પહેલા થઇ ઉલ્ટી, પછી ઊંઘમાં ગયો જીવ, 43 વર્ષના વિકાસ સેઠીની પત્નીએ જણાવ્યુ મોત પહેલા શું-શું થયુ
અભિનેતા વિકાસ સેઠીના નિધનના સમાચારથી મનોરંજન ઉદ્યોગ અને તેના ચાહકો આઘાતમાં છે. શનિવારે રાત્રે ઊંઘમાં તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો જેના કારણે તેણે જીવ ગુમાવ્યો. તેના અંતિમ સંસ્કાર સોમવાર 9 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યા. ત્યારે આ દરમિયાન તેની પત્ની જાહ્નવીએ જણાવ્યું કે પતિની અંતિમ ક્ષણોમાં શું થયું.
વિકાસનું નાસિકમાં અવસાન થયું હતુ, ત્યારબાદ તેના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવ્યો. અભિનેતા ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, કસૌટી જિંદગી કી, કહીં તો હોગા, ગીત હુઈ સબસે પરાઈ અને ઉત્તરન જેવા ઘણા લોકપ્રિય ટીવી શોનો ભાગ રહ્યો છે. વિકાસના નિધન બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. આ દરમિયાન તેની પત્નીએ જણાવ્યું કે મોતની એક રાત પહેલા તેની તબિયત બગડી હતી. તેને ઉલ્ટી થઈ રહી હતી, પરંતુ તેણે ડોક્ટર પાસે જવાની ના પાડી.
જાહ્નવીએ કહ્યું કે, અમે નાસિકમાં મારી માતાના ઘરે પહોંચ્યા કે તરત જ તેને ઉલ્ટી થવા લાગી અને લૂઝ મોશન થવા લાગ્યું. તે હોસ્પિટલમાં જવા માંગતો ન હતો, તેથી અમે ઘરે ડૉક્ટરને બોલાવ્યા. બીજા દિવસે સવારે 6 વાગ્યાની આસપાસ હું તેને જગાડવા ગઇ ત્યારે તે નહોતો. ડૉકટરે જણાવ્યું કે ગઈકાલે રાત્રે તેમને ઊંઘમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેમનું મોત થયું.
વિકાસ પાસે છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ કામ નહોતુ, આ જ કારણ હતુ કે આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યો હતો. 5 વર્ષ પહેલા કામ ન મળવા પર તે ડિપ્રેશનમાં પણ હતો. પર્સનલ લાઇફની વાત કરીએ તો, વિકાસે જાહ્નવી સાથે લગ્ન કર્યા છે, તેના બે જુડવા બાળકો પણ છે. વિકાસે તેની પત્ની જાહ્નવી સાથે નચ બલિયેની ચોથી સીઝનમાં ભાગ લીધો હતો.
વિકાસ સેઠી 2001ની સુપરહિટ ફિલ્મ કભી ખુશી કભી ગમમાં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે કરીના કપૂરના કોલેજ ફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે વર્ષ 2001માં આવેલી ફિલ્મ દિવાનાપનમાં પણ જોવા મળ્યો હતો. તે છેલ્લે તેલુગુ સાયન્સ ફિક્શનલ ફિલ્મ ઈસમાર્ટ શંકરમાં જોવા મળ્યો હતો.