ભોજન નથી બનાવવાનું!”

આ બેમિસાલ આયોજન પાછળ વાસુદેવનો હાથ હતો એ જાણી સહુ આશ્વર્યચકિત થઈ ગયા અને મનોમન ગોવર્ધનધારીને વંદી પડ્યા.

Image Source

આશા છે, કે આ અજાણી માહિતી આપને પસંદ પડી હશે. એવું હોય તો આર્ટિકલની લીંક આપના મિત્રો સાથે શેર કરી એમને પણ આ મજાની વાતથી અગવત કરાવજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.