રાજકોટમાં દારૂડિયાની પોલીસને ખુલ્લી ચેલેન્જ, “હું દારૂ પીવ છું, રોજનો 20 લીટર વેચું છું, કોઈનાથી બીવાનો નથી”, જુઓ વીડિયો

ગુજરાતની અંદર દારૂબંધી માત્ર નામની બનીને રહી ગઈ છે. ઘણી જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, અને લોકો પી પણ રહ્યા છે, થોડા સમય પહેલા જ થયેલા લઠ્ઠાકાંડમાં કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો, આ ઉપરાંત ઘણીવાર પોલીસને બાતમી મળતા લાખોના મુદ્દામાલનો દારૂ પણ જપ્ત કરવામાં આવે છે, ત્યારે હાલ રાજકોટના જસદણમાંથી એક બેફામ બનેલા દારૂડિયાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો જસદણના ગઢડીયા ગામનો છે, જેમાં જોઈ શકાય છે કે એક યુવક ખુલ્લેઆમ “રોજ એકલો 20 લીટર દારૂ વેચુ, પીવ પણ છું, કોઈનાથી ડરતો નથી, પોલીસને પણ હપ્તો આપું છું” એવી બકવાસ કરી રહ્યો છે. ત્યારે વાયરલ વીડિયોના આધારે જસદણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી, અને વીડિયોમાં જોવા મળી રહેલા વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં આ વ્યક્તિ દારૂ પી અને તેના નશામાં બકવાસ કરતો હોવાની પણ તેને કબૂલાત કરી હતી.

વીડિયોમાં જોવા મળી રહેલા આ વ્યક્તિનું નામ હરેશ ઉર્ફે હડિયો રમેશભાઈ પરમાર છે અને પોલીસની પુછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આ વીડિયો 10 દિવસ પહેલાનો છે. તે પોતે દારૂના નશામાં હોવાના કારણે ભાન ભૂલી અને આવી બકવાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી. આ ઉપરાંત તે વ્યક્તિએ પોલીસ સામે એવી પણ કબૂલાત કરી હતી કે પોલીસની કાર્યવાહીના કારણે તેને આ વીડિયો બનાવ્યો હતો અને નશામાં તે શું બોલી રહ્યો છે તેનું પણ તેને ભાન નહોતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદરથી આવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, તો આવી બાબતો સામે આવતા પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલો ઉભા થતા હોય છે. થોડા દિવસ પહેલા જ સુરતમાંથી પણ એક ઘટના સામે આવી હતી, જેમાં બુટલેગરોનો પીછો કરી રહેલા પોલીસકર્મીઓ ઉપર બુટલેગરોએ કાર ચઢાવી દીધી હતી. સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી.

Niraj Patel