લેખકની કલમે

વ્યસન “મુક્તિદાતા” – આજે એક દીકરી બની તેના પિતાની વ્યસન મુક્તિ દાતા…જાણો તમારા વ્યસનની લતના કારણે તમારા પરિવારને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે..!!

“દેશવટો આપી દઈએ, વ્યસન રૂપી દાનવને,
અને ઉગારી લઈએ, દલદલમાંથી માનવને…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

બેંકમાં મેનેજરની નોકરી કરતા એક ભાઈ. પરિવારમાં એ એની પત્ની અને સંતાનમાં છ માસ પહેલાજ જન્મેલી એક ફૂલ જેવી રૂપાળી પરી જેવી દીકરી. શહેરના ખૂબ સારા વિસ્તારમાં આવેલું બે માળનું એનું મકાન. આર્થિક બાબતની કોઈ ચિંતા નહિ કારણ એ ભાઈને બેન્ક મેનેજરની નોકરી ઉપરાંત પિતા તરફથી ગામડે વારસામાં મળેલી ખૂબ મોટી જમીન હતી. એના ગામ એના સમાજ અને એ ભાઈ જ્યાં નોકરી કરતો ત્યાં એનું ખૂબ માં અને પ્રતિષ્ઠા હતી. આમ આ દ્રષ્ટિએ જોઈએ તો એને ભગવાને બધુજ આપ્યું હતું અને હવે વધારે એને જોઈતું પણ ન હતું. પણ કહેવાય છે ને કે જ્યાં બધુજ હોય ત્યાં પણ બધું નથી હોતું.
જ્યાં ભગવાનની કૃપાના હજારો હાથ એ ભાઈ પર હતા ત્યાં એનામાં એક એવું દુષણ વર્ષોથી પ્રવેશી ગયેલું કે ઇચ્છવા છતાં એ ભાઈ એમાંથી છૂટી શકતો ન હતો. અને એ દુષણ એટલે “ધુમ્રપાન અને તમાકુનું વ્યસન” એ ભાઈ ને નોકરી પહેલાનું આ વ્યસન થઈ ગયેલું. છોડવા ખૂબ પ્રયત્નો કરેલા ખૂબ સંકલ્પો કરેલા પણ આ વ્યસન એનાથી છૂટતું ન હતું. લગભગ દિવસમાં ચાર પાંચ વખત તો એની પત્ની એને આ બાબતે ટોકતા કહેતી કે…
“ભગવાને આપણને બધુજ આપ્યું છે. ધન વૈભવ ની કોઈ કમી નથી. સુંદર પરિવાર પણ આપ્યો છે. તમારું સમાજમાં ખૂબ માન મોભો છે. પણ તમારી આ એકજ વ્યશનની નબળાઈ મને જરાય ગમતી નથી. ભગવાને આ સુંદર શરીર અને આરોગ્ય આપ્યું છે એને જાતે કરું શા માટે બગાડો છો… પ્લીઝ છોડી દો ને આ વ્યસન…!!!”

અને દર વખતે એ મેનેજર જવાબમાં માત્ર એટલું જ કહેતો કે…

“હા, હવે બહુ થયું. હવે તો આ વ્યશનના ચક્કરમાંથી છૂટી જ જવું છે…”

પણ તેમ છતાં એ ભાઈ એમાંથી છૂટી શકતો ન હતો.
દિવસો મહિનાઓ અને વર્ષો પસાર થતા ગયા. એ મેનેજરની દીકરી પણ મોટી થવા લાગી. હવે તો એ નાનકડી ઢીંગલી માંથી ત્રીજા વર્ષમાં પ્રવેશી ચુકી હતી. વર્ષોથી વ્યશનમાં સપડાયેલા એ મેનેજર સાહેબ ના શરીર પર હવે ધુમ્રપાન અને તમાકુ પોતાની અસર વાર્તાવતું હતું. જેનો ખ્યાલ ખુદ એ મેનેજરને પણ આવી રહ્યો હતો.

ત્રણ ચાર વખત ડોકટર પાસે પણ જવું પડેલું અને ડોક્ટરે પણ સ્પષ્ટ કહેલું કે…

“ભાઈ, વધુ પડતા ધુમ્રપાન અને તમાકુના સેવનના કારણે તમારા હૃદય પર અસર વર્તાઈ રહી છે. હજી હાલ પૂરતી તો લોહીની નળીઓમાં કોલેસ્ટેરોલ નું પ્રમાણ વધુ નથી પણ કોલેસ્ટેરોલ વધવાની શતુઆત થઈ ચૂકી છે. ધુમાળાની અસર તમારા ફેફસા પર પણ થવાનું શરૂ થઈ ગયું છે… માટે હજી આ શરૂઆત છે તો વ્યસન છોડી દો. નહિતર ભવિષ્યમાં ખૂબ મોટી મુશ્કેલીમાં આપ મુકાઈ જશો…”
ડોકટરની આ તાકીદ થી એ મેનેજર સાહેબે વ્યસન છોડી દીધું પણ વળી પાછું એકાદ મહિના બાદ એ શરૂ થઈ ગયું.
આ બાબતે ઘરમાં જ્યારે એની પત્ની સાહેબને ચિંતા ભર્યા સ્વરે કહેતી ત્યારે આ બધી બાબતોથી સાવ અજાણ એમની ત્રણ વર્ષની દીકરી માતા પિતા સામે જોઈ રહેતી અને પોતાની કાલી ઘેલી ભાષામાં એની મમ્મીને કહેતી કે…
“મમ્મા, તું કેમ પપ્પાને બોલી રહી છે ? ”

અને એ સમયે એની મમ્મી પાસે કોઈ જવાબ ન હોતો. કારણ નાના બાળકને આ બાબતે એ શું સમજાવે…!!!
ખૂબ સુખ શાંતિ અને આનંદ થી રહેતા પરિવાર પર સમય જતાં જાણે વ્યશનનું ગ્રહણ લાગી ગયું હતું. હવે ઘરમાં આ બાબતે એ પતિ પત્ની વચ્ચે રોજ ઝગડા થતા. જો કે એની પત્ની તો એના અને પરિવારના ભલા માટેજ એના પતિને વ્યસન છોડવાનું કહેતી પણ વ્યશનમાં ખૂબ ઊંડે સપડાઈ ગયેલ એ મેનેજર સાહેબ ને હવે પત્નીની સલાહ પણ એક લપ લાગતી હતી.
આ બધી ઘટનાઓની વચ્ચે એક એવી ઘટના બને છે જે કદાચ એ મેનેજર સાહેબના અને એમના પરિવાર માટે એક ખૂબ મોટો વળાંક લે છે.

સાત વર્ષની થઈ ચુકેલી દીકરી પોતાના મિત્રો સાથે રમતી હતી. રમતમાં ને રમતમાં દોડવાનું થતા એ દિકરીનો સ્વાસ્ ફુલાઈ ગયો. બાકીના બાળકો ગભરાઈ ગયા અને દોડીને એની મમ્મીને આની જાણ કરી. દીકરીની હાલત જોઈ તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જઇ દાખલ કરવામાં આવી. ડોકટરે તાત્કાલિક સારવાર શરૂ કરી. લેબોરેટરી કરાવવામાં આવી. એના પિતા મેનેજર સાહેબને જાણ થતાં મોં માં મસાલાનો ડૂચો લગાવેલી હાલતમાં એ પણ તરત હોસ્પિટલ આવી પહોંચ્યા. લેબોરેટરી નો રિપોર્ટ આવી ગયો અને ડોકટરે એ દીકરીના મમ્મી પપ્પાને પોતાની કેબિનમાં બોલાવી કહ્યું કે…
“આપની દીકરીના હૃદયમાં હોલ છે. જેના કારણે દોડવાનું કે રમવાનું થતા લોહીમાં ઓક્સિજનની માત્રા ઘટી જાય છે અને દીકરીને સ્વાસ્ ચડી જાય છે. હવે આનું ઓપરેશન પણ થઈ શકે તેમ નથી. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ દીકરી વધારે જીવી નહિ શકે…”
ડોક્ટરની વાત સાંભળી જાણે માતા પિતા પર વજ્રઘાત થયો હોય એટલું દુઃખ એમને લાગ્યું.
દીકરીને ઘેર લઈ જવામાં આવી. લગભગ ત્રણ દિવસ બાદ એ વ્હાલી દીકરીનો જન્મ દિવસ આવ્યો. બીમાર અને હવે ગણતરીના દિવસો જીવનાર દીકરીનો જન્મદિવસ એના મમ્મી પપ્પાએ ખૂબ લાડ કોડથી ઉજવ્યો. ભારે હૃદયે એના પપ્પા એની પથારી પાસે ગયા અને આંખોમાં આંસુને રોકી રાખી બોલ્યા…

“મારા દીકરા, બોલ તને જન્મદિવસની શુ ભેટ જોઈએ છે ?”
અને ઊંડી ઉતરી ગયેલી આંખોમાં મૃત્યુ પહેલા એક ચમક લાવી એ નાનકડી પરી તરત બોલી કે…
“પપ્પા, તમે સિગારેટ અને તમાકુ છોડી દો…”

દીકરીની આટલી વાત સાંભળી એ બાપ ભીતરથી રડી પડ્યો. આંખોમાં રોકી રાખેલ આંસુ હવે એ રોકી ન શક્યો. અને રડતા રડતા પોતાની દીકરીના માથે હાથ મૂકી બોલ્યો…
“બેટા, આજથી હું તમામ વ્યસન છોડી દઉં છું. અને એજ તારા જન્મદિવસની ભેટ…”
અને બીજા દિવસે એ પરિવારની ઢીંગલી એ પરિવારની ખુશીઓની ચાવી એના મમ્મી પપ્પાને છોડી સદા માટે પરી બની પહોંચી ગઈ ભગવાન પાસે. અને જાણે પોતાની સાથે લેતી ગઈ એના પપ્પાની વ્યશનની કમજોરી.
બાદમાં એ મેનેજર સાહેબે પોતાની મરતી દીકરીને એના જન્મદિવસે ભેટના રૂપે આપેલ વચન છેક સુધી નિભાવ્યું. માત્ર એમને વચન નિભાવ્યું એટલુંજ નહિ પણ બાદમાં બીજા હજારો
લોકોને એ મેનેજરે નિરવ્યશની બનાવી દીધા.

વર્ષો બાદ જીવનની ઢળતી સંધ્યાએ એક દિવસ એ મેનેજર પોતાની અગાસીમાં બેઠા બેઠા આકાશ તરફ નજર નાખી મનોમન પોતાની વર્ષો પહેલાની વ્હાલી મૃતક દીકરીને કહી રહ્યા હતા…
“બેટા, તું તો મરીને પણ જાણે જીવી ગઈ. કારણ તું તો માત્ર મારી જ નહીં પણ હજારો લોકોની બની ગઈ…
“વ્યસન’મુક્તિદાતા’…”

● POINT :-
જેની નુકશાની ની ગંભીરતા જાણવા છતાં આપણે જેને છોડતા નથી એ વ્યસન ને છોડી દઈએ તો એ પરિવાર અને જગત માટે એક ઉપકારનું કામ ગણાશે. કારણ વ્યશનમાં સપડાયેલ વ્યક્તિની ઉભી થતી તકલીફ થી માત્ર એ વ્યક્તિજ નહિ પણ એની સાથે જોડાયેલા તમામ સ્નેહીઓને પણ અપાર કષ્ટો વેઠવા પડતા હોય છે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks