કૌશલ બારડ ખબર લેખકની કલમે

આ ગેસને લીધે રસ્તે ચાલતા લોકો ઢળી પડ્યા, પશુઓનાં મોઢે ફીણ આવ્યાં! વાંચો શું છે સ્ટાયરિન?

વિશાખાપટ્ટનમ્ પાસે આવેલ વેંકટપુરમ્ ગામના ગોપાલપટ્ટનમ્ ઇલાકામાં આવેલ એલ.જી.પોલિમર્સ નામની કંપનીમાંથી મધરાત્રી બાદ ગેસ લીકેજ થયો. વાલ્વ ફાટી જવાથી લગભગ બે કલાક સુધી વાયુ બહાર નીકળીને વાતાવરણમાં ભળ્યો. પ્રભાતના પહોરે લીકેજ બંધ થયું પણ ત્યાં સુધીમાં હવામાં ફેલાયેલા વાયુએ આજુબાજુની ૪ કિલોમીટરની રેન્જમાં આવેલા પાંચ જેટલા ગામો પર પથારો રેલાવી દીધો.

હજારો લોકોના શ્વાસ રૂંધાયા. રસ્તા પર ચાલતા જતા માણસો બેભાન થઈને ઢળી પડ્યા. ગળામાં ખરચ ભોંકી દીધી હોય એવું દર્દ થવા માંડ્યું. અમુકને ચામડી પર ચકામા ઉપજ્યા. મૂંગી ગાયોનાં મોંઢામાંથી ફીણ વછૂટ્યાં. કોઈ નાળામાં, કોઈ ડિવાઇડર પર તો કોઈ રસ્તા વચ્ચે વિશુદ્ધ અવસ્થામાં પડેલું જોવા મળ્યું. અફરાતફરી મચી ગઈ. ગામો ખાલી થયાં. પોલીસ, એનડીઆરએફ અને નેવીના જવાનોએ જાનને ખતરામાં નાખીને લોકોને બચાવ્યા. કુલ ૧૧ મોત થયાં છે, ૩૦૦ જેટલા લોકો સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં દાખલ છે અને આશરે હજાર જેટલા લોકો અમુકઅંશે આ ગેસથી બિમાર થયા છે.

Image Source

આ ગેસ હતો:
મળતી મીડિયા રિપોર્ટની માહિતી પ્રમાણે, ફેક્ટરીમાંથી જે ગેસ લીક થયો તેનું નામ છે : સ્ટાયરિન. સ્ટાયરિન સામાન્ય તાપમાને તો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. C8H8નું રાસાયણિક બંધારણ ધરાવતો સ્ટાયરિનની રચના બેન્ઝીનથી થયેલી છે. આથી તે, વિનાઇલ બેન્ઝીન કે ઇથેનાઇલ બેન્ઝીન તરીકે પણ ઓળખાય છે.

સ્ટાયરિનનો ઉપયોગ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઓમાં મોટા પ્રમાણમાં થાય છે. ઓટોમોબાઇલના પ્લાસ્ટિક પાર્ટ્સ, રમકડાં, ફાઇબર ગ્લાસ, પાઇપ, પોલિસ્ટાયરિન પ્લાસ્ટિક અને રબર જેવી ચીજોનાં ઉત્પાદનમાં સ્ટાયરિન વપરાય છે.

માણસને જોખમ કેટલું?:
શ્વાસ વાટે શરીરમાં ગયેલા સ્ટાયરિનની માત્રા જો ઓછી હોય તો બહુ વાંધો આવતો નથી(જો કે એ પણ સ્ટાયરિનની સાંદ્રતા વધારે પડતી ના હોવી જોઈએ તો). પણ વધારે માત્રામાં શરીરમાં ગયેલો સ્ટાયરિન ચેતાતંત્ર પર વિપરીત અસરો કરે છે. ચેતાઓ દ્વારા શરીરના વિવિધ અંગોને મગજના કમાન્ડ મળતા બંધ થઈ જાય છે. ફેફસાં પર બૂરી અસર થાય છે. ઓક્સિજનની કમી વર્તાવાથી શ્વાસ રૂંધાવા લાગે છે. શરીર પર ચાઠાં પડવા માંડે છે. આંખમાંથી સતત પાણી ટપકવા માંડે છે અને જાણે માંડ આંખની પાંપણ ઉઘડબંધ થતી હોય તેવું જણાય છે. ચક્કર આવે છે, ઊલટી થાય છે, પેટમાં ગરબડ અને ગળામાં દુ:ખાવો થાય છે.

સ્થિતી ગંભીર હોય અને દવાખાનાનો સહારો તરત ના મળે તો બની શકે મૃત્યુ પણ થાય! સ્ટાયરિનને કેન્સરકારક પણ માનવામાં આવે છે. લોહી અને ચામડીનું કેન્સર તેના લીધે થઈ શકે છે.

એમ તો ફળ-શાકભાજીમાં પણ સ્ટાયરિન છે!:
આપણા રોજિંદા ખોરાકનાં ફળ અને શાકભાજી સહિત મગફળી, માંસ અને કોફીમાં પણ સ્ટાયરિનની અમુક માત્રા હોય છે. પરંતુ એ નુકસાનકારક બિલકુલ નથી. કેમ કે, આ બધામાંથી મળતો સ્ટાયરિન કુદરતી છે. જ્યારે ઉદ્યોગોમાં વપરાતો સ્ટાયરિન કૃત્રિમ છે. હાનિકારક એ કૃત્રિમ સ્ટાયરિન છે. ૧૮૩૯માં એક જર્મન વૈજ્ઞાનિકે સ્ટાયરિનની ઓળખ કરી હતી.

ભોપાલના ગેસકાંડ જેવું ભયંકર છે?:
વિશાખાપટ્ટનમ્ દુર્ઘટનાને સોશિયલ મીડિયા પર અમુક લોકો ૧૯૮૪ની ભોપાલ દુર્ઘટના સાથે સરખાવી રહ્યા છે. પણ હક્કીકત એ છે, કે એ ભોપાલ દુર્ઘટના કરતા દુર્ઘટના અનેકગણી ઓછી ચિંતાજનક છે. ભોપાલ દુર્ઘટના વખતે જે વાયુ યુનિયન કાર્બાઇડ કંપનીમાંથી લીક થયેલો તે મિથાઇલ આઇસોસાઇનેટ હતો. આ વાયુ મતલબ હળાહળ ઝેર! જ્યારે સ્ટાયરિન એ વાયુ જેટલો ખતરનાક નથી.

મૃતકોને શ્રદ્ધાંજલી સમેત અસરગ્રસ્તો ત્વરીત સાજા થઈ જાય એવી ઈશ્વરને પ્રાર્થના!

Author: કૌશલ બારડ: GujjuRocks Team