મુકેશ સોજીત્રા લેખકની કલમે

‘વાત્સલ્યનું દ્વાર હરિદ્વાર’ – એવું નથી સદગુણોથી જ પ્રેમ થાય… ક્યારેક અવગુણોથી પણ પ્રેમ થઈ જાય !!!

નવલિકા : વાત્સલ્યનું દ્વાર.. હરિદ્વાર!!
લેખક : મુકેશ સોજીત્રા

ઉટીના રમણીય વાતાવરણમાં સોનાલી સ્વપ્નીલની  બાંહોમાં ઝૂલીને આકાશ સામે જોઇને બોલી…
“ડીયર સપુ.. હું વિચારું છું કે અત્યારે મારા જેટલું સુખી આ દુનિયામાં કોઈ નથી. ભગવાને મારી તમામ મનોકામના પૂરી કરી છે.. જેટલું ભગવાન પાસે માંગ્યું હતું એનાથી બમણું મને મળી ગયું છે હા એક વાત નો રંજ છે કે ભગવાને મને સાસુનું સુખ નથી આપ્યું.. બસ બાકી હું આજે સહુથી  વધારે સુખી છું..” સ્વપ્નીલ સોનાલીના વાળમાં હાથ પરોવીને તેની સુંદરતા પી રહ્યો હતો.. સોનાલી સુંદર તો હતી જ પણ સ્વપ્નીલનો પ્યાર પામીને એની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા. અને આમેય સ્ત્રીની સુંદરતા ત્યારે જ ઓર ખીલી ઉઠે જયારે એની પર પતિનો પ્રેમભર્યો હાથ ફરતો હોય!!!

“ભાગ્યશાળી તો હું છું સોનું કે તું આવવાથી જીવવાનો એક મકસદ મળી ગયો છે.. બાકી હું કોઈની સાથે આટલો ભળ્યો જ નથી.. મારે કોઈ મિત્ર પણ નથી… બસ મને એકાંત હમેશા પ્રિય હતું.. એકલતાની એક અલગ જ મજા હોય છે.. જીવનમાં જીવવાના ઘણા વિકલ્પો હોય છે.. પણ જે એકલતાને પસંદ કરે એને પછી બીજો કોઈ વિકલ્પ ફાવે જ નહિ.. પણ કોણ જાણે તું મારા જીવનમાં વસંત લાવવા જ આવી છો..તને પામીને હું ખુબ ખુશ છું..  અંતર અંદરથી તાર તાર થઇ ગયું છે.” કહીને સ્વપ્નીલે સોનાલીને પોતાના બાહુના આગોશમાં ખેંચી લીધી.

એક તો ઉટીનું રમણીય અને મનમોહક વાતાવરણ.. ચારેય બાજુ ચા અને કોફીના  બગીચા.. એકદમ માદક વાતાવરણ.. અન એ ક કોફીના બગીચામાં એક બેંચ પર સોનાલી અને સ્વપ્નીલ એકબીજાના સહારે એકબીજામાં પરોવાઈને એકબીજામાં ખોવાઈ ગયા હતા!! વાતાવરણમાં અનેરી સ્નેહની સુગંધ આવતી હતી.. અને આવે જ ને કારણકે હજુ તો આ બને સોનાલી અને સ્વપ્નીલ પાંચ  દિવસ પહેલા જ પરણ્યા હતા. અને પરણીને તરત જ હનીમુન માટે ઉટી આવ્યા હતા..!!!

સોનાલી મહેશભાઈ પટેલ..!! ખુબ જ દેખાવડી છોકરી હતી.. બાર સુધી ભણેલ છોકરી પણ ગજબની સમજણ ધરાવતી હતી. નાનપણમાં જ એમની માતા અવસાન પામેલી.. સોનાલી જયારે લગભગ પાંચ વરસની હતી ત્યારેજ આ આકસ્મિક ઘટના બની હતી. એના પિતાજીએ બીજા લગ્ન કર્યા હતા. અને પરિણામે સોનાલી એના મામા ઝવેરભાઈ ને ત્યાં રહીને ઉછેર પામી હતી. એના મામી મંદા બેને સોનાલીને સગી દીકરી કરતા વિશેષ સાચવી હતી. બહુ ઓછા ભાણેજડુંના ભાગ્યમાં આવી મંદા જેવી મામીઓ મળે પણ સોનાલી એમાં અપવાદરૂપ હતી. નાની ઉમરમાં સોનાલીને ખુબજ સમજણ આવી ગઈ હતી. હજુ તો એ આઠમા ધોરણમાં હતી ત્યાંજ એ ઘરના તમામ કામ કરતી હતી. ધોરણ બાર પછી સોનાલીએ ભણવાનું છોડી દીધું હતું. એના મામા હવે એની માટે વેવિશાળ શોધતા હતા. સોનાલી  ચોવીસ વરસની થઇ ત્યારે એના પિતાજી એને લેવા આવ્યા હતા. આટલા વરસો પછી અચાનક એના પિતાજી એને મળવા આવ્યા હતા. સોનાલી ખુબ જ રડી હતી એના પિતાજીને જોઈ ને!!

એના મામા ઝવેરભાઈ  બોલ્યા એના માથે હાથ મુકીને..
“ બેટા સોનું તારા પાપા તને લેવા આવ્યા છે.. હવે તું મોટી થઇ ગઈ છો એની ઈચ્છા છે કે તું ત્યાં જઈને રહે.. અમારે માટે તો તું પારકી થાપણ જ ગણાય ને.. મારી બેનની તું આખરી નિશાની છો દીકરા પણ પ્રથમ હક તો તારા પિતાજીનો જ ગણાય ને!! એ બિચારાની મજબૂરી હતી કે એને એનો વંશ ચલાવવો હતો એટલે ફરીથી પરણ્યા અને એક દીકરાના બાપ પણ બન્યા છે. બેટા હવે તારે એક ભાઈ પણ છે.. જે અત્યારે  કોલેજમાં છે બેટા..!! અમારા માટે તો તું સગા દીકરા કરતા વધારે વહાલી છો પણ તારા પિતાજીની ઈચ્છા છે કે સોનાલીના લગ્ન મારે કરવા છે.. એ હક એમનો ગણાય દીકરા” ઝવેરભાઈની આ વાત સાંભળીને અચાનક જ સોનાલીની આંખ ફરી ગઈ..આંખમાં એક અનોખી ચમક જ આવી ગઈ..

“ મામા તમે મને બે કપડામાં વિદાય કરશોને તો પણ ચાલશે… મામા તમને હું જાજો ખર્ચ પણ નહિ કરાવું.. મામા મારે જાહોજલાલીમાં નથી પરણવું..પણ મારે અહી રહેવું છે મારે નથી જવું પાપા ને ઘેર મામા” સોનાલી ઝવેરભાઈના હાથ પકડીને બોલી.

“ઝવેરભાઈ એ તો છોકરું કહેવાય એને શું ખબર પડે?? એ તો આટલા વરસો અહી રહી છે એટલે એ આવું બોલે છે.. થોડા દિવસ ત્યાં રહેશે એટલે બધું સમું નમું થઇ જાશે..પછી ભાઈ બહેનનો યોગ્ય જગ્યાએ સંબંધ કરી નાંખીશું અને પરણાવી દઈશું” મહેશભાઈ બોલ્યા કે સોનાલી તરત જ બોલી..

“ મામા તમે સમજ્યા.. એ મને નથી લેવા આવ્યા પણ એના દીકરાને પરણાવવા માટેની અબળખા લઈને આવ્યા છે..  અત્યારે કોઈને દીકરી દઈએ તો દીકરી મળે એવો સમય આવી ગયો છે.. એ એના વંશ ચાલકને પરણાવવા માટે મને ઘરે લઇ જઈને સામું સામું કયાંક સંબંધ ગોતીને લાકડે માંકડું વળગાડવા આવ્યા છે.. બાકી ઓગણીસ વરસ જતા રહ્યા અને અત્યારે જ દીકરી કેમ યાદ આવી?? મામા માઠું ના લગાડશો મારી વાતનું પણ હવે તો કોઈ કાળે એ ઘરે તો નહિ જ” અને એના પિતાજી મહેશભાઈ દીકરીની નજર ના જીરવી શક્યા. એની ચોરી પકડાઈ ગઈ હતી. સહુને સોનાલી ની ઊંડી સમજણ માટે માન થઇ આવ્યું. અને પછી તો ઝવેરભાઈએ પાકું પણ કરી લીધું કે એના પાપા ના ઈરાદા એવા જ હતા..!!

બસ પછી તો ઉનાળામાં ઝવેરભાઈ એ સોનાલીને સુરત એના નાના ભાઈને ત્યાં મોકલી આપી અને ભલામણ કરી કે આ ઉનાળામાં એનો ક્યાંક સંબંધ થાય તો ગોઠવી દેવો છે, ઘર નબળું હોય તો ચાલશે પણ ઘરના માણસોના વિચાર નબળા ના હોવા જોઈએ.. એમાં વરાછામાં પટેલ પટેલ સમાજનો પસંદગી મેળો યોજાયો.. એમાં સોનાલી ને સ્વપ્નીલ એકાએક ભેગા થઇ ગયા.!!

સ્વપ્નીલ આકાશભાઈ પટેલ!!
સ્વપ્નીલ જયારે સાતેક વરસનો હતો ત્યારે આકાશભાઈ એને લઈને સુરત આવ્યા હતા. આવીને અશોકવાટિકા સોસાયટીમાં એક મકાન રાખ્યું હતું. સ્વપ્નીલને સાચવવા માટે એક માજીને રાખી લીધા હતા. સવારથી આકાશભાઈ મીની બજારમાં ચાલ્યા જાય. સાંજે સાત વાગ્યે ઘરે આવે.સોસાયટીમાં કોઈની સાથે કોઈ અંગત વહેવાર જ નહિ. સોસાયટીમાં સ્વપ્નીલ ની માતા વિષે જયારે પૂછવામાં આવ્યું ત્યારે એણે એટલું જ કીધેલું કે એની માતા મૃત્યુ પામી છે..!! બસ સ્વપ્નીલ મોટો થતો રહ્યો,પિતાજીનું એકાંકીપણું એનું અભિન્ન અંગ બની રહ્યું. ભણવામાં તેજસ્વી સ્વપ્નીલ કમ્પ્યુટર એન્જીનીયર બન્યો.પોદારમાં એક શોપમાં એ પોતે કમ્પ્યુટર ના સોફ્ટવેર બનાવતો અને વિદેશમાં વેચતો. એમના પાપા પણ પુષ્કળ કમાતા હતા. પણ સોસાયટી વાળા એ ભાગ્યે જ એમને વાતચીત કરતા સંભાળ્યા હતા. બાપ અને દીકરો કોઈની સાથે ભળતા નહિ.. વરસોથી એક સોસાયટીમાં રહેવા છતાં સાવ અજાણ્યા જ હતા!!!

પટેલ સમાજ જીવનસાથી પસંદગી મેળો!! યોગી ચોક, વરાછા સુરત!!

સ્વપ્નીલ અને સોનાલી પાણી પીવાના સ્ટેન્ડે ભેગા થયા. ખુબ જ ગીર્દી હતી ત્યાં. સુરતનું ચોમાસું આકરું એમ જ ઉનાળો આકરો!! સ્વપ્નીલે સોનાલીને પાણીનો ગ્લાસ આપ્યો. સોનાલીએ ઝડપથી પાણીનો ગ્લાસ લઇ લીધો. સ્ટેજ પર સમાજના આજીવન મંચસ્થ મહાનુભાવો પોતાના વિચારો વ્યકત કરી રહ્યા હતા.

“ આપણા સમાજમાં કુરિવાજો ઘટે સુખ સંપતિ વધે એ જ અમારું ધ્યેય છે.આજના જમાનામાં વાર વધુની કુંડળી મેળવવાની જરૂર નથી..કુંડળી મેળવવી હોય તો સાસુ અને વહુની મેળવવી જોઈએ.. લગ્ન પછી સાસુ વહુઓને જ બનતું નથી” એક આગેવાન તેજીલી જબાનમાં ભાષણમાં કરી રહ્યા હતા.

“ આ એ લોકો છે જયારે એમને પૂછ્યા વગર સંબંધ કરી નાંખવામાં આવ્યો હતો અને લગ્નની પહેલી રાતે જ એમને એમની પત્નીનું મોઢું પ્રથમવાર  જોવા મળ્યું હતું. તેમ છતાં એ આપણા માટે આટલી સગવડભરી જહેમત ઉઠાવી રહ્યા છે એ માટે અભિનંદનને પાત્ર છે.” સ્વપ્નીલ બોલ્યો અને જવાબમાં સોનાલી ખીલખીલાટ હસી પડી. સ્વપ્નીલે પેલી વાર એક યુવતીનું હાસ્ય આટલી નજીકથી માણ્યું હતું. હસતી વખતે સોનાલીના ચહેરા પર એક અકથ્ય આકર્ષણ ઉભરાઈ રહ્યું હતું. સોનાલીએ પાણી પીને ગ્લાસ સ્વપ્નીલને આપ્યો અને કહ્યું.

“ હવે ત્યાં બેસીએ” અને જવાબની રાહ જોયા વગર એ એક ખાલી ટેબલ અને બે ખુરશીઓ પડી હતી ત્યાં બેસી ગઈ. સ્વપ્નીલ પણ એની પાછળ પાછળ દોરવાયો.

ઘડીક તો બને એકબીજાને તાકતા બેસી રહ્યા. સોનાલીએ પોતાનું આખું બ્રેક ગ્રાઉન્ડ જણાવ્યું. અને સ્વપ્નીલ ની સામે જોઈ રહી.થોડી વાર પછી સ્વપ્નીલ બોલ્યો.

“હું તો ખાલી ટાઈમ પાસ કરવા જ આવ્યો હતો.. બાકી પરણવામાં મને કોઈ રસ નથી” એનો ચહેરો ગમગીનીથી ભરાઈ ગયો હતો. સોનાલી ખડખડાટ હસી પડી અને બોલી.

“આ એક નવી જાતનો ટ્રેન્ડ છે. પણ પછી ઉમર મોટી થઇ જાશે ને ત્યારે અબળખા જાગે કે ઘરમાં બંગડીનો અવાજ આવે તો કેવું સારું!!! પણ પછી ખુબ જ મોડું થઇ ગયું હોય છે” સ્વપ્નીલ પણ હસ્યો. જાણે હસવા માટે ખુબ જ કષ્ટ પડ્યું હોય એમ લાગ્યું એ સોનાલીની નજર બહાર ના રહ્યું. ઘણી બધી વાતો થઇ અલબત વધુ તો સોનાલી જ બોલતી હતી સ્વપ્નીલ બધું જ ધ્યાનથી સાંભળતો હતો. છુટા પડ્યા ત્યારે બને એ મોબાઈલના નંબરની આપ લે કરી હતી. ચાર જ દિવસ પછી બને પાછા ચોપાટીમાં મળ્યા. તાપી નદીના સાવ કાંઠે આવેલ બાળકોને સ્કેટિંગ કરવાની જગ્યા પાસે બને ઉભા હતા. સ્વપ્નીલ ખારી શીંગ લઇ આવ્યો. એ ખારીશીંગ પરથી ફોતરીઓ ઉડાડીને ઉડાડીને સોનાલીને આપી રહ્યો હતો. અને સોનાલી એક પછી એક એમ ખારી શીંગના દાણા ચાવી રહી હતી. સાત થી બાર વરસના છોકરાઓ સ્કેટિંગ કરી રહ્યા હતા. સોનાલીએ મૌન તોડ્યું અને બોલી.

“લગ્નજીવન આ સ્કેટિંગ જેવું છે..શરૂઆતમાં પડવાની બીક લાગે..ક્યારેક પડી પણ જવાય..ગોઠણ પણ છોલાય પણ પછી આવડી જાય એટલે વાંધો ના આવે.. સ્કેટિંગ માં જેટલું મહત્વ બેલેન્સનું છે એટલું જ મહત્વનું  લગ્નજીવનમાં એક બીજાને સમજવાનું છે”

“સાચી વાત છે પણ હું એકાંકી માણસ છું.. મારામાં એ દુર્ગુણ છે કે હું કોઈની સાથે ના રહી શકું” સ્વપ્નીલ બોલ્યો.

“ માણસના સદગુણ જોઇને પ્રેમ કરવાથી ક્યારેક પ્રેમ નિષ્ફળ પણ જાય છે પણ ઘણી વખત માણસ ના દુર્ગુણ થી પણ પ્રેમ થઇ જાય છે અને આવો પ્રેમ ઝડપથી તુટતો નથી.. ખાલી ખોટો અહમને શા માટે આડે લાવે છે તું.. મને એક વાર કહી દે કે  આઈ લવ યુ પછી જો તારું આ એકાંકીપણું ગાયબ થઇ જાય છે કે નહિ” સોનાલી સ્વપ્નીલની આંખોમાં તાકી રહી..!! સંધ્યાટાણું થઇ રહ્યું હતું. વરાછા ના પુલ પર ઝાંખો ઝાંખો ટ્રાફિક દેખાઈ રહ્યો હતો. સ્વપ્નીલે સોનાલીનો હાથ હાથમાં લઈને બોલ્યો.

“ખબર નહિ પણ તું મને ખુબ જ ગમે છે.. જીવનમાં પહેલી વાર અને  તારો હાથ પકડું છું.. તારા સિવાય બીજા કોઈનો હાથ આ હાથમાં ક્યારેય નહિ હોય!! આઈ લવ યુ!!” અને બને ભેટી પડ્યા. સ્કેટિંગ કરતા ચાર પાંચ છોકરાઓ આ જોઈ રહ્યા હતા. એમનું ધ્યાન સ્કેટિંગમાં ના રહ્યું અને એક બીજા સાથે અથડાઈ પડ્યા!!!

બસ પછી તો દસ જ દિવસમાં બધું ગોઠવાઈ ગયું.સોનાલીના મામા અને મામી આવ્યા. એને સોનાલીમાં ભરપુર વિશ્વાસ હતો. છોકરો રૂડો રૂપાળો હતો. બાપ દીકરો બે જ હતા. છોકરો પોતાની રીતે કમાતો હતો. સ્વપ્નિલના પિતાજી આકાશ ભાઈ એ સંમતી આપી અને બને સાદાઈથી પરણી ગયા અને હનીમુન માટે એ ઉટી આવી ગયા હતા!!

આકાશમાં સહેજ અંધારું થયું અને સ્વપ્નીલ અને સોનાલી ઉભા થયા.પોતાના કોટેજ પર પાછા આવ્યા. બને ફ્રેશ થયા અને જમ્યા. જમીને તે કોટેજની બહાર એક હિંચકા પર બેઠા..સ્વપ્નીલ ના ખોળામાં સોનાલીનું માથું હતું. વાતાવરણમાં થોડીક ઠંડીની ચમક હતી. વેઈટર આવીને કોફીના બે મગ મૂકી ગયો. અને સ્વપ્નીલ બોલ્યો.

“સોનાલી તને એક વાત કહેવી છે. તારાથી આ વાત હું છુપાવી નહિ શકું!! બસ એક વાત કહેવી છે.. એક એવી વાત છે જે ઘણા વરસોથી દિલને દુઃખ આપી રહી છે એના કારણે જ હું લગ્ન નહોતો કરવા માંગતો પણ મને હવે એમ થાય છે કે એ વસ્તુ તારાથી છુપાવવી યોગ્ય નથી. હું તારી પાસેથી એક વચન માંગુ છું કે વાત સાંભળીને તું કોઈ પ્રશ્નો નહિ કરે.. બસ ફક્ત સાંભળીશ અને યાદ રહે કે આ વાત તારા અને મારા સિવાય બીજા કોઈ ની પાસે નહિ જાય”

“ બસ જે કહેવું હોય એ કહી દે સ્વીટુ… તને આ સોનાલી વચન આપે છે કે હું કોઈને નહિ કહું સ્વીટુ”” સોનાલી હનીમુનની અસરમાં હતી એટલે બે હાથ લાંબા કરીને સ્વપ્નીલનો ચહેરો હાથમાં લીધો.

“ હું અને મારા પિતાજી તારી આગળ એક જુઠ બોલ્યા છીએ.. તને એમ કહેવામાં આવ્યું છે કે હું  નાનો હતોને ત્યારે મારી મમ્મી મૃત્યુ પામી છે પણ હકીકતમાં એવું છે કે હું નાનો હતો ને ત્યારે મારી માતા થી મારા પિતા અલગ થઇ ગયા છે. લગભગ સાત આઠ વરસનો હોઈશ ત્યારે હું” સ્વપ્નીલ બોલ્યો અને સોનાલી સફાળી બેથી થઈ ગઈ.. એ એકીટશે સ્વપ્નીલની આંખમાં જોઈ રહી. સ્વપ્નીલની આંખોમાં કોઈ જ મશ્કરીના ચિહ્નો નહોતા, સ્વપ્નીલ કોઈ જ બનાવટ નથી કરી રહ્યો એની સોનાલી એ ખાતરી થઇ. ગળું ખંખેરીને સ્વપ્નીલે વાત શરુ કરી.. વરસોથી જે પીડા એ ભોગવી રહ્યો હતો એ વાત એણે કરી!!!

“હું સાત વરસનો હતો એ વખતે તોય મને ઘણું બધું યાદ છે.. મારી મમ્મી મને લાલો કહેતી. મારા ઘરે દાદા દાદી અને કાકા કાકીઓ હતા.. દાદા અને દાદી બીમાર હોય એની બધી જ સેવા મારી મમ્મી કરતી.. મારા પાપા તો સવારના બહાર કામે જતા રહેતા સાંજે આવે.. મારી મમ્મી બધાનું રાંધતી અને પછી નિશાળે પણ જતી.. એ નોકરી કરતી હતી.. પાપા સાથે ક્યારેક ઝગડો પણ થતો..  મમ્મી બધું જ સહન કરતી.. રડતી પણ ખરી.. ક્યારેક ઝગડાનું સ્વરૂપ વધી જતું ત્યારે પાપા ને મમ્મી કહેતી કે તો પછી નોકરી મુકાવી દો.. તમે મને ક્યારેય સારી રીતે સાચવી છે?? સાસુ સસરાની સેવા હું જ કરું છું.. હું જ બધાનું રાંધુ છું.. તેમ છતાં મને કોઈ દિવસ જશ નથી..તમારા તરફથી સારા બે વેણ પણ નસીબમાં નથી..!! આવું બધું મને જેવું તેવું સાંભરે છે.. એક વખત મને સખત  તાવ આવેલો .. મમ્મીએ બે દિવસ સુધી ખાધેલું નહિ!! મને ખુબ જ વહાલ કરતી.. પણ એક દિવસ મમ્મી સાથે મારકૂટ થઇ.. એ વખતે તો નહોતું સમજાયું પણ પાછળ થી જેમ જેમ મોટો થતો ગયો એમ એમ સમજાતું ગયું. મમ્મીના ઘરેણા લઈને મમ્મીને કાઢી મુકવામાં આવી હતી. મને સાથે લઇ જાવાનો મમ્મીએ ઘણો આગ્રહ કરેલો. પણ મને મારા પિતાએ એમની સાથે રાખ્યો. અમે સુરત આવતા રહ્યા.ગામડામાં અમારો કોઈની સાથે કોન્ટેક નહોતો.એક મિત્ર હતા પાપાનાં દામજીભાઈ એ બે મહીને આવતા અને એમની વાતો સાંભળતો..એમાં ઘણી વાર મારી મમ્મીની વાતો આવતી એ હું ચોરાયા સાંભળતો.. એ લોકો બાજુના રૂમમાં હોય અને હું સુવાનો ઢોંગ કરીને વાતો સાંભળતો. એમાં એક વખત એવી વાત પણ સાંભળી કે મારી મમ્મીએ બીજી શાળામાં બદલી કરાવી લીધી છે. બીજા એક સાહેબ જોડે રહે છે. વરસ દિવસ પછી એવી વાત પણ સાંભળી કે એ સાહેબે મમ્મીને છોડી દીધી અને હવે ખુબ હેરાન કરે છે. મમ્મી પાસે ઘર પણ નથી રહ્યું. મમ્મીના બધા પૈસા પણ એ સાહેબ લઇ ગયો. મમ્મીને ખુબ જ તકલીફ છે.. દામજીભાઈ મારા પાપા ને એમ પણ કહેતા કે તને સાચવતા ના આવડ્યું બાકી આમ થાય નહિ.પાપા બધું સાંભળતા કશું બોલતા નહિ. બસ અવારનવાર આવી વાતો સાંભળ્યા કરતો અને સંસાર પરથી એક આખો રસ જ ઉડી ગયો હતો.. અત્યારે મારી મમ્મી જીવે છે મને બહુ જ યાદ આવે છે પણ ક્યાં છે એ ખબર નથી..” બોલતા બોલતા સ્વપ્નીલ રોઈ પડ્યો. સોનાલીએ એના માથે હાથ ફેરવીને બોલી.

“રડ નહીં ડીયર.. માતા એ બાળક માટે છેક સુધી મા જ રહે છે.. પરિસ્થિતિને કારણે જે બન્યું હોય એ ખરું પણ મને એટલી ખબર પડે છે કે સ્ત્રી જયારે ઘર છોડે ને ત્યારે એના પતિ એ  એને ખાલી વાસ્તવિક રીતે જ નહીં પણ સામાજિક રીતે , માનસિક રીતે તરછોડી હોય છે..!! સ્ત્રીને ઘર છોડવું નથી ગમતું.. ઘણી વખત ધંધામાં અને વ્યાપારમાં માણસ એટલો ખોવાઈ જાય છે ને કે ઘરે સ્ત્રી એક જીવતી લાશ બની જાય છે.. આવી સ્ત્રી એક હુંફનો , એક સ્નેહનો સહારો શોધે છે, પણ મૂળ વાત કે પુરુષમાં પોતાનાપણું હોયને તો જગતની કોઈ સ્ત્રી ક્યારેય ઘર છોડતી જ નથી.. ક્યારેક સ્ત્રીને બળજબરીપૂર્વક ઘર છોડાવવામાં આવે છે. મમ્મીની બાબતમાં સાચું શું છે તો એ જ જાણે પણ તમારા માટે તો એ માત્ર વાત્સલ્ય્રૂપી મમ્મી જ છે!! બાળક માટે તો એની મા હમેશા પૂજનીય અને પવિત્ર જ છે” સોનાલીની વાતો થી સ્વપ્નીલને શાંતિ થઇ..

“આઠ દિવસ પછી બને હનીમુન મનાવીને પાછા આવ્યા. સોનાલીના મામા ઝવેરભાઈ સુરત આવ્યા.એમણે સોનાલીને અને ભાણેજ જમાઈને રોટલો ખાવાનો આગ્રહ કર્યો.

“ તમે હવે જલદી અમારે ત્યાં રોટલો ખાવા આવો કુમાર અને હા સોનું દીકરા તારા બહેન છે ને હરદ્વારથી પાછા આવી ગયા છે. તારા લગ્ન વખતે એ હરદ્વાર ગયા હતા એટલે હાજર નથી રહી શક્યા એનો અફસોસ એ કરતાં હતા.તને ખુબ જ યાદ કરતા હતા. એ હવે નોકરી મુકીને કાયમ હરિદ્વાર જવાનું કહેતા હતા એટલે તમે બને જલદી આવી જાઓ”

ઝવેરભાઈ થોડી આડા અવળી વાતો કરીને વિદાય થયા અને પછીના શનિ રવીએ સોનાલી એના મામાને ત્યાં જવાનું નક્કી કર્યું. સ્વપ્નીલે પણ સહમતી બતાવી. પણ સ્વ્પ્નીલે કહ્યું.

“તારા મામા કોઈ બેનની વાત કરતા હતા એ કોણ”

સોનાલી એના જવાબમાં એક આલ્બમમાંથી બે ફોટા લઇ આવી. સ્વપ્નીલે બને ફોટા જોયા..ધારી ધારીને જોયા એક ફોટામાં એ સ્ત્રીનો ફોટો હતો. બીજા ફોટામાં એ જ સ્ત્રીએ એકછ સાત વરસનું બાળક તેડેલું હતું. ફોટામાં બાળક અને માતા  બને ખુશ હતા. સોનાલી બોલી.

“ હું મારા મામાના ગામમાં ગઈ , મારી માતાના અવસાન પછી. ત્યાં ભણવા બેઠી. ત્યારે આ બહેન અમારા ગામમાં નોકરી કરવા આવેલા.અમારા મકાનની પડખે ભાડે રહેતા. મને ભણાવતા, હું ચોથા ધોરણમાં આવી ને ત્યારે એ બહેન આ છોકરાવાળો ફોટો દિવસમાં સાત થી આઠ વાર જુએ અને આંખ માંથી આંસુ નીકળે.. બસ કોઈને એણે કીધેલું નહિ પણ મને એકલીને જ કીધેલું કે એ એનો દીકરો છે. બહેન ચાર વરસ રહ્યા પછી વળી બદલી કરાવીને જતા રહ્યા પણ આ બે ફોટા મારી પાસે રહી ગયેલા. વળી પાંચેક વરસ પછી એ અમારા ગામમાં પાછા આવેલા એ વખતે એ સાવ સુકાઈ ગયેલા. ચહેરો આખો લેવાઈ ગયેલો.પણ કોઈની સાથે કશું જ ના બોલે. બસ બાળકોને ભણાવ્યા કરે દર ઉનાળામાં અને શિયાળાના વેકેશનમાં હરિદ્વાર જતા રહે.. હું ક્યારેક એના ઘરે જતી. એ આ ફોટા જુએ અને ગમગીન થઇ જાય મેં કેટલીય વાર પૂછ્યું પણ એ કશું જ ના બોલે, હું તમને એ બહેન સાથે મુલાકાત કરાવીશ. એ બહેન હું ભણતી ને ત્યારે મારું ખુબ જ ધ્યાન રાખતા કારણ કે મારે મા તો હતી જ નહીં.. અને આમેય જે બાળકને મા ના હોયને એ બાળક પ્રાથમિક શાળામાં ભણવા જાય ને ત્યારે કોઈ એક શિક્ષિકમા પોતાની મા ને શોધતું હોય છે!! કોઈને મા મળે કોઈને ના પણ મળે” સોનાલી બોલતી હતી અને સ્વપ્નીલ સાંભળતો હતો..!!

શનિવારે મોડી રાતે સોનાલી અને સ્વપ્નીલ મામાજી ને ઘેર પહોંચ્યા. મામીએ ઉમળકાભેર સ્વાગત કર્યું. સહુ ખુશ હતા. બીજે દિવસે સવારે આઠ વાગ્યે સોનાલી બોલી.

“ મામી હું અને સ્વપ્નીલ બેનની ઘરે જઈ આવીએ.”

બને એક સાંકડી શેરીમાંથી પસાર થઈને એક મોટા મકાનમાં પહોંચ્યા. બારણું ખખડાવ્યું એક પચાસ વરસ પાર કરી ગયેલી સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને સોનાલીને ભેટી પડી.

“આવી ગઈ બેટા ” કહીને એણે સ્વપ્નીલ સામું જોયું  અને આવકાર આપ્યો.

“શું નામ કહ્યું તારા મિસ્ટર નું બેટા” પેલી સ્ત્રીએ પૂછ્યું. સ્વપ્નીલ એને જ જોઈ રહ્યો હતો. સ્વપ્નીલે ખિસ્સામાંથી પેલો ફોટો કાઢ્યો અને બોલ્યો.

“બા મારું નામ લાલો!! ફોટામાં જોઇને આ  સોનાલી તો ના ઓળખી પણ તું ય ના ઓળખી શકી મને”!!! એમ કહીને એ સ્ત્રીને સ્વપ્નીલ વળગી પડ્યો. સ્ત્રી પણ એને ઓળખી ગઈ હોય એમ એની પીઠ પર હાથ ફેરવી રહી હતી. સોનાલી અવાક બની ગઈ.એને તો સપને પણ ખ્યાલ નહોતો કે એને ભણાવનાર બહેન જ સ્વપ્નીલ ના માતા હશે.. અને એ ફોટાનું બાળક પણ સ્વપ્નીલ જ હતો.. માં દીકરો ડુસકા ભરીને રડી રહ્યા હતા. થોડી વાર પછી સ્વસ્થ થયા. અને સ્વપ્નીલ બોલ્યો.

“ સોનાલી આ વિમળા જ મારી માતા છે હું છ વરસનો હતો ત્યારે  આપણે એ ફોટો પાડેલો એ મને યાદ છે.. સોનાલીએ ફોટો બતાવ્યો કે તરત જ હું તને ઓળખી ગયો હતો.. મને તું ખુબ યાદ આવતી મમ્મી ખુબ જ યાદ આવતી..”

“ હોય બેટા તારા નસીબ ફૂટેલા કે બધું બની ગયું હું અભાગણી બાળોતિયાની બળેલ કે….” હજુ એ વિમળા  બોલવા જાય ત્યાં સ્વપ્નીલ એના મોઢા આડો હાથ મુકીને કહ્યું.

“માતાએ ક્યારેય સંતાનો આગળ ખુલાસા ના કરવાના હોય.. માતા એ બાળક માટે કાયમ પવિત્ર માતા જ છે.. બે જ વસ્તુ કાયમી પવિત્ર છે એક ગંગાજીનું પાણી અને બીજું કોઈ પણ બાળકની માતા” અને પછી ઘણી વાતો થઇ. માં દીકરો એકબીજાને સહારે બેઠા.

“ બા હવે તમે અમારી ભેગા ચાલો.. મને લગ્ન વખતે અફસોસ  હતો કે ભગવાને મને બધું જ આપ્યું પણ એક સાસુ ના આપી.આજે એ ખોટ પણ પૂરી થઇ ગઈ” સોનાલી બોલી.

“ ના એ નહિ બને.. મને દીકરો મળી ગયો છે.. હું હવે ખર્યું પાન કહેવાવ.. સમાજની નજરે કહેવાતો કલંકિત ઇતિહાસના છાંટા હું તમને નહિ ઉડવા દઉં.. મારા કારણે બાપ દીકરા વચ્ચે તણખા થાય એ સહન નહિ કરી શકું.. હું હવે નિવૃત્તિ લઈને ગંગા કિનારે રહેવા જવાની છું.. બસ આ મહીને જ મારું રાજીનામું  મંજુર થઇ જશે.. અને હું તમારા બને ની આગળ હાથ જોડું છું કે સુખી થવું છે તો આ વાત કોઈને ના કહેશો. હા દર ઉનાળે હરિદ્વાર મળવા આવજો. હું મારા દીકરાને એની વહુને ત્યારે વરસમાં એકવાર ધરાઈને જોઈ લઈશ. પણ ભૂલે ચુકે આ સબંધ જગતની આગળ ખુલ્લો ના કરતાં.જગતને મેં બહુ નજીકથી જોયું છે. એના વમળમાં એક વખત ફસાયેલો ક્યારેય બહાર ના આવી શકે”  વિમળાએ કહ્યું અને બને જણા માની ગયા. બપોરનું ત્યાં જમ્યા. વરસો પછી એક માતા પોતાના બાળકને જમાડી રહી હતી..!!

અને એ પછીના ઉનાળે ગંગા કિનારે હરિદ્વારમાં સવારની ટ્રેનમાં સ્વપ્નીલ અને સોનાલી ઉતર્યા. રેલવે સ્ટેશનની ડાબી બાજુએ એક રસ્તો કનખલ તરફ જાય છે ત્યાં એક ટેકસીને સરનામું બતાવ્યું. વીસ મિનીટ પછી ટેકસી એક આશ્રમ આગળ રોકાઈ. ભગવા કપડામાં વિમળા  આવી સ્વપ્નીલ એની માતાને ભેટી પડ્યો. સોનાલી પણ ભેટી પડી. સાંજે સંધ્યા આરતી ગંગાજીના કિનારે થઇ.. ત્રણેય ગંગાજીના કિનારા માં વહેતા પાણી માં તરતા દીવડાને જોઈ રહ્યા હતા. સ્વપ્નીલ બોલ્યો.

“ બા તું દાદી બનવાની છો” આ સાંભળીને વિમળા સોનાલીને બાથમાં લીધી.ગળામાંથી રુદ્રાસની માળા કાઢી અને સોનાલીને આપતા કહ્યું.

“ તારા પ્રથમ સંતાનને આ પહેરાવજે” અને પછી હાથમાં ગંગા જળ લઈને વિમળા બોલી.

“ હે ગંગા માતા મેં જીવનમાં જેટલા સારા કાર્ય કર્યા હોય તેનું બધું જ ફળ મારા દીકરાને આપજો એ એની વહુ અને આવનારું બાળક સદાય સુખી રહે.. મારાથી જે કર્મ થયેલા છે એ માફ કરે..” અને એ વખતે વીમળાની આંખમાંથી આંસુની ધારા ગંગાજીમાં પડતી હતી એ અને એ આંસુ ગંગાજી કરતા પણ વધુ પવિત્ર હતા!! વિમળા રડી રહી હતી ભગવાન પાસે સંતાનોની સમૃદ્ધિ માંગી રહી હતી.. ગંગાજીમાં દીવડાઓ ચમકી રહ્યા હતા!!!

બાળક માટે માતા એ હમેશા પવિત્ર જ હોય છે!! પૂજનીય હોય છે!!

લેખક :- મુકેશ સોજીત્રા {શિક્ષક}
૪૨ ‘હાશ” શિવમ પાર્ક સોસાયટી.
સ્ટેશન રોડ , ઢસા ગામ તા. ગઢડા
જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks