અમેરિકામાં 25 વર્ષના ભારતીય જુવાનને હથોડીના 50 ઘા ઝીંકીને ઘાતકી હત્યા, વાંચો કોને હત્યા કરી

વિદેશમાંથી ઘણીવાર ગુજરાતીઓ કે ભારતીયોની હત્યાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે હાલમાં અમેરિકામાંથી વધુ એક ભારતીયની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યોર્જિયા સ્ટેટમાં આવેલ લિથોનિયામાં 25 વર્ષિય ભારતીય યુવક વિવેક સૈનીની એક હોમલેસ વ્યક્તિ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી. વિવેક સૈની એક ગેસ સ્ટેશનમાં કામ કરતો હતો અને તે લિથોનિયાના ક્લેવલેન્ડ રોડ પર આવેલું હતું.

આરોપીની ઓળખ 53 વર્ષિય જુલિયાન ફોલ્કનર તરીકે થઇ છે. આરોપી લિથોનિયાની આસપાસના વિસ્તારોમાં જ ફરતો રહેતો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે અમેરિકામાં કાતિલ ઠંડીને કારણે મૃતક વિવેકે આરોપી જુલિયાનને તેના ગેસ સ્ટેશન પાસે આશરો આપ્યો હતો અને તે બે દિવસથી ગેસ સ્ટેશન પાસે જ રહેતો હતો. આ ઉપરાંત વિવેકે ચિપ્સ અને કોલ્ડડ્રીંક તેમજ ઠંડીથી બચવા જેકેટ પણ આપ્યું હતું.

એવી વિગત સામે આવી છે કે મૃતક વિવેક થોડા સમય પહેલા જ અમેરિકા આવ્યો હતો અને તે તાજેતરમાં જ MBA થયો હતો. આઇએમ ગુજરાતના રીપોર્ટ અનુસાર, વિવેક ખૂબ જ દયાળુ વ્યક્તિ હતો પણ તેણે જેને આશરો આપ્યો તેણે જ તેનો જીવ લીધો હતો. આરોપી ગેસ સ્ટેશન પર નિયમિત આવતો અને મોટાભાગે કોફી કે સિગરેટ લઈને પૈસા નહોતો આપતો. ગેસ સ્ટેશન પર બે દિવસ સુધી જુલિયાન રહ્યો અને કાતિલ ઠંડીને કારણે ત્યાંથી જવા માટે પણ તેને કહી શકાય એમ નહોતુ.

જો કે, 15 જાન્યુઆરીએ વિવેકે જુલિયાનને જતા રહેવા માટે વિનંતી કરી કારણ કે તેને ડર હતો કે જો ઓનરને આ અંગે ખબર પડી તો તેની નોકરી ખતરામાં આવી જશે. પરંતુ આરોપી તો વિવેક પર ગુસ્સે થઈ ગયો અને તેણે સ્ટોરની અંદર ઘૂસીને વિવેકના માથા પર હથોડાના ઘા ઝીંકી દીધા. એવું પણ સામે આવ્યુ છે કે, વિવેકના માથા અને ચહેરા પર હત્યારાએ 50થી પણ વધુ ઘા ઝીંક્યા હતા, અને પોલીસ ન આવી ત્યાં સુધી તે સ્ટોરમાં જ રહ્યો હતો.

Shah Jina