ચાર દિવસ સુધી મેઘરાજાએ બોલાવેલી સટાસટી બાદ હવે વલસાડમાં સામે આવ્યા તબાહીના દ્રશ્યો, પુલ પર લટકી ગઇ જીપ

વલસાડમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા: નાના બ્રિજ પર જીપ અધવચ્ચે જ લટકી ગઈ!

મેઘરાજાએ છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાતને ઘમરોળી દીધુ છે. રવિવારના રોજ સાંજથી અમદાવાદને જળબંબાકાર કર્યા બાદ રાજકોટનો વારો લીધો હતો. રાજકોટને પણ મેધરાજાએ ઘણુ ઘમરોળ્યુ હતુ ત્યાં હવે વલસાડમાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. બુધવારના રોજ એટલે કે આજે તો વલસાડમાં વરસાદનું જોર ઘટ્યુ છે. ઉપરવાસ કપરાડા અને ધરમપુરમાં પણ મેઘરાજાએ થોડો વિરામ લીધો છે અને તેને કારણે વહી રહેલા નદી-નાળા શાંત થયા છે. (તસવીર સૌજન્ય : ન્યુઝ18 ગુજરાતી)

ભારે વરસાદ વખતે નદી નાળાઓ ઉપર લૉ લેવલ કોઝવે અને નાના પુલ પર ફરી વળેલા પાણી હવે ઉતરી રહ્યા છે. ત્યારે પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. કપરાડાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાં વાડી ગામના મધ્યમમાંથી ખાડીએ ચારેક દિવસ સુધી તેનું તોફાની રૂપ બતાવ્યુ હતુ, ત્યાં ખાડી પર બનાવવામાં આવેલ પુલ પર પણ પાણી ફરી વળ્યા હતા.જે બાદ પાણી ઓસરતાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. નાના પુલનું ધોવાણ થતા મોટો ભાગ ખાડીના પ્રવાહમાં ધોવાઈ ગયો.

એક જીપ ચાલકે બેદરકારી રીતે જીવને જોખમમાં મૂકી ખાડી પસાર કરવા પ્રયાસ કર્યો હતો અને આ દરિમયાન પાણીના વહેણની નીચે પુલ ધોવાઈ જવાને કારણે જીપ અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી.જો કે, ખાસ વાત તો એ રહી કે, જીપમાં સવાર ચાલક અને એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. વાહન વ્યવહાર અને લોકોની અવરજવર પુલ ધોવાઇ જતા બંધ થઇ છે. જો કે, બ્રિજ ધોવાઈ જવાને કારણે લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકી ખાડી નજીક વહેણમાંથી પસાર થવું પડે છે.

સ્થાનિક લોકોને વરસાદને કારણે હાલ ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે અને રોડ રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે. નાના પુલના ઉપરના પડને પાણીના ધસમસતા પ્રવાહે ધોઈ નાખ્યું, જેને પગલે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. એક સપ્તાહ જેટલી વરસાદની હેલીને કારણે વલસાડની ઔરંગા નદીના ઉપરવાસમાં બે દિવસ નદી ગાંડીતુર થઇ હતી અને ઘોડાપુર આવવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા.

Shah Jina