ભારતનો આ ફેમસ ક્રિકેટર પૈસા માટે થયો પાઇ પાઇનો મોહતાજ, આર્થિક તંગી દૂર કરવા માટે જોઇએ છે કામ

30 હજારના પેન્શન પર છે સચિનના મિત્ર વિનોદ કાંબલી, ક્રિકેટ બાદ ફિલ્મો અને ટીવી જગતે પણ આપ્યો દગો

ભારતીય ક્રિકેટ ટીમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે પદાર્પણ કરનાર બેટ્સમેન વિનોદ કાંબલી હાલ કફોડી હાલતમાં જીવી રહ્યો છે. તેની કમાણીનો એકમાત્ર સ્ત્રોત તેને બીસીસીઆઈ દ્વારા આપવામાં આવતું પેન્શન જ છે, જેના કારણે તેનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે. કાંબલી જે ક્રિકેટની પીચ પર બોલ પર છગ્ગા ફટકારતો, તે લાખોમાં કમાતો હતો, પરંતુ હાલમાં તે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો છે અને કામની શોધમાં છે. 18 જાન્યુઆરી 1972ના રોજ મુંબઈમાં જન્મેલા વિનોદ કાંબલી અને સચિન તેંડુલકરના માર્ગદર્શક રમાકાંત આચરેકર પણ કાંબલીને માસ્ટર બ્લાસ્ટર કરતાં વધુ પ્રતિભાશાળી માનતા હતા.

પરંતુ તેને નસીબનો ખેલ કહેવાશે કે સચિન આસમાનની ઊંચાઈએ પહોંચી ગયો. મિડ ડેના અહેવાલ મુજબ, હાલમાં કાંબલીને BCCI તરફથી 30,000 રૂપિયાના માસિક પેન્શન પર જીવવું પડે છે. એટલે કે તેમની દરરોજની આવક માત્ર 1000 રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની નેટવર્થ 1 થી 1.5 મિલિયન ડોલરની વચ્ચે છે. 2022ની શરૂઆતમાં આવેલા ડેટા અનુસાર, તેની વાર્ષિક આવક માત્ર 4 લાખ રૂપિયા રહી છે. જો કે મુંબઈમાં તેનું પોતાનું ઘર છે. પરંતુ દેશની આર્થિક રાજધાનીમાં રહેવા માટે આ અપૂરતું છે.

કાર કલેક્શનની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની પાસે રેન્જ રોવર કાર છે.જો કે ક્રિકેટથી દૂર હોવા છતાં તેની પાસે થોડા સમય માટે કમાણીનાં ઘણાં માધ્યમ હતાં. જેમ કે તેણે ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરી, કમર્શિયલમાં કામ કર્યું. જેના કારણે તે ખૂબ પૈસા કમાઈ લેતો હતો. એટલું જ નહીં, તેણે ફિલ્મોમાં અભિનય કરીને કમાણી પણ કરી. પરંતુ સમય જતાં તેની કમાણી ખતમ થઈ ગઈ. કોરોના મહામારી પછી તેની હાલત વધુને વધુ ખરાબ થતી ગઈ. 50 વર્ષીય વિનોદ કાંબલી કમાણીનાં સાધનો બંધ થવાને કારણે હવે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમણે પોતે આ સમસ્યાઓ વર્ણવી છે.

કાંબલીએ એમ પણ કહ્યું છે કે તેનો ભૂતપૂર્વ સાથી અને મિત્ર સચિન તેંડુલકર પણ તેની હાલતથી વાકેફ છે, પરંતુ તેને તેનાથી ઉમ્મીદ નથી. કારણ કે સચિને તેની ઘણી મદદ કરી છે. કાંબલીએ છેલ્લી વખત વર્ષ 2019માં ટીમનું કોચિંગ કર્યું હતું, જ્યારે તે T20 મુંબઈ લીગમાં સામેલ હતો. જે બાદ વર્ષ 2020માં કોરોના વાયરસે દેશ અને દુનિયામાં દસ્તક આપી હતી. ત્યારથી માત્ર અન્ય દેશવાસીઓ માટે જ નહીં પરંતુ કાંબલી માટે પણ વસ્તુઓ બદલાઈ ગઈ છે. આ રોગચાળો ફાટી નીકળતાં કાંબલી પાસે બચેલા કમાણીનાં સાધનો પણ નાશ પામ્યા.

વિનોદ કાંબલીએ તેની આર્થિક સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. તેણે કહ્યું કે હું સવારે 4 વાગે ઉઠતો હતો, ડીવાય પાટિલ સ્ટેડિયમ સુધી કેબમાં જતો હતો. ત્યારપછી સાંજે બીકેસી ગ્રાઉન્ડમાં ભણાવ્યું, જે ઘણું મુશ્કેલ કામ હતું. વિનોદ કાંબલીએ મિડ ડેને કહ્યું હતું કે હું માત્ર BCCIના પેન્શન પર નિર્ભર છું, હું કામ માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશન પણ ગયો હતો. મને આશા છે કે મને કંઈક કામ મળી જશે.વિનોદ કાંબલી તેની ક્રિકેટ કારકિર્દી કરતાં વધુ વિવાદોને કારણે હેડલાઈન્સમાં રહ્યા હતા. થોડા સમય પહેલા, કાંબલી ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી 2022માં વિનોદ કાંબલીએ નશાની હાલતમાં વાહન ચલાવતી વખતે વાહનને ટક્કર મારી હતી, જ્યારે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે થોડા સમય બાદ તેને જામીન પણ મળી ગયા હતા. ટીમ ઈન્ડિયા સાથે જોડાતા વિનોદ કાંબલીએ કુલ 104 ODI મેચ રમી છે જ્યારે ભારત માટે 17 ટેસ્ટ મેચ રમી છે. તેણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 3,561 રન બનાવ્યા છે, જેમાં ટેસ્ટમાં ચાર સદી અને વનડેમાં બે સદી સામેલ છે. વિનોદ કાંબલીએ ભારત માટે 1991માં પોતાની ODI ડેબ્યૂ કરી હતી, જ્યારે તેણે તેની છેલ્લી ODI મેચ વર્ષ 2000માં રમી હતી.કાંબલીએ 2002માં ડીડી નેશનલના શો મિસ ઈન્ડિયા સાથે નાના પડદા પર પ્રવેશ કર્યો હતો.

આ પછી વિનોદ કાંબલી સંજય દત્ત, સુનીલ શેટ્ટી, પ્રીતિ ઝાંગિયાની સ્ટારર ફિલ્મ અનર્થમાં જોવા મળ્યો હતો. રવિ દીવાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ થિયેટરોમાં ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. 2009માં આ પૂર્વ ક્રિકેટર ‘પલ પલ દિલ કે પાસ’માં જોવા મળ્યો હતો, પરંતુ આ ફિલ્મ પણ કંઈ ખાસ કરી શકી ન હતી.હિન્દી સિનેમા પછી વિનોદ કાંબલી સાઉથની ફિલ્મો તરફ વળ્યા હતા. 2015માં કાંબલી કન્નડ ફિલ્મ બેટાંગેરેમાં જોવા મળ્યો હતો. ફિલ્મો ઉપરાંત કાંબલી ઝલક દિખલા જા, બિગ બોસ અને સચ કા સામના સહિતના કેટલાક રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો. જોકે, અહીં પણ તેને સફળતા મળી ન હતી. તે બિગ બોસમાં માત્ર બે અઠવાડિયા જ ટકી શક્યો.

Shah Jina