વેરાવળ : એન્જિનિયર યુવકે યુવતિને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ, બ્લેકમેઇલ કરી સોનાનાં 2 બિસ્કિટ, 23 તોલાના દાગીના અને 60 હજાર રોકડા પડાવ્યા

ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં વેરાવળમાંથી આવો મામલો સામે આવ્યો છે. ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવકે સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને જુદી જુદી હોટલોમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યાુ. આ પછી તેણે બીમાર હોવાનું જણાવી યુવતી પાસેથી રોકડ રકમ લીધી અને બાદમાં ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી 43 તોલાના સોનાના દાગીના અને સોનાનાં બિસ્કિટ પડાવી લીધાં.

જો કે, યુવતિએ દાગીના અને રકમ પરત માંગી તો યુવકે ધાકધમકીઓ આપી હતી. આખરે આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, વેરાવળની ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવકનો પરિચય સાથે નોકરી કરતી યુવતી સાથે થયો અને આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો.

જો કે એકવાર યુવકે કેન્સરની ગાંઠ હોવાનું કહી સારવાર માટે યુવતિ પાસેથી રોકડ રકમ લીધી અને આ પછી કોઈ બહાને વેરાવળની મધ્યમાં અને સોમનાથ બાયપાસ પાસે આવેલ જુદી જુદી હોટલોમાં લઈ જઈ યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા. આ પછી તેણે ફોટા-વીડિયો વાયરલ કરવાની અવારનવાર ધમકીઓ આપી કટકે કટકે 2 નંગ સોનાનાં બિસ્કિટ, 23 તોલા સોનાના દાગીના અને 60 હજાર રોકડા પડાવ્યા.

જો કે, જ્યારે પણ યુવતી સોનાના દાગીના અને રોકડ પરત માંગતી ત્યારે યુવક ધાકધમકીઓ આપતો અને વધુ રકમ લઈ આવવા દબાણ કરતો. ત્યારે આખરે કંટાળેલી યુવતીએ પરિવારજનોને હકીકત જણાવી અને આ મામલો પોલીસ સુધી પહોંચ્યો.

Shah Jina