અમદાવાદ : સરખેજ ભારતી આશ્રમનો વિવાદ દિવસેને દિવસે વધી ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાને આશ્રમમાંથી બહાર કાઢ્યા બાદ આ મામલે નવો વળાંક સામે આવ્યો છે. ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી પર ઘણા આરોપ લગાવવામાં આવ્યા હતા અને આ મુદ્દે આજે પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો આપવામાં આવ્યો છે. વિશ્વેશ્વરી ભારતી લંબે નારાયણ આશ્રમમાં પહોંચ્યા હતા અને રડતાં રડતાં તેમણે ખુલાસા કર્યા હતા.
રડતાં રડતાં વિશ્વેશ્વરી ભારતીએ કહ્યુ, “મારી ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો કે માતાજીને એક દીકરી છે. આ એકતા છે. એ નાની હતી એના પપ્પા ગુજરી ગયા છે. એના મમ્મીએ બીજા લગ્ન કર્યા છે. આ એક નિરાધાર બાળક છે. જેનું હું ધ્યાન રાખું છું. મેં કોઈ ખરાબ કાર્ય જીવનમાં કર્યું નથી. ગુરુજી મારા માટે પિતા સમાન છે. કપડાંનો જે વિવાદ છે તે મારા જ છે કારણ કે હું એક મહિલા છું અને મારે કપડાંની જરૂર પડે છે. મેં અત્યારે પણ આની અંદર લેગિંઝ પહેરેલી છે અને કપડાં પહેરેલા છે.”
આ ઉપરાંત વધુમા વિશ્વેશ્વરી ભારતીએ કહ્યુ, ‘હું સાધ્વી થઈ છું તો આશ્રમમાં મારો રૂમ ના હોય તો બીજે ક્યાં હોય ? રમકડા અમારી એકતાના છે. અમારા ભક્તોએ ગિફ્ટમાં આપેલા છે. હું કોઈ ખરાબ કામ કરતી નથી. પ્રોપર્ટીનો વિવાદ અલગ છે. હરિહરાનંદ બાપુ મારા બાપ છે અને બાપ ઉઠીને દીકરી ઉપર આવા આરોપ લગાવે એ કેટલું યોગ્ય છે. એ રૂમ મારો જ છે. ઋષિભારતીનો નથી.