લેખકની કલમે

વૃદ્ધાશ્રમમાં આખો શાંત થઈ થઈ ગયો હતો, કારણ કે મુકેશકાકા નહોતા રહ્યા ! મુકેશકાકાએ જેવો દેહ છોડ્યો અને તરત જ એમના દીકરાઓ આવીને એમનું પાર્થિવ શરીર લઈ ગયા

વૃદ્ધાશ્રમમાં આખો શાંત થઈ થઈ ગયો હતો, કારણ કે મુકેશકાકા નહોતા રહ્યા ! મુકેશકાકાએ જેવો દેહ છોડ્યો અને તરત જ એમના દીકરાઓ આવીને એમનું પાર્થિવ શરીર લઈ ગયા. વૃદ્ધાશ્રમમાં પહેલેથી જ દાનની કમી હતી અને વૃદ્ધોને જમવાનું પણ ઓછું આપવામાં આવતું હતું, કારણ બસ એટલું જ કે જમવાના પૈસા ક્યાંથી લાવવા ? સવજીકાકા અને મુકેશકાકા ખૂબ જ સારા મિત્રો અને મુકેશકાકાના અવસાન બાદ એકલા થઈ ગયા હતા ! સવજીકાકા દરરોજ સાંજે હિંચકા પર બેસે અને મુકેશકાકાની યાદોને વાગોળ્યા કરે.બેટા રિવા તું આવી ગઈ ? રિવા સવજીકાકા પાસે બેઠી અને બોલી, હા સવજીકાકા હું ગઈકાલ રાત્રે જ આવી અને તમને બહુ યાદ કર્યા, પણ તમે અમારી સાથે કેદારનાથ આવ્યા જ નહીં ! સવજીકાકાએ કહ્યું, બેટા તને તો ખબર છે ને કે મને કમરનો દુખાવો છે અને હવે આ ઉંમરે ક્યાં ફરવા જઉં. સવજીકાકાને ઉધરસ આવવા લાગી અને રિવાએ એમને પાણી આપ્યું અને સવજીકાકા બોલ્યા, બેટા તારી નોકરી કેવી ચાલે છે ? રિવા બોલી, કાકા બહુ જ મસ્ત ચાલે છે અને તમને ખબર છે, હવે મારું પ્રમોશન પણ થશે. સવજીકાકાએ કહ્યું, અરે વાહ….તો તો મને પાર્ટી મળશે નહીં ? રિવા બોલી, હા કાકા, પાર્ટી તો હોય જ ને. સવજીકાકાએ રિવાને કહ્યું, બેટા કોઈ છોકરો તારો મિત્ર છે ? રિવાએ કહ્યું, હા ઘણા બધા છે. સવજીકાકાએ કહ્યું, એમ નહીં…એવો મિત્ર કે જેની સાથે તું બધી જ વાતો કરતી હોય અને તને જેના પર ખૂબ જ વિશ્વાસ હોય ! રિવાએ થોડીવાર વિચાર્યું અને કહ્યું, હા કાકા, નયન છે ને ! સવજીકાકાએ કહ્યું, તો આવતા બુધવારે તું એને સાથે લઈ આવજે. રિવાએ કહ્યું, હા, સવજીકાકા હું લઈ આવીશ, સારું કાકા આવતા બુધવારે મળીએ. આમ રિવા સવજીકાકાને પગે લાગીને જાય છે. રિવા એક કંપનીમાં એચ.આર મેનેજર હતી અને કોલેજના સમયથી દર બુધવારે વૃદ્ધાશ્રમ આવતી અને સવજીકાકા સાથે બેસતી. રિવાને વૃદ્ધાશ્રમમાં બધા જ ઓળખતા અને સવજીકાકા માટે રિવા કંઈક ને કંઈક લઈ આવતી. રિવા ઘરે પહોંચી અને રિવાના પપ્પાએ કહ્યું, બેટા મળી આવી સવજીકાકાને ? રિવાએ કહ્યું, હા પપ્પા. રિવાના પપ્પાએ કહ્યું, બેટા કેમ ઉદાસ છે ? રિવાએ કહ્યું, સવજીકાકાના ખાસ મિત્ર મુકેશકાકા છે ને. રિવાના પપ્પાએ કહ્યું, હા તો. રિવાએ કહ્યું, એ ગયા અઠવાડિયે ગુજરી ગયા તો સવજીકાકા એકલા પડી ગયા છે. રિવાના પપ્પાએ કહ્યું, મુકેશકાકા અને સવજીકાકા તો ખાસ મિત્ર હતા ! રિવાએ કહ્યું, હા એટલે જ સવજીકાકા બહુ ઉદાસ છે અને એમને આવતા અઠવાડિયે મને અને નયનને સાથે બોલાવ્યા છે, ખબર નહીં શું કામ હશે ? રિવાના પપ્પાએ કહ્યું, કંઈક કામ હશે, તમે જજો એટલે ખબર પડી જશે. રિવા પોતાના રૂમમાં જાય છે અને નયનને ફોન કરીને બધી વાત કરે છે.

નયન રિવા સાથે વૃદ્ધાશ્રમ જવા માટે માની જાય છે અને બુધવારનો સમય થાય છે અને બન્ને વૃદ્ધાશ્રમ જવા નીકળે છે. નયન પોતાની કાર લઈને વૃદ્ધાશ્રમમાં આવે છે અને સાથે રિવા પણ હોય છે. સવજીકાકા એમની દિનચર્યા પ્રમાણે હિંચકા પર બેઠા હોય છે અને ત્યાં રિવા અને નયન જાય છે. સવજીકાકા બન્નેને સાથે જોઈને ખુશ થઈ જાય છે. રિવા બોલે છે, કેમ છો સવજીકાકા ? આ નયન છે. સવજીકાકા બોલે છે, આવો બેટા…! રિવાએ કહ્યું, સવજીકાકા તમારે નયનનું કંઈક કામ હતું ને ? સવજીકાકાએ કહ્યું, બેટા મારે તમને એક વાત કહેવી છે ! નયન કહે છે, બોલોને કાકા….શું વાત છે ? સવજીકાકા કહે છે, આ જગ્યા પર વાત કહેવી યોગ્ય નથી, આપણે ક્યાંક બીજે જઈ શકીએ ? નયને કહ્યું, સવજીકાકા આજે આપણે ભોજન સાથે લઈએ અને તને એ સમયે બધી વાત કરી દેજો. સવજીકાકાએ કહ્યું, હા…બેટા, આ મસ્ત આઈડિયા છે. રિવા પણ નયનની વાત સાંભળીને ખુશ થઈ જાય છે. સાંજના છ વાગ્યા હોય છે અને નયન અને રિવા બંને સવજીકાકાની બાજુમાં બેઠા હોય છે. સવજીકાકા એમના અનુભવો અને એમની જિંદગી વિશે વાત કરતાં હોય છે અને ત્યારે નયન રિવાને કહે છે, રિવા તારા ઘરે ફોન કરી દેજે કે આજે થોડું લેટ થશે, એટલે ત્યાં કોઈ ચિંતા ન કરે ! રિવા એના પપ્પાને ફોન કરે છે અને સવજીકાકા આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે. સવજીકાકાની ખુશીનું કારણ એ હતું કે નયન રિવાનું બરાબર ધ્યાન રાખતો હતો. નયને કહ્યું, ચાલો કાકા તો હવે નીકળીએ ? સવજીકાકા કહે છે, હા બેટા ચાલો…!

નયન સવજીકાકાને કારમાં બેસાડે છે અને બેક સાઈડમાં રિવા બેસે છે. નયન સવજીકાકાને કહે છે, તો સવજીકાકા શું જમીએ ? સવજીકાકાએ કહ્યું, બેટા સાદું જમવાનું હોવું જોઈએ. નયન, રિવા અને સવજીકાકા એક કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જાય છે અને જમવા બેસે છે. રિવા સવજીકાકાને કહે છે, તો સવજીકાકા હવે આરામથી જે વાત કહેવી હોય એ કહો. સવજીકાકાએ કહ્યું, બેટા તમને તો ખબર છે કેમ મારો જીગરી જાન દોસ્ત મુકેશ હવે નથી રહ્યો. તો વાતને વધારે લાંબી કર્યા વગર કહું તો મુકેશ પાસે દસ હીરા હતાં અને એની કિંમત એક કરોડની આસપાસ થાય છે. નયનએ કહ્યું, હા તો. સવજીકાકા બોલે છે, તો એ હીરા મુકેશ મને આપીને ગયો છે અને મુકેશનું સપનું હતું કે આ હીરાને વેંચીને તમામ પૈસા વૃદ્ધાશ્રમમાં આપવામાં આવે. મુકેશ મને જ હીરા આપીને ગયો, કારણ કે એના દીકરાઓની નજર આ હીરા પર જ હતી અને હવે એમની નજર આશ્રમના એક એક વૃદ્ધ પર છે. નયન કહ્યું, બરાબર. સવજીકાકાએ કહ્યું, તો આ હીરાને વેંચીને બધા જ પૈસાનું દાન કરવાની જવાબદારી હવે તમારી છે. સવજીકાકા હીરા આપે છે અને નયન તે હીરાને પોતાની પાસે રાખે છે અને કહે છે, સવજીકાકા આવતીકાલ સુધીમાં આશ્રમમાં બધુ જ દાન આવી જશે અને બધા જ વૃદ્ધ આરામથી પોતાનો સમય પસાર કરી શકશે.

નયન અને રિવા સવજીકાકાને આશ્રમમાં મુકવા જાય છે, બાદમાં રિવા અને નયન કારમાં એકલા હોય છે અને રિવા કહે છે, નયન તને નથી લાગતું કે આ એક મોટી જવાબદારી છે. નયને કહ્યું, હા….પણ આ કરવું જરૂરી છે. નયન રિવાને ઘરે મુકવા જાય છે અને અચાનક કાર ઉભી રાખે છે અને રિવાને કહે છે, રિવા તું અડધો કલાક માટે ફ્રી છે ? રિવાએ કહ્યું, હા નયન કેમ ? નયને કહ્યું, બસ મારી સાથે ચાલ ! નયન રિવાને એક ડાયમંડ કંપનીમાં લઈ જાય છે અને કહે છે, રિવા આ મારા કાકાની કંપની છે. રિવા કહે છે, તો આપણે અહીં હીરા આપવા આવ્યા છીએ ? નયન એના કાકાને ફોન કરીને બોલાવે છે અને કહે છે, અંકલ આ રિવા છે મારી ફ્રેન્ડ અને રિવા અને નયન બધી જ વાત કરે છે. નયન એના અંકલને હીરા બતાવે છે અને નયનના અંકલ હીરાને ચેક કરે છે. નયનના અંકલ કહે છે, આની માર્કેટ પ્રાઈઝ એક કરોડ છે પણ તમને હું દોઢ કરોડ આપીશ ! નયન અને રિવા ખુશ થઈ જાય છે અને નયન કહે છે, તમે પૈસા અમને નહીં પણ આ વૃદ્ધાશ્રમને દાન સ્વરૂપે આપો. નયનના અંકલ દોઢ કરોડનો ચેક બનાવીને આપે છે. બંને ખૂબ જ ખુશ હોય છે કારણ કે એક મોટી જવાબદારી નિભાવવાનો ગર્વ હોય છે. નયન રિવાને એના ઘરે મુકવા જાય છે અને રિવા નયનનો હાથ પકડે અને કહે છે, થેન્ક્સ…! નયન કહે છે, ખાલી થેન્ક્સ જ ? રિવા કહે છે, તો શું કરું બોલ ? નયને કહ્યું, પાર્ટી આપી દે પણ આખો દિવસની હો ! રિવા અને નયન હસવા લાગે છે અને બન્ને ખૂબ જ ખુશ હોય છે અને રિવાને એક ફોન આવે છે, રિવા કહે છે, હેલો કોણ ? રિવા વાત કરે છે અને ફોન મૂકીને જોરજોરથી રડે છે. નયન પૂછે છે, શું થયું રિવા ? રિવાએ કહ્યું, વૃદ્ધાશ્રમ માંથી ફોન હતો, સવજીકાકા હવે આ દુનિયામાં નથી….!

લેખક – પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks