જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“વાત એક સડુ ભગતની” કુદરત કુદરતનું કામ કર્યે જાય છે અને આ સડુ ભગત એમનું ભજન કર્યે જાય છે!! વાંચો લેખકની કલમે

દીકરીઓના મોળાકત વ્રત શરુ થયાં અને સુરતથી ધનજીશેઠ પોતાની પત્ની સાથે શેત્રુંજી કાઠે આવેલ એક નાનકડા ગામમાં પોતાના વેવાઈને ત્યાં આવ્યા. હજુ થોડા સમય પહેલા જ ધનજી શેઠના સહુથી નાના છોકરા તેજસનું સગપણ આ જ ગામના પરશોતમ કાનજીની સહુથી નાની દીકરી વંદના સાથે નક્કી કર્યું હતું. ધનજી શેઠ સાથે એમની ધર્મ પત્ની કાંતુબેન પણ હતા. અષાઢ મહિનાનો સમય હતો. સારા એવા વરસાદને કારણે મા શેતલનો કાંઠો લીલોતરીથી છવાઈ ગયો હતો. પરશોતમભાઈ એ અંતરના ઉમળકા સાથે વેવાઈ અને વેવાણનું સ્વાગત કર્યું. ઓશરીમાં નવીનકોર રજાઈઓ અને સવામણ રૂની તળાઈ પથરાઈ ગઈ હતી.

પોતાના ઘરની થનાર પુત્રવધુ વંદના માટે ધનજીશેઠ અને કાંતુબેન ફરાળ માટે સુરતથી માવાની મીઠાઈઓ, કાજુ, બદામ, પિસ્તા, ઘારી અને ત્રણ ટોપલા ભરીને ફળ લાવ્યાં હતાં. આ ઉપરાંત વંદના માટે મોંઘાદાટ કપડા પણ લાવ્યા હતા. એક ગુલાબી બોક્સ તેજસે સ્પેશ્યલ મોકલ્યું હતું એમાં લગભગ તમામ જાતની ચોકલેટ હતી. ટૂંકમાં ધનજીશેઠે પોતાના માભા પ્રમાણે ક્યાય પણ પનો ટૂંકો ના પડે એ ખાસ જોયું હતું. ગામમાં જ્યારથી આ સગપણ થયું હતું ત્યારથી સહુ મનમાંને મનમાં પોરસાતા હતા કે પરશોતમ કાનજી એ વેવાઈ ગોતી જાણ્યા છે. ગામડા ગામમાં હજુ પણ એ ખાસિયત જોવા મળે છે કે અહીના માણસો પોતાની ખુશી કરતા બીજાના ઘરે આવેલી ખુશીથી વધારે હરખાતા હોય છે.
આખો એક દિવસ તો ગામમાં બધાને ઘરે ચા પીવામાં ગયો. વળતા દિવસે ધનજી શેઠે અને કાંતુબેને વેવાઈ પાસે રજા માંગી અને પરશોતમ કાનજીએ વેવાઈને કહ્યું.

Image Source

“ હવે આવ્યા જ છો તો બે ત્રણ દિવસ વધારે રોકાઈ જાવ!! બે દિવસ પછી આ ગામના શેત્રુંજી કાંઠે આવેલ એક સડુ ભગતની જગ્યામાં ગુરુ પૂનમ ઉજવવાની છે. એ લ્હાવો લેવા જેવો છે. મારી ઈચ્છા છે કે તમે પૂનમ કરીને જ જાવ.. સુરતમાં તમારો ધંધો દીકરાઓ સંભાળે એમ જ છે ને??? તમારા જેવા ઘરમાં અમારી દીકરીની જગ્યા થઇ એ જ મોટી વાત છે આમ તો દીકરીના બાપને વધારે હક તો ના હોય આગ્રહ કરવાનો પણ તોય હું તમને કહું છું કે વેવાઈ હવે આવ્યાં જ છો તો રોકાઈ જાવ ને!! બે ત્રણ દિવસમાં વળી શું ખાટું મોળું થઇ જવાનું છે?? એ અહી ગામડા ગામની મોજ માણો અને મારો ધુબાકા એ બહાને સુવાણ પણ થાય ને!! સાચી સુવાણ તો હવે ગામડામાં જ ટકી રહી છે”

અને ધનજી શેઠ અને કાંતુ શેઠાણી રોકાઈ ગયાં!! પરશોતમભાઈ અને તેની પત્ની જમનાબેન રાજીના રેડ થઇ ગયા. આમેય ગામડાગામના લોકોને વેવાઈઓને સાચવવામાં હૈયામાંથી હરખના ફુવારા છૂટતા હોય છે!! એક દિવસ આખો વાડીએ જ જમાવટ કરી દીધી અને સાંજે વાળું પાણી કરીને ઢોલીયા ફળિયામાં ઢાળીને બે ય વેવાઈઓ વાતોએ વળગ્યાને એમાય વળી ગુરુ પૂનમની અને સડુ ભગતની વાત નીકળી અને ધનજી ભાઈ બોલ્યાં.

“ તમે લોકો આવા બાપુ ફાપુને બહુ માનો નહિ?? આ ગુરુ ફૂરુને આપણે પાસ નો કર્યા!! આ બધાની શી જરૂર છે?? પૈસાની અને સમયની કેટલી બરબાદી થાય નહિ?? પણ આ તો તમારી શ્રધ્ધા છે એટલે હું એને તોડવા માંગતો નથી અને એટલે જ ગુરુ પુનમ સુધી રોકાઈ ગયો છું.”

“ તમારી વાત એ તમારો અનુભવ છે વેવાઈ!! બધાય ગુરુઓ સરખા ન હોય!! પણ આ અમારા સડુ ભગતની વાત જ સાવ અનોખી છે!! આ મારો જાત અનુભવ છે. આ બધા આસ્થાના સ્થાનો છે. એક પ્રાચીન પરંપરા છે. એ જ્યાં સુધી સજીવન છે ત્યાં સુધી જ આપણા મલકમાં માનવતા ટકી રહેવાની છે” પરશોતમભાઈ દ્રઢતાથી કહ્યું. જવાબમાં ધનજીભાઈ બોલ્યાં.

“ પણ મને એક વાત સમજાતી નથી. આ બધી જગ્યામાં પૈસાની કેમ જરૂર પડે છે. એ લોકો કેમ વગર પૈસે ભક્તિ નથી કરતા. આ ગુરુ પૂનમે લાખો શ્રદ્ધાળુ લોકો પોતપોતાના માનીતા ગુરુઓના ચરણમાં અઢળક પૈસો ધરશે. કેમ વગર પૈસે આ બધું ન થઇ શકે???”

“ એમાં એવું છે ને વેવાઈ એ બધો પૈસો લોકોના જમણવારમાં કે ગાયોના નિરણમાં જ વપરાય છે. અને બીજી વાત એ છે કે આજે માણસો વ્યભિચાર કે એવા બધા અપલખણમાં બગડવા માટે પૈસા ખર્ચે છે ત્યારે એ ગણતરી નથી કરતા. પણ જીવન સુધારવા માટે થોડાક પૈસા ખરચવા પડે છે ત્યારે એ ગણતરીબાજ બની જાય છે!! પાંચ હજારની બોટલ પીને રાતે ફૂલ ડમ્મર થઇ જનારા લોકો પણ છે જ અને બીજી બાજુ આવી જગ્યામાં બસો પાંચસો લખાવવા વાળા લોકો પણ છે!! તમે કહો છો કે વાત પણ સમજુ છું કે આવી જગ્યાઓમાં પણ નકામા લોકો આવી ગયા છે અને એની સંખ્યા સતત વધતી જાય છે પણ બધા જ એવા ન હોય!! માની લો કે પાંચ પંદર જણા આવા વંઠેલ ગુરુમાં ગણતરી થાય એનો મતલબ એવો તો નથી કે બધી જ જગ્યાઓ ખરાબ છે બધા જ ગુરુઓ ખરાબ છે” પરશોતમભાઈ પોતાનો પક્ષ રજુ કરતા હતા. ધનજી ભાઈ પોતાની વાતને વળગી રહ્યા અને કહ્યું.

“ આવું બધું સમાજમાં ચાલતું હોય છે.અત્યાર સુધીમાં સેંકડો સાધુઓ અને અનેક જગ્યાઓના અનેક પરાક્રમો બહાર આવી ગયા તોય ગામડાના લોકો ભોળા છે એટલે જ એ વળી નવા નવા ભગતની માયાજાળમાં ફસાતા જ જાય છે. મને એ સમજાતું નથી આવી જગ્યામાં લોકો લોકો જાય જ છે શા માટે??? એટલી સમજણ પણ આ લોકોમાં કેમ નથી આવતી??” જવાબમાં પરશોતમભાઈ બોલ્યાં.

“ વેવાઈ એક વાત કહું.. ખોટું ન લગાડતા.. અત્યાર સુધીમાં જેટલા પણ કુદરતી મરણ થયા છે તમારા કે મારા કુટુંબમાં એ બધા જ ૯૦ ટકા ખાટલામાં સુતા હોય અને મરણને ભેટે છે. બોલો તોય આપણે ખાટલામાં સુવાનું બંધ કરી દીધું?? નહીને??? બસ આમાં પણ એવું જ છે ને!! યુગોથી ચાલી આવતી આ પરંપરા કોઈ કાળે બંધ નથી થવાની.. આ બધી આગમની નિગમની વાતો છે.. એ બહુ ભણેલા માણસોના મગજમાં સહેલાઈથી નહીં ઉતરે!! આપણે કાલે સડુ ભગતના આશ્રમમાં જઈશું. ત્યાં તમને રૂબરૂ જોવા જાણવા મળશે કે બીજા કરતા આ ભગત અને એનો આશ્રમ કેમ અલગ છે!! આજુબાજુના વીસેક ગામનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. ઘણા લોકો આવા આશ્રમોમાં નિયમિત જવાથી પાપ કર્મથી ડરતા થયા છે. આનું કોઈ ચોક્કસ માપ તો નથી નીકળતું પણ કાલે એ આશ્રમમાં જ એક વાલા બાપા કરીને છે એ તમને સડુ ભગતનો નજરે જોયેલો ભૂતકાળ કહેશે” બને વેવાઈઓ થોડીવાર આડા અવળી વાતો કરીને સુઈ ગયા.!!

Image Source

બીજે દિવસે સવારના આઠેક વાગ્યે બે ય વેવાઈઓ શેત્રુંજી કાંઠે આવેલ આશ્રમની મુલાકાતે ગયા.!! ગામથી લગભગ ચારેક કિલોમીટર દૂર એક ખેતરની અંદર આશ્રમ આવેલો હતો. ગુરુ પૂનમની ઉજવણી હોવાથી ભાવિકો સવારથી જ આવી રહ્યા હતા. એક નાનકડું મંદિર હતું. બાજુમાં જ એક મોટું ભોજનાલય હતું. એક બાજુ રસોડું હતું. ગેઇટ પાસે જ ચાના બે કીટલા પડ્યા હતા. આખા આશ્રમમાં એક અલૌકિક શાંતિ છવાયેલી હતી.

“ પેલી કાચી માટીની બનેલી ઝૂંપડી છે એમાં સડુ ભગત રહે છે. આ બધા પાકા બાંધકામ બીજા ગામથી આવનારા લોકો માટે છે. બાપુ ક્યારેય આશ્રમની બહાર જતા જ નથી. એની જરૂરિયાત બહુ જ ઓછી છે. અહી જે પૈસા આવે છે એનો વહીવટ બીજા ચાર પાંચ લોકો કરે છે. બાપુને એમાં સહેજ પણ રસ નથી. અને એટલે જ આ આશ્રમ થોડો વિશિષ્ટ ખરો. દર બીજના દિવસે બાપુ રાતે ભજન ગાય છે. ભજનનું કયારેક વિવરણ કરે છે. બસ લોકોને સામાન્ય રીતે અને સરળ રીતે પચે એ રીતે આધ્યાત્મિક જ્ઞાન આપે છે. બાપુ જેવા છે એવા જ દેખાય છે. તમને જે અનુભવ થયેલ છે એવા હાઈ ફાઈ અને ફોર જી બાપુ આ નથી. બાપુ કોઈને ન્યાલ કરી દે એવા આશીર્વાદ કે ધનોત પનોત નીકળી જાય એવા શ્રાપ પણ નથી આપતા. બાપુ માટે બધા જ સરખા!! વરસોથી અમે આ જોતા આવ્યા છીએ. બાપુ કોઈ દોરા ધાગા કે રોગ મટાડવા માટે ભભૂતી કે કંકુ પણ આપતા નથી. બાપુ કોઈ ચમત્કાર કરતા નથી. બસ રોજ સવારે સ્નાન કરીને ઘડીક મંદિરમાં બેસીને એ આખો આશ્રમ સફાઈ કરે છે. આવનાર લોકો તેમની સાથે જોડાય કે ના જોડાઈ એને એની કોઈ પરવા નથી. એટલે જ મેં તમને કીધું હતું કે બીજા ભગત કરતા આ સડુ ભગતની કોઈ વાત જ અલગ છે” પરશોતમભાઈ બોલવાનું પૂરું કર્યું.

“ વાહ આવા ભગત તો હું પહેલીવાર જોઈ રહ્યો છું. બાકી બાપુ અને ભગત તો અમારે સુરતમાં ય ઘણા તાપીને કાંઠે છે એ બધા જેમ તમે વધુ પૈસા આપો એમ જોરથી વાહામાં ધબ્બો મારે અને સહુથી વધારે પૈસા આપે એના એ ગુણગાન ગાય!! પેલા મોબાઈલ રીચાર્જ જેવું જ!! જેટલું વધારે રીચાર્જ એટલો ટોક ટાઈમ વધારે!! અમારે સુરતમાં પેલા ગુંડાઓ બહુ હતા એ નાબુદ થયા પછી આવા બાપુઓ રાફડો ફાટ્યો છે એમાં પણ સધ્ધર યજમાનને બહુ જ પંપ મારવામાં આવે છે. જેટલા પંપ વધારે મારે એટલા પૈસા વધુ મળે!! અમુક બાપુએ તો હવે પંપ મારવાનું બંધ કરી દીધું અને પોતાની સાથે એર કમ્પ્રેશર રાખે છે. જેવો પેલો પગે લાગવા આવ્યો નથી કે નળી લાંબી કરીને સીધી જ હવા ભરી દેવાની!! જેવો માણસ એવી હવા ભરવામાં આવે છે!! સુરતમાં આ બધું જોઇને જોઇને હું થાકી ગયો છું” ધનજીભાઈ પોતાને થયેલ અનુભવો કહેતા હતા.

આશ્રમમાં બધે આંટો મારીને બને વેવાઈઓ એક ઝાડના છાંયે ઓટલા પર બેઠા હતા. ધનજીભાઈ સડુ ભગતને જોઈ રહ્યા હતા. પોતાની જગ્યાએ એ બેઠા હતા.પણ આશ્રમમાં એની આંખો ચારેકોર ફરી રહી હતી. ઉમર સીતેર ઉપરની હશે. વાળ પણ ખાસ બહુ લાંબા નહોતા. એકદમ સાદા કપડામાં હતાં. સાધુતાના કોઈ ઘરેણા જેવા કે માળા નો હારડો અને શરીરે ભસ્મ કે શરીર પર ગોપીચંદન કે કોઈ જ ચિતરામણ નહોતું. પણ ચહેરા પર એક અકળ તેજ હતું. આંખો એની પ્રભાવી હતી. શરીર કસાયેલું હતું. બાજુમાં એક નાનકડી ચલમ પડી હતી. લોકો દુરથી જ તેના દર્શન કરતા હતા. ટૂંકમાં સડુ ભગતની આસપાસ એક દિવ્ય તેજસ્વી વર્તુળનો આભાસ થતો હોય તેમ ધનજીભાઈને લાગ્યું.

Image Source

“ કેમ લાગ્યો આશ્રમ?? આ આશ્રમની જગ્યા એક ખેડૂતે વરસો પહેલા દાનમાં આપેલી છે. મોટાભાગના આશ્રમ સરકારી પડતર વાળીને થયા હોય છે. પણ આ જગ્યા કાયદેસરની છે માલિકીની છે. ઘણા સમય પહેલા લોકોએ આશ્રમ વધારવાની વાત કરી પણ સડુ ભગતે ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું આટલી જગ્યા બરાબર છે. જગ્યા વધી જાય પછી આશ્રમ એ આશ્રમ નથી રહેતો. પરશોતમભાઈએ માહિતી આપી. બપોરે ત્યાં જમીને બને વેવાઈઓ બેઠા આશ્રમના એક ખુણામાં જાંબુડા ઝાડ હતા. ત્યાં એક મોટો ઓટો હતો ત્યાં આરામ કરવા બેઠા. ત્યાં એક પાસા બંધી કેડિયું અને ચોરણી પહેરેલ વ્યક્તિ આવી અને રામ રામ કરીને ત્યાં બેઠી. ધનજીભાઈ એ આ વ્યક્તિને રસોડામાં સતત કામ કરતી જોઈ હતી.

“ મેં તમને વાત કરી હતીને કે આપણે વાલા બાપાને મળીશું. અ છે વાલા બાપા. આ સડુ ભગત અને વાલા બાપા બેય લંગોટિયા ભાઈ બંધ!! અહીંથી પાંચેક કિલો મીટર દૂર એક બીજું ગામ છે ત્યાં આ વાલા બાપા રહે છે!! વાલાબાપા આ અમારા નવા વેવાઈ છે. તમે એને સડુ ભગતની થોડી વાતો કહો તો એમને પણ આ ભૂમિની મહાનતાનો ખ્યાલ આવે” પરશોતમભાઈ બોલ્યા. વાલા બાપાએ ચલમ સળગાવીને કહ્યું.

“ આ તો પુરવની કમાઈ હોય તો જ આ સ્થાન મળે છે. બધાના ભાગ્યમાં આવી ભક્તિ નો હોય. અમે તો અભણ માણસ કેવાય લાંબી ખબર્ય ન પડે. પણ આ તો સગી આંખે જોયેલું છે. એ વખતે ઘણાએ જોયું હતું. પણ અત્યારે હું એક જ જીવતો રહ્યો છું. બાકી તો ઉપર જતા રહ્યા!!” વાલા બાપાએ ચલમ બાજુમાં મુકીને દૂર ક્ષિતિજે જોઈ રહ્યા અને પછી વાત શરુ કરી.

“ હું દસ વરહનો હતો ત્યારે આ આશ્રમમાં આવતો. આ સડુ ભગત છે ને એ પણ મારી હારે જ આવતાં. અમે સાથે જ બે ચોપડી ભણેલા છીએ. એનું નિશાળમાં નામ તો સાદુળ હતું. પણ બધા એને સડુ જ કહે. જીવરો ખરો પણ અભ્યાસમાં મારી જેમ ધ્યાન નો ચોંટે!! ઈ વખતે અમારા ગામમાં ધૂડી નિશાળ હતી. એક જ માસ્તર અને ચાર ધોરણ શ્રાવણ મહિનામાં સોમવારે અમને અમારા સાહેબ અહી શંકર મંદિરે લાવતા. એ વખતે આ આશ્રમમાં અભેગર બાપુ હતા. પણ સાક્ષાત પરશુરામ જેવો સ્વભાવ!! જેવા તેવા તો આશ્રમમાં આવતા જ નહિ. આવું બધું નાનપણમાં જોયેલું. એમાં એક સોમવારે આવેલા અને સડુ ભગત વડલાની માથે ચડી ગયો રમતા રમતા અને અમને ભણાવતા સાબ ખીજાયા અને સડુને એક થપાટ આંટી દીધી. અને અભેગર મહારાજ ખીજાયા સાબ ઉપર!! અને સડુની માથે હાથ ફેરવીને કહેલું. કે આ કોણ છે એને તમે ઓળખતા નથી.. આ નિશાળિયા તમારો રોટલો કહેવાય!! ઈ છે એટલે તમે અહિયાં છો એટલી વાત યાદ રાખી લ્યો માસ્તર” ગળેથી ખોંખારો ખાઈને વળી વાલા બાપાએ વાત આગળ ચલાવી.

Image Source

“ મને કે આ સડુ ભગતને ભણતર ન ચડ્યું. મને મગજમાં ખેતી ચડી ગઈ અને સડુ ભગતને મગજમાં આ જગ્યા ચડી ગઈ. રોજ સવારે અને સાંજે સડુ ભગત અહી આવતા રહે. અભેગર મહારાજ બધાને ખીજાય પણ આ સડુને કાઈ નો કહે!! દર બીજે અહિયાં બટુક ભોજન થતું. ગામ વાળા આગલે દિવસે લાડવા વાળવા આવતા એમાં હું પણ આવતો. ધીમે ધીમે હું અને સડુ ભગત મોટા થવા લાગ્યા. સડુ ભગત દિવસે ઘેટા ચારે અને રાતે બાર વાગ્યા સુધી આશ્રમમાં હોય!! બસ એની સાયકલ ઘરથી આશ્રમ અને આશ્રમથી ઘર બે જ રસ્તો જાણે!! ગમે તેટલો તડકો હોય કે ગમે એવો વરસાદ!! ગમે તેવી કડકડતી ટાઢ હોય પણ સડુ ભગત અભેગર બાપુના દર્શન કરીને જ જંપે!! મનમાં કોઈ જ કુડ કપટ નહિ બસ નિસ્વાર્થ સેવા.. કોઈ ફળ કે મેવાની આશા નહિ!! એક વખત ગુરુ પૂનમની આગલી રાતે ચાલીશેક જણા અમે અહી જ લાડવા વાળવા બેઠા હતા. અત્યારે જે ભોજન શાળા છે ત્યાંજ પણ એ વખતે કાચા મકાન હતા. રાતના અગિયારેક વાગ્યા હશે.. એક ચોકીમાં લાડવા માટેના તળેલા મુઠીયા અમે ભાંગીને ભુક્કો કરતાં હતાં. પછી એમાં ખાંડની ગરમા ગરમ ચાસણી નાંખીને મિકસ કરવાનું હતું અને એમાંથી લાસા લાડવા વાળવાના હતા. મારી બાજુમાં સડુ ભગત બેઠેલા હતા. વીસેક વરસની અમારી ઉમર હશે એ વખતે. ચોકીમાં ગરમા ગરમ ચાસણી નંખાઈ ગઈ હતી. અમે એ ઠરવાની રાહ જોતા હતા અને એવામાં અભેગર બાપુ આવ્યા અને કહ્યું કે અલ્યા કેમ બેઠા છો લાડવા વાળવા માંડો.. પછી કાલ્ય માટે શાક સુધારવાનું છે.. કાલ્ય બહુ માણસો થવાનું છે આશ્રમમાં.. ત્યારે કોઈ બોલ્યું બાપુ હજુ આ ગરમ છે થોડુક ઠરે પછી લાડવા વાળીએ. ત્યારે અભેગર બાપુ બોલ્યાં.. અરે કાઈ નથી ગરમ નાંખો હાથ અને વાળો લાડવા!! અમે બધા એમને એમ બેસી રહ્યા અને સડુ ભગતને શુય સુઝ્યું કે એણે સીધો જ હાથ ચોકીમાં નાંખ્યો અને લાડવા વાળવા માંડ્યા. ચોકીમાંથી વરાળો નીકળતી હતી. અમે બધા ફાટી આંખે જોઈ રહ્યા. અભેગર બાપુ જોઈ રહ્યા. સડુ ભગતને ગુરુવચનમાં એટલો વિશ્વાસ કે એણે ધગધગતા લાડવાના રાબડામાં હાથ નાંખ્યો હતો. એને જરાય ગરમ નો લાગ્યું. પછી તો અમે જેટલા વાળવા બેઠા હતા એ બધાએ હાથ નાંખ્યો અને બધાના બરાબરના આંગળા દાઝી ગયા અને અભેગર બાપુ બોલ્યા.. એ પળ વઈ ગઈ!! આ બધો ગુરુવચન અને પળનો સવાલ છે.. પળ એક માત્ર સડુ એ સાચવી લીધી!! બાકી હવે તમે ગમે તેટલા માથા પછાડો ગયેલી પળ પાછી ન આવે!! જગતમાં જેટલા સંતો થઇ ગયા એ બધા આવેલી પળને પારખી ગયા હતા!! હાલ્ય હાલ્ય સડુ તું ઉભો થા!! આજથી જગ્યા તારે હવાલે અને આજ થી તું સડુ ભગત!! થોડી વાર વાલા ભગત રોકાયા અને ચલમ સળગાવી અને વળી બોલવાનું શરુ કર્યું. ધનજીશેઠ વિસ્મયથી તેની આ વાત સાંભળી રહ્યા હતા.

“ બસ પછી તો અભેગર મહારાજ સડુ ભગતને એ અત્યારે છે એ ઝૂંપડીમાં લઇ ગયા અને ગુરુમંત્ર આપ્યો. કલાક પછી એ બહાર આવ્યાં અને કહ્યું કે. મારી પાસે કોઈ મંત્ર તંત્ર કે ચમત્કાર નથી. પણ તમારા દિલમાં જરાય કુડ કપટ ના હોય અને તમે જો સાચા દિલથી તમારા સદગુરૂમાં ભાવ રાખો તો ભગવાન તમારી સહાયે જરૂર આવે છે. મારો નાથ બધામાં બિરાજમાન છે બસ તમને ગોતતા આવડવો જોઈએ. આવી જ રીતે ભગવાને બધાના કામ કરેલા છે જેવી રીતે આજે સડુ ભગતના આંગળા ન દાઝવા દીધા એવી જ રીતે યુગોયુગથી આવા કામ મારો વાલો કરતો આવ્યો છે . સડુને ગુરુવચનમાં વિશ્વાસ હતો. હવે મારો જવાનો સમય થઇ ગયો છે. લોકો આને ચમત્કાર માની લેશે અને મને હવે શાંતિથી ભક્તિ પણ નહીં કરવા દે!! પણ જતા જતા હું સડુ ભગતને કહેતો જાવ છું. કે આ આશ્રમ આટલો જ રહેવા દે જો.. આની બહાર ક્યાય જશો નહિ. મને જેમ ઉતરાધિકારી મળી ગયો એમ તને પણ મળી જશે. ગુરુવચનમાં વિશ્વાસ રાખો!! તમારા બધા જ કામ આપોઆપ થતા રહેશે!! અને બાપુએ દેહ છોડી દીધો. બસ સવાર સુધીમાં તો અભેગર બાપુ દેવ થઇ ગયાના સમાચાર આજુબાજુના પંથકમાં પહોંચી ગયા, અને માણસો એટલું ઉમટ્યું કે વાત ન પૂછો. બસ રાતે થોડાક બનાવેલા લાડવા આખો દિવસ હજારો માણસોને થઇ રહ્યા. કોણ આ કામ કરી ગયું?? બસ એક શ્રદ્ધા અને ગુરુનો વિશ્વાસ!! બસ ત્યારથી સડુ ભગત અહી જગ્યામાં રોકાઈ ગયા છે. કુદરત કુદરતનું કામ કર્યે જાય છે અને આ સડુ ભગત એમનું ભજન કર્યે જાય છે!!” વાલા બાપાએ વાત પૂરી કરી. ધનજીભાઈની આંખો અહોભાવથી પહોળી થઇ ગઈ!!

Image Source

પછી તો બને વેવાઈઓ ત્યાં રાત પણ રોકાયા રાતે સડુ ભગતના ભજનોના મીઠા અવાજથી મા શેતલનો કાંઠો મઘમઘી ઉઠયો! રાત ઢળતી ગઈ અને ગળતી ગઈ!! ભજનના શબ્દોથી તરબતર એ રાત ધનજીશેઠના જીવનની શ્રેષ્ઠ રાત હતી!!
સાચા દિલથી સદગુરુના શબ્દોમાં વિશ્વાસ રાખનારના સત્કાર્યો ઈશ્વર જરૂર પુરા કરે છે!! પણ એ માટે જીવનમાં આવતી પળને ઓળખી લેવી પડે છે.. પળ ગયા પછી માથા પછાડો તોય કશું વળતું નથી.. પૂર્વની કમાણી કરેલા કોઈ કોઈ જ વિરલા એ પળ ઓળખી જાય છે અને પછી જગત એને સંત તરીકે ઓળખે છે!! ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે સહુને જાય ગુરુદેવ!!!લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks