અમદાવાદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા 2 આરોપીની ધરપકડ, અન્ય 3 ફરાર

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નુકસાન પહોંચાડવાના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ગેંગના બે સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડો.આંબેડકરની મૂર્તિને પથ્થર મારનાર આરોપી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે.

મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ

માધુપુરામાં વર્ષો પહેલાં ઠાકોર અને નાડિયા સમાજ વચ્ચે થયેલી જૂથ અથડામણનો વિકૃત બદલો લેવા માટે આ આ કૃત્ય કરાયું હોવાની પ્રતિમા ખંડિત કરનારા યુવકે કેફિયત રજૂ કરી છે. આ પ્રકરણની તપાસ માટે શહેર પોલીસની 20 ટીમ કામે લાગી હતી અને એક હજાર સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર એસ. જે. જાડેજા અને ઇમરાન ઘાસુરાની ટીમે આરોપીઓને અસલાલીથી ઝડપી લીધા છે. ખોખરામાં સોમવારે સવારે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત જોવા મળી હતી. તેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. વિરોધ પ્રદર્શન શરૂ થવાની સાથે સ્થાનિક રહીશોએ જ્યાં સુધી આ કૃત્ય કરનાર આરોપીઓ ઝડપાય નહિ ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

શા માટે મૂર્તિ ખંડિત કરી?

પ્રાથમિક પૂછપરછમાં તેમણે એવી કબૂલાત કરી હતી કે તેઓ એક એક્ટિવા અને એક બર્ગમેન પર પાંચ જણા ખોખરા ગયા હતા. ત્યાં ભોલા અને મેહુલે પથ્થર વડે આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હતી અને પાંચેય જણા ભાગી ગયા હતા. મેહુલ અને ભોલા એક્ટિવા પર હતા જ્યારે મુકેશ, ચેતન અને જયેશ બર્ગમેન પર હતા. આ કૃત્ય કરવાનું કારણ જણાવતાં ભોલા અને મેહુલે કબૂલાત કરી હતી કે 2018માં માધુપુરામાં ઠાકોર અને નાડિયા સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં જયેશ પણ આરોપી હતો. તેઓ રવિવારે રાત્રે ચાની કીટલી પર ભેગા થયા હતા અને ત્યાંથી વાહનો પર ખોખરા લટાર મારવા નીકળ્યા ત્યારે આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હતી. તેમણે 2018ની અથડામણનો બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી. જો કે આ વાત માનવામાં આવે તેમ નથી. ક્રાઇમ બ્રાંચે આરોપીઓને ખોખરા પોલીસને સોંપવાની કવાયત હાથ ધરી છે.

Twinkle