કૌશલ બારડ મનોરંજન

ઇસ્કોન મંદિરમાં આદિત્ય નારાયણનો શ્વેતા અગ્રવાલ સાથે હસ્તમેળાપ, જુઓ ભભકાદાર તસ્વીરો


કોરોનાને લીધે બધું ભલે ઠપ્પ થયું હોય પણ લોકડાઉનમાં રાહત મળતા, સરકારી પરમિશનો લઈને લગ્નપ્રસંગો તો થવા માંડ્યા છે. ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઓની પણ જોડીઓ આ કોરોનાકાળમાં બની ગઈ છે. પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણે પણ લગ્ન કરી લીધાં.

આદિત્ય નારાયણે શ્વેતા અગ્રવાલ સાથે લગ્નમંડપમાં ફેરા લીધા. ઉલ્લેખનીય છે, કે શ્વેતા અને આદિત્ય એકબીજા પરિચયમાં બહુ લાંબા સમયથી હતા. આદિત્ય નારાયણની પહેલી ફિલ્મ ‘શાપિત’માં શ્વેતા અગ્રવાલે અભિનય કર્યો હતો અને ત્યારથી બંને વચ્ચે પરિચય સંધાયો હતો. આ કેમિસ્ટ્રી આખરે લગ્નને મંડપે આવીને પૂરી થઈ!

કોરોનાને લઈને સરકારી ગાઇડલાઇનનું પાલન કરતા આદિત્ય અને શ્વેતાનાં લગ્નમાં ઝાઝી ધામધૂમ તો જોવા ન મળી. લગ્નમાં આમંત્રણ પણ ઓછા લોકોને આપવામાં આવ્યું. પણ તોયે લગ્ન તો સેલિબ્રિટીના ખરા ને! મીડિયામાં અને સોશિયલ મીડિયામાં લગ્નની શરૂઆતની તિલક સેરેમનીથી લઈને છેક સુધીની તસ્વીરો છવાયેલી રહી.

ઠાઠમાઠથી નીકળેલા વરરાજાની જાનમાં આખું ફેમિલી ઉમંગથી નાચતું તસ્વીરોમાં જોઈ શકાય છે. પિતા ઉદિત નારાયણ પણ મનભરીને નાચ્યા. એવી જ રીતે આદિત્યની માતા દીપા નારાયણની તસ્વીરો પણ જોવા મળી છે.

જાન લઈને નીકળેલા અને લગ્નમંડપમાં પહોંચેલ આદિત્ય નારાયણ ક્રીમ કલરની ડ્રેસમાં હેન્ડસમ લાગતો હતો. લગ્નગાળા દરમિયાન આદિત્ય ક્યારેક માસ્ક પહેરીને પણ દેખાઉ જતો. તો એવી જ રીતે શ્વેતા અગ્રવાલ પણ નવવધૂના પોશાકમાં સુંદર લાગતી હતી. ૧લી ડિસેમ્બરે બંનેએ મુંબઇના ઇસ્કોન મંદિરમાં ફેરા ફર્યા. એ પછી બીજે દિવસે મુંબઇમાં રિસેપ્શન સમારોહ યોજવામાં આવ્યો. બંને નવદંપતિઓએ કિન્નરોને ધન આપી ખુશ કર્યા અને આશિર્વાદ લીધા એ ખબર પણ વાઇરલ થઈ હતી.

લોકડાઉન પિરિયડમાં જ આદિત્યએ લગ્નનું નક્કી કરી લીધેલું. દિવ્ય ભાસ્કરને જણાવેલી વાતમાં પિતા ઉદિત નારાયણનું કહેવું હતું કે, તેમણે આદિત્યને આટલી જલ્દી લગ્ન કરવાની બાબત પર વિચાર કરવા પણ જણાવ્યું હતું.

આદિત્ય નારાયણ પ્લેબેક સિંગર, એક્ટર અને રિયાલીટી ટેલિવીઝન શોમાં હોસ્ટનું કામ કરે છે. કરિયરની શરૂઆત તેમણે એક નેપાળી ફિલ્મમાં ગાયન આપવાથી કરી હતી. ઇન્ડીયન આઇડલના શોમાં તેમને હોસ્ટ તરીકે તો બધાએ જોયેલો જ છે.

અહીં તસ્વીરોમાં આદિત્ય અને શ્વેતાના લગ્નની તસ્વીરો અને પરિવાર સહીત આ જોડીનો ઉમંગ પણ જોવા જેવો છે.લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે ત્યારે આ બધા વચ્ચે જ આદિત્યએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્નની ખુશી જાહેર કરી હતી.


એક મીડિયા સાથે વાત કરવા દરમિયાન આદિત્યે કહ્યું કે: “શ્વેતા અને હું હવે પરણિત છીએ, આ એક સપના જેવું લાગે છે. જે હવે પૂર્ણ થઇ ગયું છે. હું શ્વેતા ઉપરાંત બીજા કોઈ વ્યક્તિ સાથે મારું જીવન વિતાવવા વિશે વિચારી પણ નથી શકતો. શ્વેતાએ મને એક સારો માણસ બનાવવામાં ખુબ જ મદદ કરી છે. શ્વેતા એ વ્યક્તિ છે, જેની સાથે હું એવો રહું છું, જેવો હકીકતમાં છું.”