કિશન ભરવાડની 20 દિવસની દીકરીની આ દાનવીરે ઉપાડી જવાબદારી- જાણો કોણ છે તે વ્યક્તિ

25 જાન્યુઆરીના રોજ માલધારી સમાજના યુવક કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસની તપાસ તેજ બની છે, તો બીજી તરફ કિશન સાથે જોડાયેલી યાદો પણ લોકોની આંખો ભીંજવી રહી છે. કિશન સાથે જોડાયેલી એક પછી એક યાદો બહાર આવી રહી છે, ત્યારે ગઇકાલના રોજ કિશનનો છેલ્લો વીડિયો પણ સામે આવ્યો હતો.કિશન ભરવાડના ઘરે 20 દિવસ પહેલા જ દીકરીનો જન્મ થયો હતો, તે પિતા બન્યો હતો અને પરિવારમાં પણ ખુશીઓનો માહોલ વ્યાપેલો હતો. પરંતુ દીકરી જન્મના થોડા દિવસ બાદ જ કિશનની હત્યા કરી દેવામાં આવી અને પરિવારની ખુશીઓ પળવારમાં માતમમાં પરિણમી હતી. ત્યારે કિશનના પરિવાર દ્વારા પણ ન્યાય માટે આજીજી કરવામાં આવી રહી છે.

આ બધા વચ્ચે હવે કિશન ભરવાડની નાનકડી દીકરીની એક દાનવીર દ્વારા જવાબદારી ઉપાડવામાં આવી છે. ગુજરાતમાં અલગ અલગ સમાજના અગ્રણીઓ ઉપરાંત સંતો પણ આ મામલે દુખ વ્યક્ત કરી રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે ત્યારે આ ઘટનામાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કિશનના પરિવારને મળવા ધંધુકા ગયા હતા અને તેની નાનકડી દીકરીને હાથમાં લઇ ભાવુક થઇ ગયા હતા. હવે ત્યારે હર્ષ સંઘવીની સાથે રહેલા સુરતના જાણિતા બિલ્ડર અને ભરવાડ સમાજના અગ્રણી વિજયભાઇ ભરવાડ દ્વારા એક ખૂબ જ નેક કામ કરવામાં આવ્યુ છે તેમણે એ મનમાં નિશ્ચય કર્યો હતો કે તે પોતાની દીકરીની જેમ કિશનની દીકરીને રાખશે.

તેમણે આ બાળકીને ખોળામાં લઇ તેની જવાબદારી ઉપાડવાની વાત કરી હતી અને આ વાત પરિવાર અને સમાજને કહેતા તેઓએ તેમને વધાવી લીધા હતા. તમને જણાવી દઇએ કે, વિજયભાઇ કે જેમણે કિશનની દીકરીની જવાબદારી ઉપાડી તેઓ મૂળ ધંધુકાના વતની છે અને હાલમાં સુરતમાં સેવાભાવી તરીકેની થાપ ધરાવે છે. તેઓ 7 જેટલી સેવાકીય સંસ્થાના ટ્રસ્ટી પણ છે અને ગોકુળ ડેવલોપસના મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ છેલ્લા ઘણા સમયથી સુરતમાં રહે છે અને ત્યાંના બિલ્ડર વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ દક્ષિણ ગુજરાતના ભરવાડ સમાજના પ્રમુખનું પદ પણ સંભાળે છે.

કિશન ભરવાડની હત્યા બાદ તો પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યુ છે. કિશન ઝેરોક્સની દુકાન ચલાવી પોતાના પરિવારનું પેટ ભરતો હતો. તેની હત્યા બાદ બધાના મનમાં એ જ પ્રશ્ન હતો કે હવે તેની 20 દિવસની દીકરીનું શું થશે. ત્યારે આ સંકટના સમયે સમાજના મોભી વિજયભાઇ ભરવાડ આગળ આવ્યા અને તેમણે દીકરીની જવાબદારી ઉપાડી. જયારે હર્ષ સંઘવી કિશનના પરિવાર સાથે મુલાકાત માટે ગયા હતા ત્યારે તેઓ પણ હાજર હતા. વિજયભાઇ ભરવાડની આ કામગીરીને માલધારી સમાજે બિરદાવી હતી.

કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધી 7 આરોપીઓને ઝડપી પાડવામા આવ્યા હતા, જેના બાદ બીજા 3 આરોપીઓને હવે પોલીસે ઝડપી પડ્યા છે. કિશન ભરવાડ કેસમાં અત્યાર સુધી 10 જેટલા આરોપીઓની ધપરકડ કરી લેવામાં આવી છે. હાલ પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓએ કિશનના હત્યારા શબ્બીરને હથિયાર આપવામાં મદદ કરી હતી જયારે અન્ય એક આરોપીએ શબ્બીરને ભાગવામાં મદદ કરી હતી. હાલમાં આ ત્રણેય આરોપીઓ સાથે ગુજરાત એટીએસ વધુ પૂછપૂરછ કરી રહી છે.

પોલીસના હાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓમાં મોહમ્મદ રમીઝ સલીમભાઇ સેતા, મહંમદ હુસૈન કાસમ ચૌહાણ અને મતીન ઉસ્માનભાઈ મોદનનો સમાવેશ થાય છે, આ ત્રણેય આરોપીઓએ કિશનના હત્યારા શબ્બીરને મદદ કરી હતી. કિશન હત્યાકાંડમાં પોલીસ અને એટીએસને એક પછી એક મહત્વની સફળતાઓ હાથ લાગી રહી છે.આ પહેલા કિશન હત્યાકાંડમાં દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની સહીત 6 આરોપીઓને ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓને ધંધૂકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ ATS તરફથી માંગવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ દ્વારા 7મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

Shah Jina