દુ:ખદ સમાચાર : જાણિતા અને દિગ્ગજ સિંગરનું થયુ નિધન, આખું બોલીવુડ ઊંડા દુઃખમાં સરી પડ્યું

છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતમાંથી એક બાદ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સોમવારે રાત્રે ફરી એકવાર દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ પ્લેબેક સિંગર ભૂપિન્દર સિંહનું મુંબઈમાં નિધન થયું છે. તેમની પત્ની અને ગાયિકા મિતાલી સિંહે તેમના નિધનની માહિતી આપી હતી. ભૂપિન્દર સિંહ તેમના અવાજ માટે જાણીતા છે. તેમણે બોલિવૂડના ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. સોમવારે સાંજે ગાયકના નિધન વિશે માહિતી આપતાં તેમની પત્ની મિતાલીએ કહ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા.

માહિતી સામે આવી છે કે ગાયકના અંતિમ સંસ્કાર નજીકના લોકોની હાજરીમાં રાત્રે જ કરવામાં આવ્યા હતા. કોરોનાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સિંગરે 82 વર્ષની વયે મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ‘મૌસમ’, ‘સત્તે પે સત્તા’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘દૂરિયાં’ અને ‘હકીકત’ જેવી ફિલ્મો માટે અનેક યાદગાર ગીતો પીઢ ગઝલ ગાયક ભૂપિન્દર સિંહ ગાઇ ચૂક્યા છે. તેમની મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમને કોવિડ પણ થયો, ત્યારપછી તેમની તબિયત સતત લથડી રહી હતી. સ્કેનિંગમાં એક તરફ કેન્સર વધવાની શક્યતા સ્પષ્ટ દેખાઈ રહી હતી અને બીજી તરફ તેમનો કોવિડ પણ ઠીક થઈ રહ્યો ન હતો. ત્યારે સોમવારના રોજ સાંજે 7.30 કલાકે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. ભૂપિન્દર સિંહ એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર અને મુખ્યત્વે ગઝલ ગાયક હતા. તેઓ બાળપણમાં તેના પિતા પાસેથી ગિટાર વગાડવાનું શીખ્યા. દિલ્હી આવ્યા પછી, તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો માટે ગાયક અને ગિટારિસ્ટ તરીકે કામ કર્યું.

સંગીતકાર મદન મોહને તેમને 1964માં પહેલો મોટો બ્રેક આપ્યો હતો. તેમનો જન્મ 6 ફેબ્રુઆરી 1940ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા પ્રોફેસર નાથા સિંહ પણ એક મહાન સંગીતકાર હતા. 1978માં રિલીઝ થયેલી એક ફિલ્મમાં ગુલઝાર દ્વારા લખાયેલા ગીત ‘વો જો શહર થા’થી તેમને લોકપ્રિયતા મળી હતી.

તેમણે 1980માં બંગાળી ગાયિકા મિતાલી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. જો કે બંનેને કોઈ સંતાન નથી. 18મી જુલાઈના રોજ 82 વર્ષની વયે તેમણે દુનિયામાંથી અંતિમ વિદાય લીધી છે. તેમના આ રીતે નિધનથી સંગીત જગતને મોટી ખોટ પડી છે.

ગાયક ભૂપિન્દર સિંહને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શ્રદ્ધાંજલિ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, “દશકો સુધી યાદગાર ગીતો આપનાર શ્રી ભૂપિન્દર સિંહજીના નિધનથી દુઃખી છું. તેમના કામથી ઘણા લોકો પ્રભાવિત થયા. આ દુઃખદ સમયે તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે. ઓમ શાંતિ.

Shah Jina