ખબર ખેલ જગત

હાર બાદ વિરાટ કોહલીના પરિવારને મળી ધમકી? જાણો આ પાકિસ્તાની દિગ્ગજે આ બાબતે એવું તે શું કહ્યું કે વીડિયો વાયરલ થયો

T20 વર્લ્ડ કપ 2021ની તેમની બીજી મેચમાં ભારતને ન્યુઝીલેન્ડ સામે આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમ માટે સેમીફાઈનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાને દસ વિકેટે હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાની હાર બાદ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે કહ્યું કે તેમને સમાચાર મળ્યા છે કે ભારતની હાર બાદ વિરાટ કોહલીના પરિવારને ધમકીઓ મળી રહી છે. ઈન્ઝમામે આ વાત પોતાની યુટ્યુબ ચેનલ ‘ધ મેચ વિનર’ પર કહી છે.

ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું, ‘આ એક રમત છે અને તેમા જીત-હાર ચાલતી રહે છે. હું ટીવી પર બેઠો હતો અને મેં સાંભળ્યું કે વિરાટ કોહલીની દીકરીને ધમકીઓ મળી રહી છે. જો તમને વિરાટ કોહલીની કેપ્ટન્સી કે બેટિંગ પસંદ ન આવી હોય તો ચોક્કસ તમે તેના વિશે કહી શકો છો. પરંતુ મારા મતે, કોઈએ તેમના કુટુંબ વિશે ન કહેવુ જોઈએ નહીં.

ઈન્ઝમામે વધુમાં કહ્યું કે, ‘થોડા દિવસો પહેલા શમી સાથે પણ આવું જ થયું હતું. આ એક એવી ગેમ છે જેમાં તમે સારું અને ક્યારેક ખરાબ પરફોર્મન્સ આપો છો. તેને રમત સુધી રાખો, તેને આગળ ન લો. હું ખૂબ જ દિલગીર છું, આવું ન થવું જોઈતું હતું. તમે ભારતની બેટિંગ, બોલિંગ અને ટીમ સિલેક્શનની ટીકા કરી શકો છો. હાર પણ સારી રીતે સહન કરવી જોઈએ.

આ રહ્યો મુકાબલો : ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં સાત વિકેટે 110 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા (અણનમ 26) અને હાર્દિક પંડ્યા (23) સિવાય કોઈ બેટ્સમેન 20 રનના આંક સુધી પહોંચી શક્યો નહોતો. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મેન ઓફ ધ મેચ ઈશ સોઢીએ બે જ્યારે ટિમ સાઉથી અને એડમ મિલ્નેએ એક-એક વિકેટ લીધી હતી.


જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 14.3 ઓવરમાં બે વિકેટે જીત મેળવી લીધી હતી. ઓપનર ડેરીલ મિશેલે 49 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય કેપ્ટન કેન વિલિયમસને અણનમ 33 અને માર્ટિન ગુપ્ટિલે 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બંને વિકેટ લીધી હતી.