અજબગજબ કૌશલ બારડ જાણવા જેવું લેખકની કલમે

કેવું હતું આજથી 100 વર્ષ પહેલાનું ગામડાનું જીવન? કરોડો દેતા પણ આવી જિંદગી તો આજે ના જ મળે!

આપણે ત્યાં એક લોકગીત છે. શહેરમાં નોકરી કરતો પતિ પોતાની નવોઢા પત્નીને પોતાની સાથે શહેરમાં રહેવા આવવા કહે છે. પણ ગામડાંના સંસ્કાર પત્નીમાં એ હદે સિંચાઈ ગયા હોય છે કે તે પતિની સાથે શહેરમાં આવવાની ઘસીને ના પાડી દે છે; એમ કહીને કે,

“ગામડીયા ધણી શહેરમાં મારે નથી જાવું!”

આજે આપણે વાત કરીશું ગુજરાતના ગામડાંઓનાં આશરે ૧૦૦-૧૨૫ (સો – સવાસો) વર્ષ પહેલાનાં જીવનની. સો વર્ષ પૂર્વે ગામડાનું જીવન કેવું હતું એની હક્કીકત સાંભળીને તમને એવું જીવન જીવવાની તીવ્ર ઈચ્છા થઈ આવશે એની ગેરેન્ટી સાથે! કેવાં હતાં એક સદી પૂર્વેનાં આપણાં ગામડાં? આવો જાણીએ :

1. એ વખતે આજની જેમ નવ-દસ વાગ્યે સવાર પાડવાનો જમાનો નહોતો. ગામડાંની સવાર તો ચાર-સાડા ચાર આસપાસ પડી જ જતી. સ્ત્રીઓ ઊઠીને, દાંતણપાણી કરીને સીધી દરણાં દળવા બેસી જતી. એ વખતમાં તો હાથથી ચાલતી ઘંટીઓ હતી. દળણાં દળતી સ્ત્રીઓ સાથે-સાથે ગીતો પણ ગાતી જતી. એને ‘ઘંટીગીતો’ કહેવાતાં.

2. પાંચ વાગે ત્યારે તો લગભગ ગામ આખું જાગી જ ગયું હોય. એ પછી જે ઊઠે એની ગણતરી તો ઊંઘણશીમાં થતી! ગામની બહાર વનરાજીઓમાં પંખીઓનો કલરવ ચાલુ થઈ ગયો હોય. ગાયો-ભેંસો દહોવાની પ્રક્રિયાનો આરંભ થઈ ગયો હોય. અને હાં, સૌથી પ્રિય એવો છાશ કરતી વખતે થતો ‘ઘમ્મર વલોણાં’નો અવાજ તો કેમ ભૂલી શકાય!

3. એ પછી ધીમે-ધીમે ક્ષિતેજ પર આછેરો પ્રકાશ રેલાવાની શરૂઆત થાય. હજી સૂર્ય ઉગવાને વાર છે. પણ ખેડૂતો તો એ પહેલાં જ ગાડાં જોડીને ખેતરે જવા ઉપડી ગયા છે. ઘરેથી નીકળતા પહેલા એણે દૂધ-દહીં ને ગોળ-ધીનો જમાવટ નાસ્તો પણ કરી લીધો છે, જે તેને બપોર સુધી ટેકો આપવાનો છે!

4. ગામની ભાગોળે આવેલ ગોંદરે ગામ આખાની ગાયો ભેગી થાય. ગોવાળ એને લઈને ધણ ચરાવવા નીકળી પડે. રામજી મંદિરે આરતી પણ થઈ ચૂકી હોય છે. આરતી પૂરી થયા બાદ ડોસાઓ ચોરે બેસીને ચર્ચાઓ માંડે. હવે દિવસ ઉગી ગયો છે. ગામની બહેન-દીકરીઓ કૂવે પાણી ભરવાને નીકળે છે. આ દ્રશ્ય કેટલું મનોહર હશે!

5. સૂર્ય ધીમે-ધીમે ઊઁચે ચડે અને બપોર થાય. લીમડા હેઠે ખાટલા ઢાળીને ડોસાઓ આરામ ફરમાવે. છોકરાં-છૈયાં એની આજુબાજુ વીંટળાઈ વળે. જો કે, બાળકોની વધારે પડતી ભીડ તો ગામને પાદર આવેલા વડલા હેઠળ જ હોય! બાજુમાંથી વહેતી નદી કે તળાવની તીરે આવેલ આ ઝાડવાંઓ તળે અનેક પ્રકારની રમતો યોજાય. સ્ત્રીઓ ભાતું લઈને ખેતર જાય.

6. ધીમે-ધીમે દિવસ આથમણી કોર ઢળવાની શરૂઆત થાય. સાંજ પડે. ગોધણ ગોંદરે પાછું આવે. ગોવાળ સૌ-સૌની ગાયોને મૂકી આવે. અમુક સમજણી ગાયોને ગોવાળની આ પ્રકારની દોરવણીની જરૂર પડતી નથી. બળદો અને ગાડાંનો ખખડાટ સંભાળાય એટલે ખ્યાલ આવે કે હવે ખેડૂતો પણ ગામમાં આવવા લાગ્યા છે. ત્યાં તો રામજી મંદિરે આરતીની ઝાલર વાગે! અબાલ-વૃધ્ધ સૌ મંદિરે પહોંચે. ત્યારે આજની જેમ રામમંદિરના ચૂકાદાણે માત્ર ટ્વીટર પર વધાવી લેવાનો જમાનો થોડો જ હતો, ભાઈ!

7. પંખી પણ હવે પોતપોતાના માળામાં પાછાં ફરવા માંડે છે. પ્રત્યેક ઘરમાં ‘વાળુ’ થાય છે. આખું કૂટુંબ ભેગું મળીને જમે છે. હવે ધરતી પર અંધારા ઉતરી ચૂક્યાં છે. કોઈ સાધુ મહારાજ મંદિરે આવ્યા હોય તો લોકો કથા સાંભળવા જાય. બાકી, ચોરે ડાયરો જામે. સ્ત્રીઓ પણ એકબીજાને ઘરે જઈને સુખદુ:ખની વાતો કરે. બાળકોને દાદાજી કે દાદીમાં રાજા-રાણીની વાર્તાઓ કરે. પછી દસ વાગે એટલે બસ! બધા પરમેશ્વરનું નામ લઈને સૂઈ જાય કે પહેલી પડે સવાર!

આજે ગમે તેટલી અત્યાધુનિક સુવિધાઓ થઈ છે છતાં માણસે એના માટે થઈને ‘મનની શાંતિ’ને ગીરવે મૂકવી પડી છે. એ વખતે એવું થોડું જ હતું? અને એટલે તો આપણા ભાભલાંઓ હઠ્ઠેકઠ્ઠે સો વર્ષ તો ખેંચી જ કાઢતા! કવિએ અમસ્તુ જ થોડું લખ્યું છે કે,

“ગાજે છે ગીત જ્યાં હેતનાં રે રંગભર્યું નાનું રૂપાડું મારું ગામડું!”

[ આ આર્ટિકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરવામાં કચાશ ન અનુભવતા. શી ખબર એમને પણ ગામડાનું આવું બાળપણ સાંભરી આવે! બાકી, આજે તો હવે એવાં ગામડાં પણ ક્યાં રહ્યાં છે! ખરું ને? આપનો પ્રતિભાવ પણ નીચે કમેન્ટમાં જણાવશો, ધન્યવાદ! ]

Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.