જ્યારે એક કલેક્ટરને લોકોએ તેના બાપના નામ વધાવ્યા અને સર્જાયો અદ્ભુત નજારો! વાંચો સત્યઘટના

0

થોડા વર્ષો પહેલાં એક રાતે વેરાવળ તાલુકામાં લોકડાયરાનો એક કાર્યક્રમ યોજાયેલો. ઘણું માણસ ભેગું થયું હતું. ભીખુદાન ગઢવી જેવા સોરઠના માનવીને ભાવતા લોકસાહિત્યકારની રજૂઆત થવાની હોય ત્યાં માણસ તો ઝાઝું થાય જ. કાર્યક્રમ જામ્યો હતો અને ભજનીકો-લોકગાયકોની વાણી માણવા લોકમેદની આંખો સ્થિર કરી રહી હતી.સ્ટેજ પર ભીખુદાન ગઢવી રજૂઆત કરી રહ્યા હતા. એ વખતે ક્લેક્ટર શ્રીરાજેન્દ્ર ગઢવી કાર્યક્રમમાં આવ્યા. ભીખુદાન ગઢવીએ જાહેરાત કરી કે, કલેક્ટર સાહેબ રાજેન્દ્રભાઈ આપણી વચ્ચે આવ્યા છે. લોકોએ તાળીઓ પાડી પણ એ તાળીઓમાં દમ નહોતો. સામાન્ય લોકો મોટા સરકારી અધિકારોને માન આપે છે પણ એ મોટું મન રાખીને નહી, આપવા ખાતર! એની પાછળ કદાચ કારણ લોકોની એ પ્રકારની મોનોપોલી પણ હોય કે, આપણે શું? અલબત્ત, જે હોય તે પણ ઘણી વાર આ બાબત સાચી સાબિત થાય છે અથવા તો કહો કે આમ જ થતું હોય છે.
આ કાર્યક્રમમાં પણ એમ જ બન્યું. પણ બાદમાં ભીખુદાનભાઈ ગઢવીએ અલગથી કહ્યું કે, “સ્વર્ગસ્થ શ્રીહેમુ ગઢવીના પુત્ર એવા રાજેન્દ્રભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે!”…અને લોકોએ જે સાચાં હ્રદયના ઉમળકાથી તાળીઓ પાડી…જે તાળીઓ પાડીને હેમુ ગઢવીના દિકરા તરીકે રાજેન્દ્ર ગઢવીને આવકાર આપ્યો….આ વખતની તાળીઓ ખરા હ્રદયની હતી. ગુજરાતના સદાબહાર પણ કટાણે વિરમી ગયેલા ગહેકતા કંઠ એવા હેમુ ગઢવીની લોકો પર હજુ પણ કેવી છાપ છે એ બાબત આ ઉમળકા પરથી સિધ્ધ થતી હતી.

જનતાનું હ્રદય લોકકલાકારો કેવી રીતના અને કેટલાં પ્રમાણમાં જીતી શકે છે તેનો જીવતો દાખલો તે દિ’ જોવા મળ્યો. હેમુ ગઢવી પરનું લોકોનું હેત તેના દિકરાને આવકારવા કારગત બન્યું. ઘટના બહુ નાનકડી અને નજરમાં ના આવે તેવી હતી. પણ આ બનાવ ધારીને જોતા ઘણી બાબતો સાફ કરી જાય છે.પાંચાળની ભૂમિ પરના ઢાંકણીયા ગામે જન્મેલા હેમુ ગઢવીના કંઠ વિશે ગુજરાતીઓ આજે પણ પ્રશંસા ઉચ્ચારતા થાકતા નથી. આકાશવાણી રાજકોટની ઓળખ સમાન હેમુ ગઢવીએ સૌરાષ્ટ્રના ઘરે-ઘરે લોકગીતોની સરવાણીઓ ગુંજતી કરી હતી. એના કંઠ પર કંઈક સોરઠીઓ વારી ગયા હતાં. એ માણસ દરિયાના ગીતો ગાતો અને ખારવાઓ તેના પર ઓળઘોળ થઈ જતા, એ જ પ્રમાણે કાઠીઓ, ચારણો ને દરબારોથી માંડીને અઢારે વરણમાં હેમુભાઈ એટલા જ પ્રસિધ્ધ હતા. માત્ર સાડી ત્રણ દાયકાનું જીવન જીવી ગયેલ આ માણસ એટલો તો ખ્યાતનામ બની ગયો કે આજે પણ લોકો કહે છે કે, હેમુ જેવો કંઠ હવે થાવો નથી!
દુ:ખી પિયરની દિકરી દેશ-દેશાવર હશે, સંતાપ સાસરવાસના એ જીવનભર સહેતી હશે, વહુએ વગોવ્યાંની રેકડો જ્યાં રેડિયો પર વાગશે, એ વખત આ ગુજરાતને યાદ હેમુ આવશે!

[ હેમુભાઈને રાજેન્દ્ર ગઢવી ઉપરાંત ત્રણ પુત્રો છે – જીતુભાઈ ગઢવી, બિહારીભાઈ ગઢવી અને અનિલભાઈ ગઢવી. બિહારીભાઈની નામના ભજનિક અને લોકગીતોના ગાયક છે. ઉપરનો પ્રસંગ  પદ્મશ્રી ભીખુદાન ગઢવી ઘણીવાર સંસ્મરણો વાગોળતા કહે છે. ]

Author: Kaushal Barad

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here