ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જ્યારે કેટલાક દુર્ઘટનાના મામલા સામે આવતા હોય છે. ત્યારે હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ છો અને તેને લઇને બેઠકોનો દોર ચાલુ છે ત્યારે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં ગત રોજ કાંકરીયા પિકનિક હાઉસ ખાતે ભાજપના મહિલા કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું.
પરંતુ આ દરમિયાન એક દુર્ઘટના ઘટી, પિકનિક હાઉસની બહાર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ન્યુસન્સ ટેન્કર પિકનિક હાઉસની દીવાલને અથડાતા દિવાલ ધરાશાયી થઇ હતી. જેને કારણે ફૂટપાથ પર ઉભેલી મહિલા ઉપર પડી અને 7 જેટલી મહિલાઓ ઘાયલ થવાના સમાચાર છે. ઇજાગ્રસ્ત મહિલા કાર્યકર્તાઓને સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ભાજપની મહિલા કાર્યકર્તાઓનું સંમેલન પૂર્ણ થયા બાદ જ્યારે મહિલાઓ બસની રાહ જોઈ બહાર ફૂટપાથ પર ઉભી હતી ત્યારે કાંકરિયા પિકનિક હાઉસની બાજુમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ન્યુસન્સ ટેન્કરનું વાહન ત્યાંથી ઢાળ પરથી પસાર થતુ હતુ. તે દરમિયાનમાં દીવાલ સાથે અથડાયું અને દિવાલ પડી ગઈ.
મહિલાઓ પર દિવાલ પડવાને કારણે તેમને નાની-મોટી ઇજાઓ થઈ હતી. જો કે ઘટનાને પગલે તાત્કાલિક શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાઓને 108 મારફતે એલજી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.