કૌશલ બારડ લેખકની કલમે

વિશ્વની સૌથી ઘાતક 5 કમાન્ડો ટુકડીઓ, જેના નામ માત્રથી ધ્રુજી ઉઠે છે દુશ્મનો!

વિશ્વના બધાં દેશો પાસે પોતાનું સૈન્ય હોય છે. દેશની સુરક્ષા માટે સૌપ્રથમ જરૂરિયાત પરિબળ હોય તો એ સૈન્ય જ છે એમ કહેવું લગીરે ખોટું નથી. એ આર્મીના સૈનિકોમાંથીયે એક-એક ચુનંદા સૈનિકને વીણીને બનાવવામાં આવે છે – ‘સ્પેશિયલ ફોર્સ’; જેમાં શામેલ સૈનિક ‘કમાન્ડો’ તરીકે ઓળખાય છે.

ઘણી હોલિવૂડ મૂવીઝમાં તમે દિલધડક જાનફેસાની ખેલીને સાહસ પાર પાડનાર કમાન્ડો ટુકડીઓ જોઈ હશે. દરેક દેશ પાસે આવી કમાન્ડો પાવર હોય છે. દેશની આંતરીક અને બાહ્ય પરિસ્થિતીઓમાં જ્યારે કટોકટીની રમખાણ ઉદ્ભવે ત્યારે સ્પેશિયલ ફોર્સ એક્ટિવ થાય છે અથવા તો કોઈ અત્યંત ગુપ્ત મિશન પાર પાડવામાં સ્પેશિયલ ફોર્સના કમાન્ડો ભાગ ભજવે છે. કેટલાંક અત્યંત પાવરધા લશ્કરી જવાનોનું ચયન કરવામાં આવે છે ત્યારે સ્પેશિયલ ફોર્સનું ગઠન થાય છે. સ્પેશિયલ ફોર્સમાં સમાવિષ્ટ જવાન અનેક કસોટીઓમાંથી ગુજરે છે, આપણે કલ્પનાથી ધ્રુજી ઉઠીએ એવા સાહસ કરવાની હિંમત એનામાં ધરબીને ભરી હોય છે.

અહીં આપણે વાત કરવી છે દુનિયાના સર્વશ્રેષ્ઠ એવા પાંચ દેશોના સ્પેશિયલ ફોર્સ વિશે, જેના કમાન્ડો-જેના મિશનો-જેની લઢણો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આવો જાણીએ વિશ્વની ટોપ ફાઇવ સ્પેશિયવ ફોર્સીસ વિશે :

(1) SAS (બ્રિટન) –સ્પેશિયલ એર સર્વિસ/SAS વિશ્વની સૌથી જુની અને સૌથી શ્રેષ્ઠ પ્રશિક્ષિત સ્પેશિયલ ફોર્સ છે. બ્રિટન દ્વારા તેમનું ગઠન બીજાં વિશ્વયુધ્ધ દરમિયાન થયું હતું. અનેક પ્રકારના પરિશ્રમોમાંથી ગુજરતી આ ફોર્સ દેશની અંદર તો આંતકવાદ જેવા પરિબળોનો જડમૂળથી નાશ કરે જ છે પણ ક્યારેક બીજાં દેશ પર હુમલો કરવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપને જાણીને આશ્વર્ય થશે કે અમેરિકાની નૌસેના સીલ સહિતની ફોર્સને SAS દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે! અંદાજો આવી જ ગયો હશે કે, એસએએસ કેટલી ઘાતક કમાન્ડો ફોર્સ છે!

(2) અમેરિકન નૈસેના સીલ –અમેરિકાની સૌથી ઘાતક કમાન્ડો ફોર્સ ‘નેવી સીલ’ને માનવામાં આવે છે. તેમનું મુખ્ય કાર્ય જળસીમા પર થતાં હુમલાઓ સામે બાથ ભીડવાનું છે. કહેવાય છે કે, નેવી સીલની ટ્રેનિંગ અત્યધિક કઠિન હોય છે. એટલી હદે કે, ૧૦૦માંથી ૯૫ સૈનિકોને તો સિલેક્શન સમયે જ રિજેક્ટ કરી દેવામાં આવે છે! ‘નેવી સીલ’ની ઘાતકતાનો અંદાજ આંકતી એક વાત જાણી લો – ઓસામા બીન લાદેનને ઠાર કરનાર આ જ કમાન્ડો ટુકડી હતી!

(3) ડેલ્ટા ફોર્સ (અમેરિકા) –જેના ઉપર નેશનલ જીયોગ્રાફી અને ડિસ્કવરી જેવી ચેનલો ઘણી ડોક્યુમેન્ટરી બનાવી ચુકી છે એવી અમેરિકાની ‘ડેલ્ટા ફોર્સ’ અત્યાધુનિક ટેક્નીક, ઘાતક હથિયારો અને બેજોડ કાર્યપધ્ધતિને લીધે વિશ્વભરમાં પ્રચલિત છે. આતંકવાદીઓ થર્થરાટ પ્રસરાવી દેતી ડેલ્ટા ફોર્સ અફઘાનીસ્તાનમાં તાલિબાની ઇલાકાઓ પર ઝપટ બોલાવવા માટે જાણીતી છે. ડેલ્ટા ફોર્સના સૈનિકો પણ ખરે જ આપણી વિચારશક્તિ બહારના હોય છે!

(4) સ્પટ્સનાઝ/Spetsnaz (રશિયા) –એક વાત જાણી લો. અમેરિકા અને બ્રિટનની સ્પેશિયલ ફોર્સ શ્રેષ્ઠ રીતે ટ્રેનિંગ પામેલી છે પણસ્ રશિયા જે રીતે પોતાની સ્પેશિયલ ફોર્સ સ્પટ્સનાઝના કમાન્ડોની ટ્રેનિંગ લે છે એ પ્રકારની ઘાતકી-બેરહમ ટ્રેનિંગ પર અમેરિકા-ઇંગ્લાન્ડમાં અને બીજાં ઘણાં દેશોમાં પ્રતિબંધ છે. વિચારી લો હવે સ્પટ્સનાઝની ટ્રેનિંગ અને તેના કમાન્ડોની કાબેલિયત વિશે! ઘાતકી મિશનો, અત્યંત ગુપ્ત અભિયાનો, નોટેબલ મર્ડરો માટે સ્પર્ટ્સનાઝ ગુપ્ત રીતે કાર્ય કરે છે.

(5) માર્કોસ (ભારત) –વિશ્વની શ્રેષ્ઠત્તમ સ્પેશિયલ ફોર્સમાં જેને પાંચમું સ્થાન આપી શકાય એ ‘માર્કોસ’ ભારતના સમુદ્રી કમાન્ડો છે. દસ હજાર સૈનિકમાંથી એક બને છે માર્કોસ! અત્યાધુનિક રાઇફલ, સ્નાઇપર જેવા હથિયારોથી લઈને ગમે તેવા પ્લેન-હેલિકોપ્ટર ઉડાડવાની તેમને ટ્રેનિંગ મળેલી હોય છે. હાથ-પગ બાંધેલા હોવા છતાં પાણીમાં તરી જવાની કાબેલિયત ધરાવે છે માર્કોસ! એમના મન એવાં મજબૂત બનાવવામાં આવે છે કે, ગમે તેવી પરિસ્થિતી સામે ટક્કર ઝીલી શકે. કારગિલ યુધ્ધ હોય કે ૨૬/૧૧ના આતંકીઓ સાથે ભીડવાનું હોય, માર્કોસની ભૂમિકા આ બધામાં અગ્રેસર અને પ્રશંસનિય રહી છે.

મિત્રો, લેખ પ્રમાણિત અને વિશ્વસનીય જાણકારીના આધારે બનાવેલો છે. આપને યોગ્ય લાગે તો અચૂકથી આપના મિત્રો સાથે પણ શેર કરજો. સાથે એવા લોકોને પણ આર્ટીકલની લીંક આપજો જેને સૈન્ય વિશે જાણવાની ઉત્સુકતા હોય છે, ધન્યવાદ!

Author: Kaushal Barad GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.