દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

વાત એક ગીરધર રણછોડની શાબાશ – મૂકેશ સોજીત્રાની કલમે લખાયેલ એવા વ્યક્તિની વાત જેને તેના મૃત્યુનું પણ મૃત્યુમહોત્સવ મનાવ્યો…સાચા હૃદયના માનવીની વાત વાંચવાની ભૂલતા નહી !!

ગામની મધ્યભાગમાં આવેલ ચોકમાં રામજીમંદિરની બાજુમાં જ એક જૂનું પુરાણું મકાન! મકાનના આગળના ભાગમાં એક દુકાન અને પાછળ રહેણાંક!! રહેણાંકમાં તો એકલ પંડે ગીરધર રણછોડ રહે!! ઉમર લગભગ સીતેરની આસપાસ ખરી. ગીરધર રણછોડ આ ગામનું એક વિશિષ્ટ પાત્ર!! લગભગ હસતો જ હોય!! કહેવાય છે કે જીવનમાં એ બે વાર જ રડેલો!! એક એની માતા જીવકોરબેન અવસાન પામ્યા ત્યારે અને બીજીવાર એના બાપા રણછોડભાઈ અવસાન પામ્યા ત્યારે! બસ આ બે પ્રસંગો સિવાય કોઈએ એને લગભગ રોતા ભાળ્યો જ નથી!!

ઘણા એને ગીરધર કહેતા.. ઘણા એને ગીધો પણ કહે..કોઈ વળી ગીરધર રણછોડ ”શાબાશ” પણ કહે!! આ શાબાશ એનું ઉપનામ હતું એ જયારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે પડી ગયું હતું!!
ગીરધર જયારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે વાસુદેવભાઈ કરીને એક માસ્તર હતા. ગીરધર એની પાસે ધોરણ ચોથામાં ભણતો. વાસુદેવ ભાઈ જયારે લેશન તપાશે ત્યારે કોઈ છોકરો લેશન નથી લાવ્યો એમ કહે ત્યારે વાસુદેવ ભાઈ તરત જ બોલી ઉઠે “શાબાશ” અને પછી બધા જ બાળકોને આગળના કાર્યક્રમની ખબર જ હોય!! વાસુદેવ ભાઈ એને પોતાની પાસે બોલાવે અને પૂછે કે કેમ લેશન નથી કર્યું. છોકરો જવાબ આપે કે મામાને ઘેર ગયો હતો અને વાસુદેવભાઈ બોલે ” શાબાશ” અને નેતરની એક સોટી વાંસામાં વળગાડે!! વળી પાછા બોલે “મામાને ઘરે ગયો હતો તો રજા લીધી હતી મારી” છોકરો કહે “ના” એટલે વાસુદેવભાઈ વળી બોલે. “શાબાશ” અને બીજી સોટી વળગાડે!! બસ સાહેબનો આ નિત્ય ક્રમ!!
એક દિવસ ગીરધર આપેલ લેશન નહિ લાવેલો અને વાસુદેવભાઈ બોલ્યા. “શાબાશ” અહી આવતો રહે.ગીરધર સાહેબ પાસે ગયો. સાહેબે કારણ પૂછ્યું તો કહે “મારી દુકાને બેઠો હતો મારા બાપા ખરખરે ગયા હતા એટલે” વાસુદેવભાઈ બોલ્યા “શાબાશ” અને એક નેતરની સોટી પડી ગીરધરના બરડામાં!! એજ દિવસે શાળામાં એજ્યુકેશનલ ઇન્સ્પેકટર આવેલા શાળાની મુલાકાતે!! એક પછી એક વર્ગની મુલાકાત લઈને એજ્યુકેશનલ ઇન્સ્પેકટર ગીરધરના વર્ગમાં આવ્યા. એજ્યુકેશનલ ઇન્સ્પેકટરનો એ સમયમાં વટ પડતો. બાળકોને થોડા પ્રશ્ન પૂછ્યા.અમુકને આવડ્યા પણ મોટાભાગના ને ન આવડ્યા અને ઇસ્ન્પેક્ટર સાહેબનો મિજાજ છટક્યો!!

“લાવો તમારી દૈનિક આયોજનની બુક?? શું કરો છો તમે આ વર્ગમાં??” સાહેબ કડકાઈથી બોલ્યા અને વાસુદેવભાઈ દૈનિક આયોજનની બુક ધ્રુજતા હાથે આપી. દૈનિક આયોજન એક મહિનાથી બાકી હતું. એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સાહેબ દૈનિક બુક જોતા હતા ત્યાં જ વાસુદેવભાઈ બોલ્યા.

“સાહેબ એક મહિનાથી લખવાનું રહી ગયું છે. હવે આવું નહિ થાય” અને તરત જ ગિરધરને શુય સુઝ્યું કે એ બોલી ઉઠયો!!

“શાબાશ”!! ઇન્સ્પેકટર સાહેબને નવાઈ લાગી એણે ગિરધરને ઉભો કર્યો અને શાબાશ કેમ બોલ્યો એનું કારણ પૂછ્યું .અને ગીરધર બોલ્યો!!

“ કોઈ છોકરો લેશન ન લાવે અથવા તો અધૂરું લાવે તો અમારા સાહેબ “શાબાશ” બોલે છે!!
“ એમ તો તો મારે પણ બોલવું પડશે!! “શાબાશ” કહીને એજ્યુકેશનલ ઇન્સ્પેકટર વાસુદેવભાઈની સામે જોયું.!!

“ એ દિવસે તો ગિરધરને કશું ના થયું પણ બીજા દિવસે વાસુદેવભાઈએ ગિરધરને દાઝમાં ને દાઝમાં સાત થી આઠ સોટીઓ ઝીંકી દીધી અને સોટી મારતા મારતા બોલતા જાય!! “બોલ શાબાશ”!!

બસ આ ઘટના પછી ગીરધર સાથે જે જે નિશાળમાં ભણતા હતા એ બધાએ એનું નામ પાડી દીધેલું.. “ગીરધર રણછોડ શાબાશ”!!

ગીરધરના લગ્ન થયેલા નહિ. એની પાછળ સંજોગો જ જવાબદાર હતા!! એના પિતા રણછોડ પાતા પાસે જમીન નહોતી. હતા પટેલ પણ ઉભડીયા હતા. મકાન અને આ નાનકડી દુકાન સિવાય કોઈ મિલકત હતી નહિ. અને એમને ત્યાં મોટી ઉમરે પારણું બંધાયેલું!! ગીરધરનો જન્મ થયો ત્યારે રણછોડ પાતા ૪૮ વરસના અને જીવકોર ૪૫ વરસના હતા. બીજું કે ગીરધરનો વાન ડામર ના ટીપણા જેવો હતો. શરીર લોઠકુ!! પણ ખાસ દેખાવ ના આવે. વળી ગીરધર એકનો એક દીકરો અને અને ઘણી બધી માનતાઓ રાખેલી એટલે લાડકો પણ ખરો! વળી ઘરની નાની એવી દુકાન એટલે નાનપણથી જ ખાધે જબરો!! પાંચ વરસનો થયો ત્યારે એની માતા જીવકોરબા કહેતા કે મારો ગીધો તો રમતા રમતા પાંચસો પેંડા ખાઈ જાય!! અને ગિરધર ખાઈ પણ જતો!! પરિણામે શરીર ગોળમટોળ થઇ ગયું!! ગામની નિશાળમાં જેટલા ધોરણ હતા એ ગીરધરે પુરા કરેલા. પછી આગળ એ ભણવા ગયેલો નહિ.!! બાપની સાથે દુકાનમાં જોતરાઈ ગયો!!
આમને આમ ગીરધર મોટો થતો ગયો. ભાઈબંધો સાથે રાતે ટોળ ટપ્પા કરે ને દિવસે દુકાને બેસે.. ગામમાં કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય.. મગ બાફણા ફાડવાના હોય.. ગીરધર આવા કામમાં ક્યારેય ગેરહાજરી ના પુરાવે!! ગમે તેટલું મજબુત બાવળીયાનું થડિયું હોય.. ગીરધર છીણી અને ઘણ લઈને મંડાય એટલે થડીયાને પછી ફાટ્યા સિવાય છૂટકો જ નહિ!! વરસો જૂની કપ્લીન પાઈપ સાથે ફીટ થઇ ગયેલી હોય!! ગીરધરનો હાથ પડે ત્યાં ક્પલીનને આંટા મુકવા જ પડે!! આવો કાંડા બળીયો!! રોનકી પણ એટલો જ!! ગીરધર વીસ વરસનો થયો ને એના બાપા સગપણ ગોતવા માંડેલા પણ વાન અને શરીર જોઇને સામા વાળા હરેરી જાય!! ખાધે પણ એવો જબરો!! પછી તો ગામમાં કોઈને ત્યાં પ્રસંગ હોય ને ગામના વાળંદ નોતરું દેવા નીકળે ગિરધર અને એના બાપા દુકાને બેઠા હોયને આવી ને વાળંદ કહે!!

“પરબત જીવાને ત્યાં કાલે સીમંતનો પ્રસંગ છે એકનું બપોરનું જમવાનું નોતરું છે અને નારણ ભાઈ તમારે જ જમવા આવવાનું છે ગિરધરને નહિ” કારણ ગીરધર જો ભાઈ બંધો સાથે વટે ચડી જાય તો મોહનથાળની બે થાળીઓ એકલો ઝાપટી જાય!! હવે સીમંતનો પ્રસંગ હોય ને લીમીટેડ બનાવ્યું હોય એમાં વસ્તુ ખૂટે એ તો બરાબર ના કહેવાય ને!!
સગપણ ગોતવામાં ચાર વરસ વીતી ગયા ને એવામાં બે વરસની અંદર જ નારણ આતા અને જીવકોરમા બને સ્વધામ પહોંચી ગયા. હવે ગિરધરે પણ માંડી વાળ્યું કે કાઈ લગ્ન નથી કરવા. આ ફેરો ભલે ખાલી જાય આવતા ફેરામાં જોયું જશે!! બાપાની દુકાન સંભાળીને ગીરધર બેસી ગયો. સારથ સારથના ભાઈ બંધો સાથે મોડી રાત સુધી ગિરધરના રણછોડ શાબાશના ઘરે ગંજી પતો રમતા હોય!! દિવસે દુકાન અને રાતે ગંજીપતાની હુકમ બાજી!! ગીરધરનું જીવન સડેડાટ ચાલવા લાગ્યું!!
બે ત્રણ પ્રસંગો જે બની ગયા એ ગામમાં હજુ પણ યાદ છે!!
નારણ પુંજા જે ગીરધરનો કુટુંબી ભાઈ થાય એના કોઈ દુરના ફૂવાનું દસેક ગાઉં દૂર અવસાન થયેલું. એનો મેલો આવેલો એટલે બધા ભાઈબંધો સાયકલ લઈને ખરખરો કરવા જવા નીકળ્યા!! નારણ પુંજા એ ફૂવાનું ઘર જોયેલું નહિ અને જેણે ઘર જોયું તું એને આવ્યો હતો તાવ એટલે એ આવી શકે એમ હતો નહિ ત્યાં ગીરધર બોલ્યો.
“તમારા ફૂવાનું ઘર મેં જોયું છે. મારા બાપા હારે હું ફૂવાના ઘરે ગયો તો નાનો હતોને ત્યારે, તમ તમારે મારી વાંહે વાંહે ચાલ્યા આવો!!” કહીને ગિરધર સહુની મોર્ય અને બાકીના બધા એની પાછળ પાછળ! નવા નક્કોર ધોળા કપડા બધાએ પહેરેલા અને ખંભે ધોયેલા ફાળીયા!! સહુ સાયકલના પેડલ મારતા મારતા બે કલાકે ફૂવાને ગામ પહોંચ્યા!!

ગામને પાદર જ ગિરધરે બધાને કહી દીધું કે

“જો મોટું મરણ છે એટલે રોવા ધોવાનું નથી. તમારે મારી પાછળ શાંતિથી બેસવાનું. હું ખરખરો કરી લઈશ. તમને વેવારમાં બહુ ખબર ના પડે.. હું નાનો હતો ને ત્યારે મારા બાપા હારે બહુ ખરખરે ગયેલો છું” કહીને ગિરધરે પાછી સાયકલ ચલાવી અને ગામની સહુથી છેલ્લી શેરીમાં જમણી બાજુ એક છેલ્લું મકાન હતું ત્યાં સાયકલ ઉભી રાખી. આખો કાફલો ઘરમાં પ્રવેશ્યો. ઓશરીમાં પાંચ જણા ચોફાળ પાથરીને બેઠા હતા. ગિરધરે બે હાથ જોડીને કહ્યું.

“રામ !! રામ ”

“રામ રામ” સામેવાળાએ પ્રત્યુતર આપ્યો અને ઉભા થયા. ગીરધર આગળ અને પાછળ બીજા એમ બધા ગોઠવાયા. પાણી અને ચા આવ્યા બધાએ પીધા અને વેવારિક એવા ગિરધરે વાતનું અનુસંધાન બાંધ્યું.

“ તઈ ફૂવાને સારું ન થયું એમને??” સામેવાળા એક બીજા સામે જોઈ રહ્યા કોઈ કાઈ બોલ્યા નહિ!! ગિરધરને થયું કે ફૂવામાં આ લોકોને સમાજ નથી પડતી એટલે ફરીથી પૂછ્યું.

“આતાને સારું ના થયું એમને?? કેટલા સમયથી બીમાર હતા? કાલ્ય તમારો મેલો મળ્યો. કે જસમત ફૂવા ગુજરી ગયા છે. આ નારણ છે પુંજા કેશુનો દીકરો તમારા આતા એના ફૂવા થાય!!
“ મારા આતા તો સાજા નરવા છે.. આ ગમાણમાં બેઠા બેઠા દાઢી કરાવે છે!! તમારા આતા મર્યા હશે મારા તો જીવતા છે.. સાળાવ ઘર પૂછીને આવતા હો તો.. આ તો ખાખરીયે થી મારી દીકરીનો સબંધ જોવા આવવાના છે એટલે અમે ભાયું ભાયું આ ચોફાળ પાથરીને એ ખાખરીયાવાળા ની રાહ જોઈએ છીએ. તમે કયો છો એ તમારો જસમત ફૂવો જે ઉકલી ગયો છે એનું મકાન આ શેરીમાં નહિ આની પહેલાની શેરીમાં આવે છે.. ઉભા થાવ સબ દઈને..સારા કામે બેઠા છીએ ને તમે મોંકાણ લઈને આવો છો!! કોકને પૂછતા તો હો!! એમને એમ પરબારા ધોડ્યા જ આવો છો.કોઈ દિવસ ખરખરે ગયા છો કે શીખાવ છો હજુ!! ભાગો હાલો અહીંથી” ત્યાં બેઠેલા આદમીએ એવા ઘચકાવ્યા કે આખો કાફલો ફટાફટ ઘરની બહાર નીકળી ગયો!! અને આગળની શેરીમાં ખરખરો કર્યો.!!વળતી વેળાએ રસ્તામાં સાયકલ ઉભી રાખી રાખીને બધાએ ખુબ જ દાંત કાઢેલા!! બધાએ નક્કી કર્યું કે ગામમાં કોઈએ વાત નહિ કરવાની.. જે વાત કરે એની ઘરવાળીના સોગંદ!! ત્યારે ગીરધર બોલ્યો

“મારાથી ગામ માંડ આવશે.. અને સોગંદ મને કાઈ લાગે જ નહીં..મારે ઘરવાળી જ ક્યાં છે” અને ગામમાં પહોંચ્યા પછી આખા ગામમાં ગિરધરે વાત ફેલાવી દીધેલી.
“બીજા એક પ્રસંગે ગિરધર પર સમઢિયાળા થી કંકોત્રી આવેલી. જાનકીદાસ કરીને એક માસ્તર ગામમાં ભણાવતા. પછી તો એની બદલી થઇ ગયેલી. એના છોકરાના લગ્ન હતા. સાંજનું જમણવાર હતું. ગિરધર પર જ કંકોતરી આવેલી. ગીરધરે કંકોતરીમાં જેટલા નામ હતા ઈ બધાને ભેગા કરેલા અને કહ્યું.
“સાહેબને ત્યાં પ્રસંગ છે એ આપણો જ પ્રસંગ કહેવાય.. આપણે બધાએ જવું જોઈએ.. આમ તો ત્યાં કામ કરવા માટે એક દિવસ અગાઉ જવું જોઈએ પણ ઘણાને અગવડ હોય એટલે વહેલા નીકળી ન શકે પણ તોય જમણવારમાં તો જવું જ જોઈએ” કહીને ગીરીધરે બધાને પાનો ચડાવ્યો!!

“ પણ તે સાહેબનું ઘર જોયું તો છે ને.. પછી ઓલા ખરખરા જેવું નો થાય” કાનજી શંભુ બોલ્યો.

“અરે હોવ્વે એકની એક ભૂલ ફરી વાર થોડી થાય.. જાનકીદાસની બદલી થઈને ત્યારે ટ્રેકટરમાં સામાન ભરીને એને ગામ મુકાવવા હું મારા બાપુજી હારે ગયોતો. અને તોય તમને વિશ્વાસ ના હોય તો આપણે કંકોતરી ભેગી લઇ લઈએ પણ મને એટલી ખબર છે કે ગામમાં ઘરતા જ તળાવની પાળ આવે ને ત્યાં જ જાનકીદાસનું ઘર આવેલું છે એટલી મને પાકા પાયે ખબર છે!! ગીરધરે બધાને હૈયા ધારણા આપી.

વળી આઠ સાયકલો ઉપડી. સહુ વાતો કરતા જાય. બે કિલોમીટર ગયા ત્યાં ભૂરાની સાયકલને પંકચર પડ્યું. આગળના ગામે એ પંકચર સંધાવ્યું.ને આગળ થોડું હાલ્યા ત્યાં કાનજીની સાયકલમાં ફટાકડો થઇ ગયો એની ટ્યુબ બદલાવી.આમ ને આમ આ ટણક ટોળી સમઢિયાળા પહોંચી ત્યાં આઠેક વાગી ગયા હતા અને ઠીક ઠીક અંધારું હતું. લાઈટના એ વખતે ધાંધિયા. ગીરધરે કહ્યું એ પ્રમાણે પહેલા તળાવની પાળ આવી ને ત્યાં એક મકાન આગળ બે પેટ્રોમેક્સ બતી સળગે. અને જમણવાર જેવું લાગ્યું. હવે કોઈ પૃફની જરૂર જ નહોતી. ગિરધર બોલ્યો.
“ આ જ જાન્કીદાસનું ઘર.. સાયકલે રસ્તામાં રગ્ડ્યા બરાબરના એટલે મોડું થયું છે નહીતર આપણે અંધારા થયા પહેલા જ પોગી જાત અને જાનકીદાસને મળી પણ લેત..પણ હવે પેલા આપણે જમી લઈએ પછી બીજી વાત!! ઘરની આગળ લીમડાના ઝાડવે બધાએ સાયકલુ ગોઠવીને સીધા જ જમણવારમાં પહોંચ્યા. થાળીઓ લઈને લાડવા અને ટોપરા પાક!! બરફી અને સાટા!! ગાંઠીયા અને શાક દાબી દાબીને ખાધું!! સાયકલ હાંકી હાંકીને ભૂખ પણ એવી જ લાગેલી!! ગિરધરે ભાત પણ બે વાર ઝાપટ્યા!! ખાઈ પીને બહાર નીકળીને આજુ બાજુ ચાંદલા વાળા ને શોધે.. ખાટલો નાંખીને મુખવાસની થાળી લઈને જમણવારમાં ચાંદલો લખવા વાળા એ વખતે બેસતા!! આજુબાજુ બધે જોયું પણ ચાંદલા વાળા ન જોયા!! એક બેને પૂછી જોયું પણ કોઈએ જવાબ ન આપ્યો. સમુકના દાંત કાઢ્યા!! છેવટે રસોડામાં વડીલ જેવી એક વ્યક્તિને પૂછ્યું અને એ પણ વહેવારિક એવા ગિરધરે જ પૂછ્યું!!

“વડીલ ચાંદલો ક્યાં લખે છે.. જાનકીદાસ બાપુ અમારે ત્યાં નોકરી કરતા હતા… અમે જમી લીધું પણ ચાંદલા વાળા મળતા નથી!! ઘણાય ગોત્યા.” પેલા વડીલ તો ઘડીક એની સામું જોઈ રહ્યા પછી એક ખૂણામાં બોલાવ્યા ત્યાં પેટ્રોમેકસ નું અજવાળું પડતું હતું. પેલા વડીલ મૂછે હાથ દઈને બોલ્યા.

“ક્યાંના છો અને કેવા છો?” જવાબમાં ગીરધરે ખિસ્સામાંથી કંકોતરી કાઢી અને પેલા મૂછો વાળા વડીલને આપીને કહ્યું.

“જાનકીદાસ બાપુના વિધાર્થીઓ છીએ. સાહેબ પેલા અમારા ગામમાં ભણાવતા. અમારે અને સાહેબને ઘર જેવો સંબંધ.. અને” ગીરધર વધુ બોલવા જતો હતો ત્યાં જ પેલા
વડીલે ડોળા કાઢીને નાક પર આંગળી મુકીને શાંત રહેવાનો ઈશારો કર્યો અને પછી એ બોલ્યા કંકોત્રી જોઇને
“ કોડાઓ આમાં ચોખ્ખું લખ્યું છે સમઢીયાળા નં ૨!! આ સમઢીયાળા નં ૧ છે.. તમારે જ્યાં જાવું છે એ સમઢીયાળા નં ૨ આહીથી હજુ ચાર કિલોમીટર થાય છે. જાનકીદાસનું ઘર ત્યાં છે અને એના દીકરાના લગ્ન પણ ત્યાં છે અહી તો મારા બાપા ગોબર ભાભાનું કારજ હતું. અને કારજમાં ચાંદલા વાળા ન હોય એટલી તો ભાન પડે ને.. ખાતા પહેલા અજાણ્યા ગામમાં કોઈને પુછાય.. એટલી બધી ભૂખ લાગી હતી કે કોઈને પૂછ્યા કે ઘાંચ્યા વગર સીધા જ ગળચવા બેસી ગયા!! દુકાળમાં જન્મ્યા લાગો છો!! હાલો હવે જે થયું એ નીકળો નહિતર મારે બડીયો લેવો જોશે.. એક તો રસોઈ ઓછી છે અને બાયુંને જમવાનું બાકી છે અને તેમાં તમે આઠ જણા વધારાના ખાઈ જાવ તો મારે કેમ મેળ કરવો!!” અને ગિરધરની ગેંગ ઉભી પુંચડી એ ભાગી. સાયકલ લઈને જાય ભાગી!! પછી એક કિલોમીટર જઈને સાયકલ ઉભી રાખીને ગીરધર બોલ્યો.
“ હવે આપણે જમી જ લીધું છે..ભલે કારજનું તો કારજનું પણ આપણે એમ માનીશું કે આ જાનકીદાસ બાપુના છોકરાના લગ્નનું જ છે. શું ફેર પડે છે એનાથી હે!! ભલું કરે જાનકીદાસ બાપુ.. આપણે હવે સમઢિયાળા બાજુ ક્યારેય આવવું જ નથી. કહીને કાફલો મોડી રાતે હસતો હસતો ખીખીયાટા કરતો કરતો ગામમાં પાછો ફર્યો!!

ત્રીજો અને છેલ્લો પ્રસંગ એવો કે ગામમાં થોડા વરસો પછી છકડો આવેલ. હવે તો ગિરધરની ઉમર પણ પચાસે પહોંચવા આવેલ. આ આઠ જણાનો કાફલો આજુબાજુના ગામમાં નજીક હોય ત્યાં ભજન સાંભળવા જાય.. ગામમાં ભીમા અરજણ છકડો લાવેલ અને એવામાં ગીરધરને ખબર પડી કે એંશી કિલોમીટર દૂર ભાવનગર નારાયણ સ્વામી અને કાનદાસ બાપુનો ભજન સત્સંગ છે. આઠેય ભાઈબંધોને કર્યા તૈયાર!! અને ભીમાને પણ પૂછી જોયું કે હાલ્ય ભાડે!! તને કાનદાસ બાપુ અને નારાયણ સ્વામીનો લાભ પણ મળશે અને આમેય રાતે તારી છકડો રિક્ષા પડી જ રહેવાની છે ને તને ભાડુંય મળશે!!
“બસો રૂપિયા થશે.. બસો સિવાય મારી છકડો રિક્ષા પેશ્યલ ભાડે જતી નથી” ગીરધરે કહ્યું વાંધો નહિ તને તારું ભાડું મળી જશે!! અને ભાઈબંધો ચપોચપ રિક્ષામા ગોઠવાઈ ગયા.” રિક્ષા હજુ ગામ બહાર નીકળતી હતી ત્યાં ભીમા ના બાપા અરજણ સવા આવ્યા. ઈ ક્યે મારેય આવવું છે બે વાણી સાંભળવા. એની તો ઘરની રિક્ષા એટલે ના પણ કોણ પાડે એ પણ બેસી ગયા!! સાંજના આઠ વાગ્યે ચાલેલી રિક્ષા સાડા નવે શિહોર પહોંચી અને પોલીસવાળા જોઈ ગયા!!

“કેમ પેસેન્જર બેસાડ્યા છે?? ચાલ રિક્ષા પોલીસ સ્ટેશન પર લઇ લે!! જપ્ત કરવાની છે” ભીમાએ આજીજી કરી.. નારાયણ સ્વામીના ભજનમાં જઈએ છીએ.. હજુ નવા નવા છીએ.. છેલ્લે સો રૂપિયા પોલીસને આપીને મામલો પતાવ્યો. સો રૂપિયાનું ડીઝલ નાંખ્યું.. ભીમા અરજણને રાતના ફેરામાં કાઈ વધ્યું નહિ!! સવારના ચાર વાગ્યા સુધી ભજનની વાણી સાંભળીને બધા રિક્ષામા ગોઠવાયા. સોનગઢ આવ્યું એટલે ભીમાના બાપા અરજણે બધાને ચા પાઈ. સવારે સાત વાગ્યે બધા ગામમાં આવ્યા ત્યારે હેઠા ઉતરીને ગિરધરે આઠેય પાસેથી વીસ ઉઘરાવીને રોકડા એકસોને સાઈઠ રૂપિયા અરજણના હાથમાં મુક્યા!! અરજણ બોલ્યો.

“આપણે બસો રૂપિયાની વાત થઇ છે.. આમાં હજુ ચાલીશ ઘટે છે”
“ વીસ તારા અને વીસ તારા બાપના!! વેવારે ભાડું તો તમારેય આપવું પડે ને!! ભજનમાં જઈએને ત્યારે મફતમાં ન જવાય!! મફતમાં ભજન જીવનમાં ચડે નહિ! જો રાતે ભજનમ નારાયણ સ્વામી કહેતા નોતા એક વાણીમાં કે “વેવારે વર્તવું અને હકે હાલવું અને કાનદાસ બાપુ એ પણ છેલ્લા ભજનમાં ગાયુ જ ને “ ભક્તિ કરવી એને રાંક થઇ ને રેવું” એટલે ખોટા પૈસા ભેગા ન કરાય!! તમે બાપ દીકરો વીસ વીસ નાંખી દ્યો એટલે બસો થઇ જાય ને”
કહીને ગીરધર અને તેની ટણક ટોળી ખી ખી કરતી ચાલી નીકળી!!

પણ છેલ્લા કેટલાક વરસથી ગિરધરે આવી બધી પ્રવૃત્તિ મૂકી દીધી છે. ગંજીપતો એણે બાવન વરસ પુરા થયા પછી જ મૂકી દીધો એણે ભાઈ બંધને પણ કહી દીધું કે.
“બાવન વરસ સુધી જ ગંજીપતો ટીપાય પછી નહિ.. હવે તો બાવન બારાની મોજ માણવાની છે!! બાવન બારા જાવ તો જ ભગવાન તમારી ભેળે રહે બાકી નહીં”
દુકાનમાં પણ એણે ઘણી વસ્તુઓ સાવ સસ્તા ભાવે વેચી નાંખે. હવે કોની માટે કમાવું?? આગળ પાછળ કોઈ છે તો નહિ તો શું કામ ભેગું કરવું!! ગામમાં સહુથી સસ્તું ગીરધર નારણ ‘શાબાશ” જ આપે બીજા વેપારી પણ કહેતા કે

“ગીધો તો મફતેય આપે એને ક્યાં બાયું અને છોકરા છે અમારે તો પાછળ ખાવા વાળા છે. એ ભાવે અમને ના પોસાય તમે ગીધાને ત્યાંથી જ લઇ લો”

ગિરધરની ઉમર લગભગ હવે સીતેરની આજુબાજુએ પહોંચવા આવેલી પણ તોય કડે ધડે કહી શકાય એવું શરીર!! આમેય એકલા રહેતા હોય એ લગભગ બીમાર પડતા નથી. એની તંદુરસ્તી સારી હોય છે.કારણ કે જીવનમાં તણાવ બળતરા અને માથાકૂટ તમે લગ્ન કરો તો શરુ થાય. બાકી વાંઢાને વારસાગત મોજ હોય છે એમ ગીરધર કહેતો!!

ચૈત્ર મહિનામાં ગામમાં ભાગવત કથા બેસી. ગીરધરે સાવ સસ્તા ભાવે રસોડાનો માલસામાન સપ્તાહમાં પહોંચાડ્યો, દરરોજ અલગ અલગ જ્ઞાતિનું રસોડું હતું. છેલ્લે ગીરધરે નક્કી કર્યું કે ભાગવતની પોથી મારે મારા ઘરે પધરાવવી છે અને સાંજે મારા ઘરે આખા ગામને જમવાનું અને રાતે ડાંડિયા રાસ લેવાના છે. અત્યાર સુધી ગામ આખાનું ખાધું. એકલો છું એટલે કોઈએ મારો ચાંદલો પણ લીધો નથી. જે ભેગું થયું એ વાપરી નાંખવું છે. કથાની પુર્ણાહુતી થઇ. વાજતે ગાજતે પોથી ગીધાએ ઘરે પધરાવી.પૂજન કર્યું અને શાસ્ત્રીજીને દક્ષિણા પણ આપી!! શાસ્ત્રીજીએ મનોમન સંકલ્પ કરાવ્યો કે ભગવાન પાસે માંગી લે!!
“બસ આવીને આવી જીંદગી આવતા ભવે આપજો.. વિશેષ કશું નથી માંગવું” અને શાસ્ત્રીજી બોલ્યા “શાબાશ”!!! શાસ્ત્રીજીએ ઘણાને સંકલ્પ કરાવ્યો હતો. પણ પોતાની જિંદગીથી ખુશ હોય એવો આ એક જ ભડ નીકળ્યો હતો!!!

“ગામ આખું ગિરધરને ત્યાં સાંજે જમ્યું!! સપ્તાહના સાત દિવસ ના બની હોય તેવી રસોઈ આજ ગિરધરની ઘરે બની હતી. બધાને એડવાન્સમાં પૈસા આપી દીધા હતા. કાઈ કાઈ કરતા કાઈ ન ઘટવું જોઈએ. ખાઈ પીને કૃષ્ણ અને રાધાના લોક ગીતો પર ગરબા અને દાંડિયા રાસ શરુ થયા!! રાતના બે વાગ્યે લગભગ કાર્યક્રમ પૂરો થવામાં હતો!! ગીરધર તલ્લીન થઈને રાસ લેતો હતો પોતાના ભાઈ બંધો સાથે અને અચાનક જ એ પડી ગયો!! ભાઈ બંધો એ એને ખાટલામાં નાંખ્યો!! ગામમાંથી ડોકટર આવ્યા. નાડી પકડીને કહ્યું!! ગીરધર હવે આ દુનિયામાં નથી!!

ગામ આખું ગીરધરના ઘરની બહાર બેસી રહ્યું. લોકો વાતો કરી રહ્યા હતા. આવું મોત તો સદભાગીને જ મળે!! કોઈ વળી એમ કહેતું હતું કે માણસ મરી જાય એની પાછળ લોકોને લાડવા ખાવા મળે પણ આ એક પેલો માણસ આ ગામમાં થયો કે એ બધાને પહેલા ખવરાવ્યું અને પછી પોતે સ્વધામ સીધાવ્યો!! કોઈક કહેતું હતું કે સાચકલો માણસ એને ખબર પડી ગઈ કે મારો અંતકાળ નજીક છે એટલે છેલ્લે છેલ્લે મૃત્યુને મહોત્સવ બનાવી દીધો!! બીજાએ એમાં ટાપશી પુરાવી અને કહ્યું કે બધાને એણે આજે એડવાન્સ પૈસા પણ ચૂકવી દીધા. કાઈ માથે ના રાખ્યું તોય આપણ ને ખબર ના પડી કે આજ એનો છેલ્લો દિવસ હશે!! જે હોય એ પણ સવારે એની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. આખું ગામ એની સ્મશાનયાત્રામાં જોડાયું હતું!! આવી સ્મશાનયાત્રા ગામમાં ક્યારેય કોઈની નીકળી નહોતી!!
અને કદાચ આ સ્મશાન યાત્રાનું દ્રશ્ય જોઇને ઉપર બેઠેલો ભગવાન પણ બોલી ઉઠયો હશે!!!

“શાબાશ!! ગીરધર નારણ શાબાશ!!”

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “ હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.,મુ. પો . ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks