37 વર્ષીય એક્ટર વિક્રાંત મેસ્સીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહી ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. એક્ટરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ને લઈને ધમકીઓ મળતી હોવાથી આ નિર્ણય લીધો છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ નિહાળશે. આ ફિલ્મ ગુજરાતની જાણીતી ગોધરાની ઘટના પર આધારિત છે.
વિક્રાંતે તેની પોસ્ટમાં લખ્યું કે, ‘હેલો, છેલ્લાં કેટલાંક વર્ષો અને ત્યારના વર્ષો શાનદાર રહ્યાં છે. તમારા સતત સમર્થન માટે હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને સમજાયું છે કે મારી જાતને ફરીથી સંતુલિત કરવાનો અને ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે. પતિ, પિતા, પુત્ર અને એક્ટર તરીકે પણ. તેથી, 2025 માં આપણે એકબીજાને છેલ્લી વાર મળીશું, સિવાય કે સમય તેને યોગ્ય માને. મારી છેલ્લી બે ફિલ્મો અને આ વર્ષોની બધી યાદો હંમેશા મારી સાથે રહેશે. ફરીથી, આ બધી બાબતો માટે હું હંમેશા તમારો આભારી રહીશ.
ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ને લઈને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી
‘ધ સાબરમતી રિપોર્ટ’ના પ્રમોશન દરમિયાન અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ફિલ્મમાં ચાલી રહેલા વિવાદને કારણે તેને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. અભિનેતાએ કહ્યું હતું કે, ‘મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી અને મળી રહી છે. પરંતુ અમે કલાકારો છીએ, અમે વાર્તાઓ વણીએ છીએ. લોકો શું વિચારે છે અથવા તેઓ શું અનુભવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, વિક્રાંતે જણાવ્યું હતું કે ગુજરાત રમખાણો પર આધારિત ફિલ્મમાં કામ કરવાને કારણે તેને ધમકીઓ મળી રહી છે. તેણે કહ્યું, ‘મને વ્હોટ્સએપ પર ધમકીભર્યા મેસેજ મળી રહ્યા છે.
હું 9 મહિના પહેલાં જ એક પુત્રનો પિતા બન્યો છું. તે હજી ચાલવાનું પણ શીખ્યો નથી. તેના વિશે પણ ઊંધુંચત્તું કહેવામાં આવી રહ્યું છે. મને સમજાતું નથી કે આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ. શું કલાને દબાવવી યોગ્ય છે? જર્મનીની નાઝી સેનાએ હજારો યહૂદીઓની હત્યા કરી. એના પર ઘણી ફિલ્મો બની અને તેને એવોર્ડ પણ મળ્યા. એ જ રીતે અમેરિકાએ જાપાન પર અણુબોમ્બ ફેંક્યા, એના પર ઘણી એવોર્ડ વિજેતા ફિલ્મો બની. તો પછી આપણે અહીં બનતી ઘટનાઓ પર ફિલ્મ બનાવવા માટે આટલું બધું કેમ વિચારીએ છીએ?’
અહેવાલો અનુસાર, વિક્રાંત હાલમાં બે ફિલ્મો – ‘યાર જિગરી’ અને ‘આંખો કી ગુસ્તાખિયાં’ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મો વિશે વાત કરતા અભિનેતાએ લખ્યું, ” 2025 માં આપણે છેલ્લી વાર મળીશું. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો માટે ફરી એકવાર આભાર.’
વિક્રાંતે 2007માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી વર્ષ 2007માં વિક્રાંતે નાના પડદાના શો ‘ધૂમ મચાઓ ધૂમ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તેણે બાલિકા બધુના શ્યામ સિંહના રોલમાં ઘણી તાળીઓ જીતી હતી. આ સિવાય વિક્રાંતે રણવીર સિંહની ફિલ્મ ‘લૂંટેરા’ (2013)થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જેમાં ‘છપાક’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘જીની વેડ્સ સની’, ‘હસીન દિલરુબા’, ‘ગેસલાઇટ’, ‘લવ હોસ્ટેલ’, ’12th ફેઈલ’, ‘સેક્ટર 36′, ધ સાબરમતી રિપોર્ટ’ વિક્રાંતે આવી ઘણી ફિલ્મો દ્વારા અભિનેતા તરીકે ઘણું નામ કમાવ્યું હતું. વેબ સિરીઝ મિર્ઝાપુરે તેની અભિનય કારકિર્દીને નવી ઉડાન આપી હતી. વિક્રાંતને આ વર્ષે IFFI 2024માં ‘પર્સનાલિટી ઑફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
વિક્રાંત મેસ્સીએ હજુ સુધી અભિનયમાંથી નિવૃત્તિ લેવાનું કારણ જાહેર કર્યું નથી. પરંતુ આ જાહેરાતથી ચાહકો ચોક્કસપણે નિરાશ થયા છે. એકે લખ્યું, ‘તમે આવું કેમ કરો છો? તમારા જેવા કલાકારો બહુ ઓછા છે. અમને સારા સિનેમાની જરૂર છે.’, બીજાએ લખ્યું, ‘અચાનક? બધું બરાબર છે ને?’.