ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના મામલામાં ઘણો વધારો થયો છે. કેટલાક લોકો પ્રેમ સંબંધમાં તો કેટલાક આર્થિક તંગીને કારણે તો કેટલાક માનસિક કે શારીરિક ત્રાસ અથવા તો બીમારીથી કંટાળી આપઘાત કરી લેતા હોય છે. જોકે, છેલ્લા થોડા ઘણા સમયમાં સગીર બાળકો અને વિદ્યાર્થીઓ પણ માતા-પિતાની કોઇ વાતે ખોટુ લાગતા અથવા તો પરીક્ષામાં નાપાસ થવાને કારણે આપઘાત કરી લેતા હોય છે.
12 સાયન્સમાં નાપાસ થતા હતાશ થઇ યુવતી
ત્યારે હાલમાં વલસાડના પારડીમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. વલસાડના પારડીની પારનદી પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો. પારડીના વાઘછીયા ગામની યુવતીએ પાર નદીમાં ઝંપલાવ્યું હતુ. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતિના મૃતદેહને બહાર કઢવામાં આવ્યો હતો. જો કે, યુવતી દ્વારા નદીમાં છલાંગ લગાવ્યાની જાણ થતા જ આસપાસનાં લોકો પણ દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગ્રેડને જાણ કરી હતી.
તેમજ 108ને પણ જાણ કરતા તાત્કાલિક તે પણ ઘટના સ્થળે આવી હતી. હાલ તો પોલિસે યુવતીની લાશને પીએમ અર્થે મોકલી આપી છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઇકાલના રોજ જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયુ. ત્યારે મૃતક યુવતિ પરીક્ષામાં બીજી વખત નાપાસ થતા તેણે આ પગલું ભર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. યુવતિના પિતા શાકભાજી વેચે છે અને તેણે પિતાને પોતે નાપાસ થઈ હોવાની જાણ પણ કરી હતી.
જો કે, હતાશ પુત્રીનો ફોન આવતાં પિતા સ્થિતિ પારખી ગયા હતા અને તેમણે પુત્રીને આશ્વાસન પણ આપ્યું અને પોતાની પાસે ઘરે આવી જવા માટે જણાવ્યું. જો કે, દીકરીએ ફોન કટ કરી નાખતાં પિતા શાકભાજીની લારી છોડીને પત્ની સાથે પાર નદી પાસે આવી પહોંચ્યા હતા. પણ ત્યાં સુધીમાં યુવતિ નદીમાં ઝંપલાવી ચૂકી હતી.