જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

“લિ. વૃદ્ધાશ્રમથી તારા પિતા…” – આખી જિંદગી પેટે પાટા બાંધીને જે દીકરાને ઉજળું ભવિષ્ય આપ્યું એવા પિતાનો પોતાના લાડકા દીકરાને પત્ર, એકવાર જરૂર વંચાજો આંખ ભીંજાય જશે !!!

“બેટા તારી યાદમાં, મારી આંખો રડી રહી.
શુ ખબર તને કે, પીડા કેટલી હું રહ્યો સહી…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

મારા વ્હાલા દીકરા…
તું આપણાં ઘેર તારા નાનકડા પરિવાર સાથે ખુશ હોઈશ. હું તો અહીં વૃદ્ધાશ્રમમાં તારા મને અને તારી મા ને ત્યજી ખુશ હોવાના વિચારોથી ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું પણ ખબર નહિ કેમ વિતતી દરેક ક્ષણ તારી ભરપૂર યાદોનો મહાસાગર બની મારા મન પ્રદેશ પર હાવી થઈ જાય છે અને હું સરી પડું છું ફરી તારી યાદોમાં…

મને ખબર નથી કે મેં તને મોકલેલા અગાઉના તમામ પત્રો તને મળ્યા હશે કે નહીં અને મળ્યા હશે તો તે એ પત્રોને તારા વ્યસ્ત સમય માંથી થોડો સમય કાઢી વાંચ્યા હશે કે નહીં પરંતુ તું જરૂર આ પત્ર વાંચીશ એવી આશાએ આજે ફરી તને આ પત્ર લખું છું…

image source : anandvruddhashram.org

દીકરા, તને લાગતું હશે કે હું આ આધુનિક યુગમાં ફોનને બદલે તને પત્ર શા માટે લખું છું ? તો એનું કારણ એ છે કે મારી અનુકૂળતા પ્રમાણે હું તને ફોન કરું તો એ ફોન તારે તારી અનુકૂળતા ન હોય છતાં ઉપાડવો પડે અને હું હવે એ નથી ઇચ્છતો કે તારે મારી અનુકૂળતાએ અનુકૂળ થવું પડે. આ પત્ર બિચારો તારા ઘેર , જેમ હું અહી વૃદ્ધાશ્રમમાં પડ્યો છું એમ પડ્યો રહે અને તારી મરજી હોય તો અને ત્યારે તું એમાં લખાયેલ મારી અશ્રુભીની લાગણી વાંચી શકે એટલા માટે તને પત્ર લખું છું. આ પત્ર લખી હું તારા જીવનમાર્ગમાં કોઈ બાધક બનવા નથી માંગતો પણ બેટા તારા પ્રત્યે મારા હૃદયમાં હિલોળા લેતો પ્રેમ અને તારાથી દૂર રહેતા મારા જીવનમાં પડેલો સંબંધ અને સ્નેહનો દુષ્કાળ મને આ પત્ર લખવા મજબુર કરે છે. જો તારા મત મુજબ મારી આ ભૂલ હોય તો વૃદ્ધાશ્રમના ખૂણે પુત્ર અને પરિવારના પ્રેમને ઝંખતા આ પિતાને માફ કરજે બેટા…

દીકરા, જ્યારે એક વર્ષ પહેલાં તું મને અને તારી મા ને અહીં વૃદ્ધાશ્રમમાં મુકવા આવેલો અને અમને મૂકીને જ્યારે તું ચાલતો થયો હતો ત્યારે અશ્રુથી ભરપૂર બનેલી તારી મા ની આંખો માં મેં ડોકિયું કર્યું ત્યારે મેં જોયો હતો એક મા ના હૃદય પર થયેલ ઘા જે સમય સાથે વકરતો જવાનો હતો અને પુત્રવિયોગ નો એ કારમો ઘા જ તારી મા ના મોતનું કારણ બનવાનો હતો. જીવનના છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવવાનું તારી મા નું લગ્નની ચોરીમાં તારા આ પિતાને આપેલ પાવન વચન પણ તારી જુદાઈ અને વિરહ સામે વામણું પુરવાર થયું અને એ મારો આમ અધવચ્ચે સાથ છોડી મારા જીવનમાં ખાલીપાનો એક ઓર દર્દનાક અધ્યાય જોડી સદા માટે પ્રભુ સમીપ પહોંચી ગઈ અને હું તારી અને એની એમ બંનેની યાદોમાં ઝુરતો રહી ગયો એકલો અટૂલો, પોતાનાનો પ્રેમ ઝંખતો…

દીકરા, તને ખબર નહિ હોય જ્યારે તારો જન્મ થયો એ દિવસે તને શ્વાસ લેવામાં પડતી તકલીફ નિવારવા જ્યારે પેટીમાં રાખવામાં આવેલો ત્યારે પોતાની પથારીમાંથી ઉઠી શકવાની શક્તિ ન હોવા છતાં તારી મા આખી રાત એ દવાખાનાના આઈ.સી.યુ. વોર્ડની કાચની દીવાલ સોંસરવી માત્ર તને જ નિહાળી રહી હતી અને તારા જલ્દી સાજા થઈ જવાની કામના કરતા પ્રભુ ચરણમાં અર્પેલ એના પ્રાર્થનાના પુષ્પોની તાકાત હતી કે સવારે તું સાજો થઈ ગયો. આઈ.સી.યુ. વોર્ડમાંથી જ્યારે તને અમને સોંપવામાં આવ્યો ત્યારે અમે બંને એ અમારી જાતને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિઓ ગણ્યા હતા કે પ્રભુએ અમને પુત્ર રત્ન આપ્યો હતો.

તું જ્યારે સમજણો થયો ત્યારે મેં તને માત્ર મારા ખભે જ નહીં પણ મારા હૃદયસિંહાસન પર બેસાડી આ દુનિયા દેખાડી હતી પણ તને દેખાડેલી દુનિયામાં આજના જેવી એકલતાની ગલી મેં તને નહોતી દેખાડી જે નો આજે હું અનુભવ કરી રહ્યો છું, જે હું આજે જીવી રહ્યો છું. દીકરા ખભે બેસાડી મેં તને જે દુનિયાનો પરિચય કરાવ્યો હતો એમાં ક્યાંય એવી દુનિયાનો પરિચય તો નહોતો કરાવ્યો જ્યાં પોતાના પારકા બની જતા હોય છે. છતાં ખબર નહિ તને આવી દુનિયાનો પરિચય કઈ રીતે થઈ ગયો જ્યાં પોતાના પાલક ને પારકા અને નક્કામાં ગણી જીવનમાંથી દૂર કરી દેવામાં આવે છે !!!

image source : twimg.com

દીકરા, મારે એ કહેવાની જરૂર નથી કે કઈ રીતે તારા ભણતરનો ખર્ચ પૂરો કરવા માટે તારી મા એ પોતાના સુહાગની નિશાની સમ અને એક ભારતીય નારીને સૌથી ગમતું આભૂષણ એવું પોતાનું મંગળસૂત્ર પણ વેચી માર્યું હતું અને મારી મનાઈ કરતા એને કહ્યું હતું કે…
“મારા માટે મારો દીકરો એજ મારું આભૂષણ અને અલંકાર છે…”

બેટા, તું એ વાતનો પણ સાક્ષી છે કે તારી કોલેજની ફી અને ત્યારબાદ તારા ભણતરનો ખર્ચ પૂરો કરવા મેં મારું આખું તન મન થાકી જાય એટલી હદે મહેનત મજૂરી કરી હતી માત્ર એકજ આશયે કે મારો દીકરો મોટો થઈ મારા આ પરિશ્રમને વ્યાજ સહિત એના પ્રેમ અને હૂંફ વડે મને આરામ અને શાંતિ અર્પિ બધાનો બદલો વાળી દેશે. દીકરા એ વખતે મને ખબર ન હતી કે તું બદલો તો વાળીશ પણ આમ અમને એકલતામાં ઝુરવા માટે મજબૂર કરીને…

image source : indiadidac.org

બેટા, આપણાં દેશનીતો એ પરંપરા રહી છે જ્યાં ઘરડા થયેલા જાણવરને પણ આપણે પોતાના વ્હાલના આવરણ વડે પોષિત કરીએ છીએ એને જીવાડીએ છીએ. એ અબોલ જીવને પણ મહાજનવાડે મુકતા આપણું કાળજું કપાઈ જાય છે. આવી દયા અને કરુણાની ભવ્ય અને જાજરમાન સંસ્કૃતિના વંશજ મારા દીકરા આજે કેમ આમ સ્વાર્થી બની તને જીવન આપનાર, મોટો કરનાર અને જીવાડનાર એવા તારા માતા પિતાને એમની વૃદ્ધાવસ્થા અને જે સમયે અમને તારા સવિશેસ સ્નેહ અને હૂંફની જરૂરિયાત હતી ત્યારેજ અમને તું છોડી ગયો !!! એકાંતના આ અંધકારમાં હું રોજ વિચારું છું કે અમને સાથે રાખવામાં એવી તો તને કઈ તકલીફ પડી કે તારે અમને તરછોડવાનો આવો અમાનવીય નિર્ણય લેવો પડ્યો !!! પણ આજ દિન સુધી મને મારા આ સવાલનો જવાબ મળ્યો નથી…

દીકરા, હવે આ પત્રને વધારે લંબાવી હું તને દુઃખી કરવા નથી માંગતો પણ અંતે એટલું જરૂર કહીશ કે…
બેટા, તારા દીકરા અને મારા કાળજાના કટકા સમાન મારા પૌત્રને તું સારી અને સાચી માતા પિતા ભક્તિ શીખવજે ,કદાચ જે ભક્તિ શીખવવામાં હું ઉણો ઉતાર્યો છું કે જેથી તારે આમ વૃદ્ધાશ્રમના ખૂણે બેસી મારી જેમ તારા પુત્રને વિરહની વેદનામાં આવો પત્ર લખવો ના પડે…

આજે પણ હર ક્ષણે, હર પળે ભગવાનને મારી એકજ પ્રાર્થના છે કે જે દિવસો આજે હું ભોગવી રહ્યો છું એવા દિવસો તારા જીવનમાં ન આવે… સદા તારું મંગલ થાય…
લિ.
વૃદ્ધાશ્રમથી તારા પિતા…

● POINT :-
કલ્પના કરવી મુશ્કેલ છે કે નિર્બલ અને નિસ્તેજ થતા જતા જીવનના અંતિમ પડાવે મોં અને હાથો પર પડેલી કરચલી અને પ્રેમ ઝંખતી ઊંડી ઉતરી ગયેલી ચશ્માની પાછળ રહેલી આંખો વાળા આપણાં જીવનદાતા અને ઈશ્વરથી પણ અધિક માતા પિતા જ્યારે એકલવાયું જીવન જીવતા હશે ત્યારે એમનું હૃદય કેટલી હદે રડતું હશે…
ભગવાન ન કરે પણ જરા વિચારજો કે આપણી સાથે પણ આવું બનશે તો !!!

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks