ગુજરાતમાં કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યાં છે ત્યારે રાજ્યમાં કોરોનાના છેલ્લા બે દિવસથી 1500થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં બુધવારે પહેલીવાર કોરોનાના સૌથી વધુ 1,790 કેસ નોંધાયા છે હવે કોરોનાના વધતા કહેર વચ્ચે રાજયના CM વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે.
સીએમ રૂપાણીએ કહ્યું કે, આખા દેશમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં મૃત્યુઆંક ઓછો છે. હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ એક અઠવાડિયું કેસ વધશે બાદમાં ઘટશે. 3 લાખ વેકસિન આપવાની મુહિમ છે.

વિધાનસભા ગૃહ ટુંકાવવાની વિપક્ષની માંગને લઈને CM રૂપાણીનું નિવેદન આપ્યુ હતુ કે, વિધાનસભા સત્ર નહી ટૂંકાવાય અને 8 જેટલા વિધેયક પસાર કરવામાં આવશે. તમામ વિધયક પસાર કરીને નિયત કરેલા સમયે સત્ર પૂર્ણ થશે.
તમને જણાવી દઇએ કે, બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.

અત્યાર સુધી 36 લાખ 77 હજાર 467 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 6 લાખ 17 હજાર 132 લોકોને બીજા ડોઝ આપવામાં આવ્યો છે.