કૌશલ બારડ ખબર

વરસાદ નહોતો ત્યારે દેડકા દેડકીના લગ્ન કરાવ્યા, હવે વરસાદથી કંટાળી એમના છૂટાછેડા

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતનાં કેટલાંય રાજ્યોમાં અતિવૃષ્ટિનો માહોલ છવાયેલો છે. મધ્યપ્રદેશની હાલત પણ એવી જ કંઈક છે. પ્રદેશની રાજધાની ભોપાલમાં તો વરસાદે અગાઉના તમામ રેકોર્ડને જાણે ધરાશાયી જ કરી દીધા છે. અનેક દિવસોથી અહીં લગાતાર મૂશળધાર-સાંબેલાધાર વરસાદની ઝડી ચાલુ છે.

Image Source

ભયજનક ભોપાલ —

ભોપાલના નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યાં છે. ભોપાલની જીવાદોરી સમાન કોલાર ડેમમાં પાણીની સપાટી ભયજનક બનતા પાણી છોડવામાં આવી રહ્યું છે. આજુબાજુના અનેક વિસ્તારોને સ્થાનિક પ્રશાસન દ્વારા ખાલી કરાવવામાં આવી રહ્યા છે. લોકોને દિવસભર ઘરમાં જ રહીને હાલાકીઓનો સામનો કરવો પડે છે. ભોપાલ પર મેઘરાજા રહેમદીલ તો બન્યા પણ હવે રહેમ પાછી જ નથી લેતા! જૂન મહિને ચોમાસું બેઠું એ પછી અત્યાર સુધીમાં ભોપાલમાં ૬૧ ઇંચથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે! જે એક રેકોર્ડ છે.

Image Source

પહેલાં લગ્ન, હવે છૂટાછેડા! —

ઉલ્લેખનીય છે, કે જુલાઇ મહિનો અડધો પસાર થઈ ગયો છતાં પણ વરસાદ ન પડતા સ્થાનિક સામાજિક સંસ્થા ઓમ શિવ શક્તિ સેવા મંડલે ૧૯ જુલાઇના રોજ પૂરાં વિધી-વિધાન સાથે દેડકા-દેડકીના વિવાહ કરાવ્યા હતા. મેઘરાજાને રીઝવવા માટે આ વિવાહ કરવામાં આવેલા.

અને પછી મેઘરાજાએ મહેર કરી; કરી તો ખરી પણ ‘કહેર’ થઈ જાય ત્યાં સુધી કરી! આજે ભોપાલ મેઘરાજાને હવે ખમૈયા કરવા વિનંતી કરી રહ્યું છે. અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ ને ગળાડૂબ પાણી ભરાયાં છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે સ્થળાંતર કરાવવું પડ્યું છે. લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠીને હવે વિચિત્ર કહી શકાય એવા ટોટકા પણ અજમાવી રહ્યા છે.

Image Source

પર્જન્યદેવ વિરામ લે એ આશામાં હવે પહેલા કરાવેલા દેડકા-દેકડીનાં લગ્નને હવે છૂટાછેડા આપવામાં આવ્યા છે! માટીની બનાવેલી દેડકા-દેડકીની પ્રતિમાઓને સામાજિક સંસ્થા દ્વારા મંદિરમાં પૂરા વિધી-વિધાન સાથે પૂજા કરી વિસર્જિત કરી દેવામાં આવી છે.

આમ કરવાથી લોકોને આશા છે, કે મેઘરાજા વિરામ લે છે. ઉપરવાળા પાસે માનવીનું બીજું ગજું પણ શું છે?!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.