દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે

“વાત બટુક મહારાજની” – મુકેશ સોજીત્રાની કલમે લખાયેલ એક એવી વાર્તા જે સંબંધોની વાસ્તવિકતા ઉપર લખાઈ છે ને સાંપ્રાંત સમાજની એકદમ નજીક છે..

સોળ વરસ પછી અનિકેત વતનમાં આવતો હતો. સોળ વરસ પહેલા પરણીને ગામમાં આવેલા પોતાના માતાજીના મઢમાં એ છેડા છેડી છોડવા આવ્યા હતા. પરંતુ ઉતાવળ હતી એટલે જુના ભાઈબંધો ને મળી શકાયું જ નહિ. અંધારું પણ થઇ ગયેલ અને માતાજીને સાત શ્રીફળ વધેરીને એની માતા, પત્ની, અને બહેન સાથે કલાકમાં નીકળી ગયો હતો . લગ્ન પણ ઉતાવળમાં વડોદરા કરવા પડેલા એટલે ગામમાં કોઈ ભાઈબંધ ને નોતરી પણ શક્યો નહોતો. બાકી એના બે ય મોટા ભાયું ભાવનગર હતા . ગામ સાથે સાવ નાતો જ તૂટી ગયો હતો આ સોળ વરસમાં. બસ સોળ વરસ પહેલાનું ગામડું એની યાદોમાં અકબંધ હતું!!
બસ સોળ વરસ પહેલાનું એ ગામડું યાદ આવી ગયું. જ્યાંથી એ સાયકલ લઈને આઠ કિમી દૂર આવેલી એક સંસ્થામાં ભણવા જતો. પછી અગિયાર બાર એણે ભાવનગર કરેલું . ચાર વરસ સિવિલ ડીગ્રી કર્યા પછી એને દિલ્હીની એક મોટી કંપનીમાં ચીફ એન્જીનીયર ની જગ્યા પર સારા પગારની નોકરી મળી ગઈ હતી. બસ પછી તો પટના , મસુરી , બોકારો , રાંચી , રાયપુર અલગ અલગ જગ્યાએ પોસ્ટીંગ થતું ગયું. પોતાના ભાઈઓ એમને મળવા આવતા. મા બાપ પણ ચાર વરસ સાથે રહ્યા વળી પાછા મોટાભાઈને ત્યાં જતા રહેલા વળી પાછા એકાદ વરસ આવી ગયા હતા. બે ય મોટા ભાઈઓ હીરા અને બિલ્ડીંગના વ્યવસાયમાં સુખી હતા . મોટાભાઈના એક એક દીકરા દીકરી પરણી ગયા. પોતાને એક પુત્ર અને એક પુત્રી હતી પુત્ર આદિત્ય નવ વરસનો હતો અને પુત્રી નિશા છ વરસની!! અનિકેત માતા પિતાના આગ્રહથી દસ દિવસની રજા મુકીને પોતાના ગામડે આવતો હતો. પોતાના પિતા પરશોતમભાઈ એક મહિના પહેલા ફોન કર્યો હતો.
“ ગામમાં એક હાઈસ્કુલ બની રહી છે ગામ ફાળામાંથી એમાં આપણે બે લાખ લખાવ્યા છે. અને અત્યાર સુધીમાં આ ગામમાંથી જેટલા લોકો બહાર છે એ આવવાના છે. વળી ગામમાં એ પ્રસંગે વધારે ફાળો એકઠો થાય એ માટે લોકડાયરો પણ છે . વરસોથી ગામ બહાર ગયેલા તમામ આવવાના છે. એ બધાનું સન્માન પણ ગામ કરવાનું છે . તારા બધા ભાઈબંધો પણ આવવાના છે. એટલે તારે પણ ખાસ આવવાનું છે. આમેય તારા બાળકોએ ગામડું જોયું જ નથી એ પણ બિચારા રાજી થશે”
અને એટલે અનિકેત રાયપુરથી ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યો હતો. ત્યાંથી એના મોટા ભાઈ દેવચંદ ભાઈ કાર લઈને લેવા આવવાના હતા. ટ્રેનમાં એના પુત્ર આદિત્ય એને પૂછી રહ્યો હતો.

“ડેડ વિલેજમાં પિત્ઝા તો મળશે ને?? નહીતર આપણે અમદાવાદથી મેકડોનાલ્ડના પીઝા લઇ લઈશું.. યુ નો ડેડ મને પિત્ઝા ખુબ ભાવે છે” એની પત્ની અંજલી હસી રહી હતી.અંજલી આમ તો બરોડા ની બાજુમાં જ આવેલા એક નાનકડા ગામની હતી. પણ બાળકો સાથે એ હજુ ગુજરાતી માં જ વાત કરતી હતી. આદિત્ય પણ ભાંગ્યું તૂટ્યું ગુજરાતી સમજતો હતો. કારણકે એનો જન્મ જ મસુરીમાં થયો હતો અને પહેલથી સીબીએસસીની પ્રાઈવેટ શાળામાં ભણેલો એટલે બધા જ શ્રીમંત બાળકો સાથે રહીને ખાનપાન ના લક્ષણો પર શહેરી જ હતા.
“બેટા ત્યાં તો પીઝાનો બાપ મળે બાપ!! એ ય ને રોટલો હોય બાજરાનો ઉપર હોય માખણ અને લીલી ચટણી અને તાજું દૂધ તને જોજે ને વિલેજમાં ખુબ જ મજા પડી જવાની” અંજલી આદિત્યને કહેતી હતી. આદિત્યની બહેન નિશા કે જે હજુ છ વરસની હતી એ બધું સાંભળતી હતી. અમદાવાદ આવવાને હજુ ચારેક કલાકની વાર હતી. અનિકેતને રોમાંચ થઇ રહ્યો હતો. જુના મિત્રોને મળાશે. બધાના ચહેરા હજુ પણ યાદ હતા.. રમલો , કનુડો , સલીમ , દેવલો , ભીખલો અને પોતાના કરતા પાંચેક વરસ મોટો બટકો!! ગામમાં બધા એને બટુક મહારાજ કહેતાં!! બટુક મહારાજનું નામ આવતાં અનિકેતને આખો ભૂતકાળ યાદ આવી ગયો.પોતે સોળ વરસ પહેલાની જીંદગીમાં ચાલ્યો ગયો!! બટુક મહારાજનો આખો ફ્લેશબેક એની નજર સામે તરવરી વર્યો.
મોહન મહારાજના બે દીકરા ચીમન મહારાજ અને કનુ મહારાજ. બે ય ખેપાની અને ઉસ્તાદ જબરા હતા. મોહન મહારાજના એક નાના ભાઈ હતા ગીરધર મહારાજ. બટુક મહારાજને નાનો મુકીને ગીરધર મહારાજ અને એની પત્ની શારદા દેવી અનંત યાત્રાએ ઉપડી ગયા હતા. ગામે બટુક મહારાજને સાચવવાની જવાબદારી ઉપાડી લીધી .અને એ જમાનો પણ એવો જ હતો કે સાધુ અભ્યાગત કે બ્રાહ્મણનું ગામમાં માન પાન અને ચલણ પૂરેપૂરું હતું. ભાવનગરના મહારાજ સાહેબે ગામના સાધુઓના નિભાવ માટે ગામ ગામ શિવ મંદિરો તો બંધાવેલા પણ સાથોસાથ નિભાવ માટે સારી એવી જમીન પણ આપેલી જેથી ભવિષ્યમાં કદાચ લોકો મંદિરે ના આવે તો મહેનત કરીને સાધુઓના સંતાનો પોતાનો પેટનો ખાડો પૂરો કરી શકે. ચાલીશ વીઘા જમીન ગીરધર મહારાજના નામે હતી અને ચાલીશ વીઘા જમીન મોહન મહારાજના નામે હતી. મોહન મહારાજને ભક્તિની સાથે સાથે બાવન પતાનો રંગ પણ જામેલો. ગામ કહેતું કે દસ જ વરસમાં મોહન મહારાજ ગંજી પતામાં ચાલીશ વીઘા જમીન હારી ગયેલા. હવે જમીન ફક્ત ગિરધર મહારાજ પાસે જ વધી હતી અને બટુક એનો સીધો વારસદાર હતો. ગામના એક પટેલ જમીન વાવે અને બટુકને વરસે પૈસા આપી દે !! એ પૈસા પણ ધાક ધમકીથી મોહન મહારાજ લઇ લે.. જમીન પર ડોળો ખરો પણ બટુક મોટો થાય એને ખાતે જમીન ચડે પછી કાંઇક થાય એવી મોહન મહારાજને હૈયે ધરપત !!બટુક હવે મોટો થવા માંડ્યો હતો. મોહન મહારાજના ચીમન અને કનું બેય ને નિશાળે બેસાડ્યા પણ બટુકના ભાગમાં આઠ બકરીઓ આવેલી. બધા નિશાળે જાય અને બટુક બકરીઓ લઈને રોડની પેલી બાજુ આવેલ રોણીયા ડુંગર પર ચરાવવા જાય. જો ના પાડે તો મોહન મહારાજ એક સોટી નાંખે પીઠ પર એટલે બટુક સીધો દોર.. અનિકેત ઘણી વખત આવા દ્રશ્યો જોઈ ચુક્યો હતો . ઘણી વાર બટુક બપોરનો ભૂખ્યો હોય રામજીમંદિર ના ઓટલે સુતો હોય અને અનિકેતની મમ્મી એને ઘરે બોલાવીને ખવડાવી દે એ પણ અનિકેતે જોયેલું. ગામની ઘણી સ્ત્રીઓને બટુક મહારાજનું દાજે એટલે છાની છાની મદદ કરી આવે!! કારણ કે જો મોહન મહારાજની ઘરવાળી હંસા માતાને વાત ની ખબર પડી કે બટુક ને કોઈએ ખાવાનું આપ્યું છે ને તો એનો હાથ એક નો જીભડો શરુ થઇ જતો.
“એ ખોળે બેસાડી લ્યો ખોળે!!! એ સારીનું થઇ જાવ સારીનું!!! એય અમને ભૂંડા લગાડો ભૂંડા!! અમારા દેરના છોકરાને જાણે અમે નહિ સાચવતા હોઈએ એમ નભાયું છાને ખૂણે બટકા ના મોઢાં માં મોહન થાળના બટકા મૂકી જાય છે!! આ હંસા માડી છે!! કાનો મને પંડયમાં આવે છે પંડયમાં!! તમારી બધી ભેશું અને ગાયો જો દૂધ દેતી બંધ નો થાય તો મારું નામ હંસા માડી નહિ હંસા!! કાનો મને પંડયમાં આવે છે પંડયમાં!!” હંસા ઊંચા સાદે બોલીને ગામ ગજવતી અને ગામની બધી જ સ્ત્રીઓ એનાથી બીતી પણ ખરી અને નવાઈની વાત તો એ હતી ગામમાં બધાના પંડયમાં કોઈને કોઈ માતાજી આવતા પણ હંસા માતા ના પંડયમાં તો કૃષ્ણ ભગવાન આવતા એમ એ કહેતાં.. એને કાનો પંડયમાં આવતો એમ ગામ પણ માનતું!!!
મોહન મહારાજે પોતાના બેય દીકરાને પરણાવ્યા. બેય ભાઈના લગ્નમાં બટુક પંદર દિવસ કામ કરી કરીને તૂટી ગયો. પણ એકેય જોડ સારી કપડાની લઇ દીધેલી નહિ. આ વખતે ગામના જુવાનીયા રીસાણા. એકે તો કહી દીધું કે હંસા માંથી ફાટીને નથી બીવાનું એના પંડયમાં કાનો આવે કે બલરામ!! કાલ સવારે જાનમાં બટુકને નવા કપડા જોઈએ તો જ ગામ આખું જાનમાં જાશે બાકી બસુ ભલે ખાલી જાય ગામમાંથી જો કોઈ પણ જાનની બસમાં બેઠો તો ટાંગો ભાંગી નાંખવાનો છે ટાંગો!! વહેલી સવારે જાન ઉઘલી!! ગામમાંથી કોઈ નહિ!! નહિ ગામની બાયું કે નહિ ગામના ભાયું!! આ બધું બટુકના કારણે થાય છે એમ મહેમાન ને પણ ખબર પડી!! અને થયો ફજેતો.. બેય ભાઈ ના લગ્નના સિવડાવેલ કપડામાંથી એક એક જોડ બટુકને આપી. અતરની શીશી પણ બટુકને આપી અને બટુક નાહી ધોહીને બસમાં ચડ્યો કે બસ પણ ઝગારા મારવા લાગેલી. બસ પછી તો અનિકેત બાજુમાં આવેલ સંસ્થામાં ભણવા જવા લાગેલ . અનિકેત નિશાળે જતો હોય ત્યારે બટુક રોણીયા પર ચડીને બકરાં અને ગાયો ચારતો હોય . હવે મોહન મહારાજના છોકરાઓ ગાયો પણ રાખતા હતાં. અનિકેત નવમાં ધોરણમાં હતો ત્યારે ગામે બટુકને પરણાવ્યો હતો. બાઈ મળી હતી સાજા ગાંડા જેવી .. થોડા આંટા ઓછા હતા એવું ગામ લોકો કહેતા!! વળી આખો દિવસ ભગવાનની મૂર્તિ આગળ બેસી રહે મન થાય તો કામ કરે જો કરવા માંડે કામ તો સવારમાંથી જ શેરી અને ઘર વાળી નાંખે અને કપડા પણ ધોઈ નાંખે પણ જો છટક્યું તો એ સાંજ સુધી ભગવાનની આગળ બેસીને સ્મરણ કરવા લાગે.પણ બટુક એની પત્ની વિમળાને કશું જ ના કહે એ જે કહે એમ કરવા દે!! બટુક હવે પોતાના બાપાનાં મકાનમાં એકલો રહેવા લાગ્યો હતો .અત્યાર સુધી એ મકાન પણ એના બને ભાયું વાપરતા હતા. બકરા ચારવાનું મુકીને બટુક હીરામાં ચોંટી ગયો હતો. અનિકેત અગિયારમાં ધોરણમાં હતો ત્યારે બટુકને ત્યાં જોડિયા બાળકનો જન્મ થયો હતો. એમની પત્નીની માનસિક સ્થિતિ સુધરતી જતી હતી. પણ તોય એની પત્ની વિમલા કલાકો સુધી મંદિરમાં ભગવાનની સામે બેસી જતી!! એમ એણે સંભાળ્યું હતું..!! બસ પછી તો એ ૧૨ સાયંસ પાસ કરીને ડીગ્રી કરવા જતા રહેલો ગામના કે બટુકના ખાસ સમાચાર એને મળ્યા નહોતા પણ એક વખત એના મામાની દીકરીના લગ્ન પ્રસંગે એ ભાવનગર એમના ભાઈઓ પાસે આવેલો ફક્ત એક જ દિવસ ત્યારે એણે સમાચાર સાંભળેલા!!
બટુકના બે ભાઈઓ અને ગામના એક હીરાના વેપારી સાથે એક મોટું કારખાનું કરવાનું નક્કી કર્યું. બટુકને પણ સમજાવ્યો કે આ ચાલીશ વીઘા જમીન છે એ જો બેંકમાં જામીન પર મૂકી દઈએ ને તો બેંક કોથળા મોઢે પૈસા આપે. અને ગામમાં એક મોટું કારખાનું થાય. આપણા ચારેયનો ભાગ.. તું મેનેજર એટલે તને મેનેજરનો પગાર પણ આપવાનો. બટુક માની ગયો. અને બે ત્રણ વાર બેંકમાં જઈ પણ આવ્યા. લોન પણ આવી ગઈ. ગામની બહાર એક જગ્યા હતી ત્યાં પાયા પણ ખોદવાના નક્કી કર્યા . બટુકના હાથે ભૂમિ પૂજન પણ થયું અને અઠવાડિયા પછી શું થયું એ ખબર ના પડી .પેલો હીરાનો વેપારી બધાજ પૈસા લઈને ભાગી ગયો .એમ મોહન મહારાજ કહેતા!! મોહન મહારાજ ના બેય દીકરા સુરત ગયા એને ગોતવા તે એ ય ત્યાં રોકાઈ ગયા. મોહન મહારાજે બેય દીકરાની વહુને પણ ત્યાં સુરત મોકલી દીધી. અને પોતે પણ વહ્યા ગયા અને રોતા રોતા કહેતા ગયા કે આ બધું બટુક સાચવશે!! આ મકાન આ મંદિર અને આ બેય ઘર!! પણ પછી થોડા જ દિવસ માં ખબર પડી કે જમીન બેંકમાં ગીરવે નથી મૂકી પણ બારોબાર વેચાઈ ગઈ છે.. એના રૂપિયા લઈને જ આ ત્રણેય બુચ મારું ભાગી ગયા છે .. બટુકના ભાગ્યમાં મંદિર પણ ના રહ્યું.. એક દૂર વગડામાં વસતા આત્મારામને મંદિર અને બેય મકાન એંશી હજારમાં મોહન મહારાજે વેચી નાખેલું!! એટલે જ બાપ અને બેય દીકરો ગામમાંથી છટકીને સુરત જતા રહેલા.. બટુકની બૈરી વિમળા મંદિર આગળ જ બેસી રહે!! આંખમાંથી આંસુ પડે.. બટુકના બેય છોકરા આજુબાજુના ઘર વાળા જમાડીને પોતાની પાસે ઉછેરવા લાગ્યા. છેલ્લે ગામે આત્મારામને સમજાવ્યા અને થોડા ઘણા રૂપિયા આપીને મંદિરની સેવા પૂજા બટુકને અપાવી દીધેલી અને બટુક પાછો હીરા માં જવા લાગ્યો!! બસ આટલી જ ખબર અનિકેતને હતી. બસ પછી બાર વરસ જેવો સમય ગાળો વીતી ગયો!! બટુક મહારાજના ના કોઈ જ સમાચાર અનિકેતને મળ્યા જ નહોતા!!!

રેલવે સ્ટેશન પર દેવચંદ ભાઈ કાર લઈને આવ્યા હતા. અનિકેત અને અંજલિ પાપાને પગે લાગ્યા અને બેય ખંભે દેવચંદભાઈ બેય બાળકોને બેસાડી દીધા અને વ્હાલ કર્યું. કાર લઈને દેવચંદભાઈ મોડી રાતે ઘરે પહોંચ્યા. વરસો પછી અનિકેત આવ્યો હતો. એની પત્ની અંજલીને પણ બધા ઘેરી વળ્યા હતા. નાના બે ય ટાબરિયા પણ ગામડું જોઇને ખુશ થઇ ગયા હતા!! એમાય બેય ટાબરિયા તો ગમાણ પાસે જઈને બોલતા હતા!!
“લુક ડેડ એન્ડ મોમ!! સો નાઈસ વ્હાઈટ વ્હાઈટ કાઉ એન્ડ સો મચ બીગ બ્લેક બ્લેક બફેલો!! મોમ રીયલી હ્યુજ બફેલો પ્લીઝ સી ઇટ મોમ પ્લીઝ”!! બધા હસી હસીને બેવડ વળી ગયા મોડી રાત સુધી વાતો કરીને બધા સુઈ ગયા!!

બીજે દિવસે અનિકેત એના પાપા સાથે જ્યાં કાર્યક્રમ હતો ત્યાં ગયો.આમંત્રિત મહેમાનો માટે ખુરશી ગોઠવાયેલ હતી. ત્યાં સહુ બેઠા.. ગામમાંથી ગયેલા અને સારું કમાયેલા લોકો આવતા હતા એક બીજા સાથે મળતા હતા અને ધંધાની અને બાળપણની વાતો કરતા હતા અને કાર્યક્રમ શરુ થયો!!
એનાઉન્સરે બોલવાનું શરુ કર્યું!!

“ગામના આગેવાનો અને બહારગામથી પધારેલા આજ ગામના વતની એવા “વતન ના રતન” જેઓએ અપાર સમૃદ્ધિ મેળવી છે એવા તમામ લોકો,, જો હું એ લોકોને નામ બોલવા બેસીશ તો વધારે સમય થઇ જશે.. આ તબ્બકે વીસ લાખ જેટલું દાન આવી ગયું છે. હવે શાળાનું નામકરણ કરવા માટેની બોલી બોલવામાં આવશે. જેની બોલી ઉંચી હશે એના નામથી શાળા ઓળખાશે!! તો શ્રેષ્ઠીઓ શરુ કરો બોલી અને ઉદાર હાથે દાન માટે શિક્ષણ માટે ગામ માટે તમારી સંપતિને રમતી મુકો યાદ રહે નાણું મળશે પણ આવું ટાણું નહિ મળે તો શરૂઆત કરીએ..

પાંચ લાખ એકાવન હજાર પરશોતમ ત્રિકમ!! વાહ ભામાશા વાહ!!

છ લાખ એકાવન હજાર નાનજી કરમશી કે જે સુરતમાં એન કે ના નામથી ઓળખાય છે!!

આમને આમ નામકરણ માટેનો ફાળો દસ લાખ સુધી પહોંચ્યો..હવે કોઈ બોલે એમ લાગતું નહોતું ત્યાં છેલ્લેથી એક ચિઠ્ઠી આવી અને ઉદઘોષક ગેલમાં આવી ગયો અને બોલ્યો!!

“બાર લાખ એકાવન હજાર બટુકભાઈ ગીરધરભાઈ”!! અને અનિકેત ચમક્યો એણે પાછળ વળીને જોયું તો સુટ અને બુટમાં હાથમાં કાળા ગોગલ્સ લઈને એક ખુરશી પર પગ પર પગ ચડાવીને બટુકને બેઠેલો જોયો.અનિકેત તરત જ ઉભો થયો અને જઈને બટુકને ભેટી પડ્યો. બટુક પણ અનિકેતને ઓળખી ગયો હતો!! બટુકના સાવ ઠાઠ માઠ બદલાઈ ગયા હતા.
“નવાઈ લાગે છે ને આ ફંકશન પૂરું થાય ત્યારે એ રોણીયા ડુંગરે બેસવું છે.. હું મુંબઈ રહું છું હજુ કાલે જ આવ્યો છું.” સાંજે નીકળી જવાનો છું!! કહીને બટુકે ખિસ્સામાંથી એપલ ગોલ્ડ પ્લેટેડ ફોન કાઢ્યો અને વાત કરવા લાગ્યો.!!

નામકરણનો કાર્યક્રમ પૂરો થયો. બટુકે કેશ પૈસા ચૂકવી દીધા.પછી અનિકેતને લઈને રોણીયા ડુંગર તરફ ચાલી નીકળ્યો. ડુંગર પર જ્યાં બકરા ચરાવતો હતો અને જ્યાં એ બેસતો હતો એ પથ્થર પર બેસીને બટુક બોલ્યો!!

“ મારી જમીન વેચીને મારા મોટાબાપાના બને દીકરા અને એની બેય બાયું અને મોટાબાપા બધાય સુરત જતા રહેલા મારા બેય દીકરા ત્યારે તો નાના અને મા વીમુ સાજા ગાંડા જેવી એટલી વાતની તો તને ખબર જ છે ને એ ખાધા વિનાની મંદિર આગળ બેસી રહે ..આંસુડા પાડ્યે રાખે.. છોકરાઓને ગામવાળા જમાડે. ક્યારેક વિમુને સારું હોય તો રાંધી દે બાકી રોય કરે.. એક મહિના પછી જે એક ભાગી ગયો હતો એ પાછો આવ્યો એ ગામનો પટેલ.. એણે આવીને જમીનના પૈસા મારા ખોળામાં મુકીને કીધું કે બટુક બાપા માફ કરો..રાતે ઊંઘ નથી આવતી..વિમુમાં મારા સપનામાં આવે છે..એના આંસુડા હું જોઈ શકતો નથી!! આ સાચ વાળી વિમુમાતા ની હાય લાગી ગઈ છે!! એમાંથી બચાવો. વીમુ ત્યારે ત્યાં આવી અને પેલા પૈસા લઇ લીધા અને બોલી કે હું સાધુની દીકરી!! હજુ હું પેલા બે ય ને મુકીશ નહિ એટલું યાદ રાખજો!! એને કહેજો કે મફતની મેળવેલી રકમ તમે સાધુના દીકરા છો તોય નહિ પછે જેમ વહેલા સર અમને આપી દ્યો એમાં જ તમારી ભલાઈ છે!! છ માસ માં મારા મોટાબાપાના બેય દીકરા બધું જ આપી ગયા!! વીમુ હવે સાવ સાજી થઇ ગઈ હતી!! અને વિમુએ મને કીધું કે હાલો હવે આ ગામમાં નથી રહેવું આપણે જ્યાં નસીબ લઇ જાય ત્યાં જઈશું!! નક્કી એવું કરેલું કે રેલવે સ્ટેશનેથી જે ગાડી પેલી મળે એમાં બેસી જવું!! મારી પત્નીમાં કશુક તો શક્તિ કે સામર્થ્ય હતું એનો મને અંદાજ આવી ગયો હતો!!” થોડુક રોકાઈને બટુકે આગળ વાત ચલાવી.
બઈની ગાડી ઉપડતી હતી અને અમે ચારેય એમાં બેસી ગયા. જમીનના પૈસા સારા એવા હતા. એ એક ટ્રંકમાં નાંખી દીધા હતા. બાકી ઘરને તાળા મારીને નીકળી ગયા હતા આવ્યા મુંબઈ!! એક રૂમ રાખી છોકરાને નિશાળે બેસાડ્યા!! અને બોરીવલીમાં રહેવાનું શરુ કર્યું. મારે કામ સારું થતું હતું.. દર શનિવારે રજા રહેતી હું વીમુ સાથે મુંબઈ ફરવા જતો હતો બે મહિના પછી કાંદિવલી આગળ એક ખુલ્લી જગ્યા જોઇને વીમુ બોલી!!

“ અહિયાં પ્લોટ મળે તો રાખી લે જો!! આપણી પાસે પૈસા તો છે એટલામાં આવી જશે. વિમુની સામું હું દલીલ ના કરતો.એક નાનકડો પ્લોટ મેં રાખી લીધો એ જગ્યા ત્યારે સાવ વિરાન હતી.જેનું મગજ ઠેકાણે હોય એવી કોઈ પણ વ્યક્તિ ત્યાં રોકાણ ના કરે!! પ્લોટ રાખ્યાને દસ જ મહિનામાં ત્યાં એવા ભાવ ઉંચકાયા કે એ રોડ ટચ પ્લોટના અધધધ પૈસા આવ્યા. બસ પછી તો વીમુ જ્યાં કહે એ જગ્યા રાખી લેવાની અને એકાદ વરસમાં તો એ જગ્યાના ભાવ ખુબ જ વધી જતા!! વિમુમાં આવી કઈ શક્તિ હતી એ તો મને ખબર નહોતી પણ બસ ભાગ્ય ચક્ર ફરવાનું હોયને ત્યારે આવી શક્તિઓ જ તમને મદદ કરતી હોય છે!! બસ પછી તો હું ગામમાં ક્યારેય આવ્યો નથી. મારા બેય છોકરા ભણ્યા અને પરણ્યા પણ ખરા!! સગપણ પણ વિમુએ જ ગોતી લીધા. બસ બે ય છોકરાઓ અત્યારે જમીનની લે વેચ કરે છે!! મુંબઈ ગયો એને પંદર વરસ થયા છે!! પણ સારું એવું કમાયા છીએ!! કોઈનો આશરો નહોતો ત્યારે આ ગામે મને અને મારા સંતાનોને ખવરાવ્યું છે એટલે એનું ઋણ ચુકવવા આજે હું આવ્યો છું”
“અને વિમુબેન કેમ ના આવ્યા” અનિકેતે પૂછ્યું.
“એનું ગયા વરસે અવસાન થયું..કોઈ જ બીમારી નહોતી.. એના છેલ્લા શબ્દો હતા કે ભગત આપણા બે ય છોકરાને કોઈ વાતે ટોકતા નહિ.. એની રીતે એને જમીનનો ધંધો કરવા દેજો!! તમારી સાત પેઢી સુધી નહિ ખૂટે એટલી સંપતી થાશે પણ હા અનીતિ કે કોઈને ધમકાવીને મેળવેલું નાણું જો આ ઘરમાં આવી જશે તો પછી ખાવાનાય સાંસા પડશે!! આટલું કહીને એણે દેહ છોડી દીધેલ.!! પણ અનિકેત વીમુ એ એક અલગ સ્ત્રી હતી એ નક્કી!! એક એવી સ્ત્રી કે જેણે સપનામાં પણ કોઈ દિવસ કોઈનું ખરાબ નહિ વિચારેલું!! અત્યારે આ મારી બધી જાહોજલાલીનું કારણ એ જ છે!! તમારા ઘરમાં કોઈ સારા પગલાની સ્ત્રી આવે ને તો તમારી સાત પેઢીનું દાળદાર બહાર કાઢી નાંખે એ ચોક્કસ છે!!”કહીને બટુક મહારાજે વાત પૂરી કરી!!
છ માસ પછી નિશાળ તૈયાર થઇ ગઈ મેઈન ગેઇટ પર આ મુજબ લખાયેલ હતું.
“સ્વ વિમળાબેન બટુકભાઈ મારાજ હાઈ સ્કુલ”
જયારે તમારું ભાગ્ય કે કિસ્મત ખુલવાના હોય છે ત્યારે કોઈ અગમ્ય શક્તિઓ તમારા માટે કામ કરતી હોય છે બટુક મહારાજના કીસ્સામાં આ ઉક્તિ સાચી પડી હતી.

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨ . “હાશ” શિવમ પાર્ક સોસાયટી,સ્ટેશન રોડ,મુ.પો ઢસાગામ તા.ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks