દેશભરમાં અકસ્માતની ઘટનાઓ બને છે, જેમાં કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે, હાલ એક અકસ્માતની ઘટના સુરતના વાલક પાટિયા પાસે બની છે, જેમાં એક 5 વર્ષના માસુમ બાળકનો જીવ ચાલ્યો ગયો છે.
કામરેજના ફાર્મ હાઉસ ઉપરથી જન્મ દિવસની ઉજવણી કરી અને વરાછાનો નાકરાણી પરિવાર ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન જ રસ્તામાં ડિવાઈડર સાથે કાર અથડાતા પલ્ટી મારી ગઈ હતી, જેના કારણે કારનો દરવાજો ખુલી જવાના કારણે 5 વર્ષના માસુમ દીકરો ફંગોળાઈને ડિવાઈડર સાથે અથડાતા મોતને ભેટ્યો હતો.
આ બાબતે દિવ્ય ભાસ્કર ટીમને સરથાણા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભંડારીયા ગામના વતની ભરતભાઈ પ્રવિણભાઈ નાકરાણી વરાછા રોડ પર સરિતા દર્શન સોસાયટીમાં રહે છે. ભરતભાઇ એમ્બ્રોયડરીનું કામ કરે છે.
તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની દ્રષ્ટીબેન અને પાંચ વર્ષીય પુત્ર ઇવાન છે. 2જી જૂનના દિવસે બુધવારે ઇવાનનો જન્મદિવસ હોવાથી નાકરાણી પરિવાર કામરેજમાં ગાય ગલા ખાતે આવેલા ફાર્મહાઉસમાં ઉજવણી કરવા ગયા હતા.
નાકરાણી પરિવાર રાત્રે પણ કામરેજના ફાર્મહાઉસમાં જ રોકાયો હતો. જેના બાદ ગુરુવારે સવારે ત્યાંથી કારમાં બેસીને પરિવાર સુરત પરત ફરી રહ્યું હતું. કારમાં ભરતભાઈ ઉપરાંત તેમની પત્ની, ભત્રીજી, દીકરો ઇવાન અને મિત્ર મંથન વિઠ્ઠલ ઠુમ્મર હતો.
કાર મંથન ચલાવતો હતો. કામરેજમાં રેસ્ટોરન્ટમાં જમીને તેઓ ઘર તરફ આવતા હતા ત્યારે વાલક પાટિયા પાસે બપોરે સાડા બાર વાગે મંથને કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
જેના બાદ ડિવાઈડર સાથે અથડાતા કાર બીજી સાઈડે એક વખત પલટી મારીને ફરીથી સીધી થઈને ઉભી રહી ગઈ હતી. તે વખતે કારનો દરવાજો ખુલી જતા ઇવાન કારની બહાર ફંગોળાઈને ડિવાઈડર પર ફેંકાયો હતો. તેથી માથાના ભાગે,મોઢાના ભાગે, દાઢી,હાથ-પગના ભાગે ઇજા થઈ હતી. તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કારમાં બેસેલા અન્ય લોકોને સામાન્ય ઇજા થઈ હતી. ભરતભાઈએ મંથન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
(સાભાર: દિવ્ય ભાસ્કર)