મોરબીના વાંકાનેરમાં પત્નીએ ઢાળી દીધુ પતિનું ઢીમ, ચારિત્ર્યની શંકા રાખી ઉતારી દીધો મોતને ઘાટ

વાંકાનેર: પતિ પર આડાસંબંધોની શંકા રાખી પત્નીએ કુહાડીના ઘા મારી હત્યા કરી, ચાર મહિના પહેલા જ થયા હતા લગ્ન, જાણો સમગ્ર મામલો

Morbi Wankaner Murder : ગુજરાતમાંથી હત્યાના ઘણા મામલા સામે આવે છે, કેટલીકવાર આવા મામલામાં અંગત અદાવત તો કેટલીકવાર પ્રેમ પ્રકરણ પણ કારણ હોય છે. ત્યારે હાલમાં મોરબીના વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતી પત્નીએ તેના પતિની હત્યા કરી દીધી. પતિ કોઇ અન્ય સ્ત્રી સાથે વાત કરતો હોવાની શંકા રાખી પત્નીએ પતિને માથાના ભાગમાં કુહાડીના ઘા મારી દેતાં તેનું મોત થયું હતું.

પતિને માથામાં માર્યા કુહાડીના ઘા
મૃતકના આરોપી સાથે હજી તો ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. મૃતકના પિતાની ફરિયાદ પર પોલીસે તાત્કાલિક આરોપી પત્નીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશનો અને હાલ ઢુવામાં રહેતો અર્જુન ડામોર માટેલ રોડ પર આવેલી શિવ ઈન્ડસ્ટ્રી કારખાનામાં મજૂરી કામ કરતો અને તેની પત્ની કાળીબેન છેલ્લા કેટલાક દિવસથી તેની સાથે કામ કરવા જતી.

પત્નીએ કબૂલ્યો ગુનો
ત્યારે મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગુરુવારે મોડી રાતે કારખાનાની બાજુમાં રહેતા મૃતકના માસાએ તેમને ફોન કર્યો હતો અને તેમનો દીકરો લોહીલુહાણ હાલતમાં પડ્યો છે અને તેની પત્નીએ જ તેને ઘા માર્યા છે. જો કે, અર્જુનને 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી પણ પછી રાજકોટની હોસ્પિટલમાં રેફર કરાયો અને ત્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને પત્નીની અટકાયત કરી પૂછપરછ કરી હતી.

પતિનું બીજા સાથે ચક્કર હોવાની હતી શંકા
જો કે, પૂછપરછમાં પત્નીએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો. તેણ કહ્યું કે, બંને વચ્ચે પહેલા સામાન્ય બાબતને લઈને ઝઘડો થયો અને તે પછી અર્જુને તેને લાફો માર્યો. આ વાતથી તે એટલી ગુસ્સે થઈ કે તે પતિ પર કુહાડીથી તૂટી પડી. આ ઉપરાંત તપાસમાં એ પણ સામે આવ્યુ કે અર્જુનને કોઈની સાથે આડાસંબંધો છે તેવી કાળીબેનને શંકા હતી અને એટલે જ હત્યાવાળી રાતે બબાલ થઈ હતી. જો કે, મૃતકના પિતાએ તેમના દીકરા અર્જુનને કોઈની સાથે પણ ચક્કર ન હોવાની સ્પષ્ટતા કરી હતી.

Shah Jina