વલસાડ : 17 વર્ષીય સગીરાને ગળા પર તીક્ષણ હથિયારના ઘા મારી ઉતારી દીધી મોતને ઘાટ, દીકરીઓના માં-બાપ ચેતી જજો

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી તો એકતરફી પ્રેમમાં સગીરા કે યુવતિની હત્યા કરવામાં આવતી હોવાના ઘણા બનાવો સામે આવે છે. ત્યારે સુરતમાં ગ્રીષ્માની હત્યા બાદ પણ હજુ પણ આવા કિસ્સાઓ બંધ થઈ રહ્યા નથી. હાલમાં વલસાડના ઉમરગામમાંથી એક સગીરાનું ગળુ કાપી તેને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો સામે આવ્યો છે, આ હત્યા પણ પ્રેમ પ્રકરણમાં થઇ હોવાનું સામે આવ્યુ છે. બાઈક પર સવાર ત્રણ યુવકો દ્વારા યુવતીને આંતરી રોકવામાં આવી અને પછી તેનું ગળું રહેંસી નાખી તેની હત્યા નિપજાવવામાં આવી હતી.

હાલ તો પોલીસે સીસીટીવીના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય આરોપી ફરાર છે, આ માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાની વિગત જોઇએ તો, વલસાડના ઉમરગામમાં રહેતી 17 વર્ષીય સગીરાની હત્યા એક તરફી પ્રેમમાં પાગલ પંકજ પાસવાન નામના યુવકે કરી હોવાનો ખુલાસો થયો છે. તે જ્યારે તેની બહેનપણીના ઘરે બુક લેવા ગઈ

ત્યારે પરત ફરતી વખતે તેની પાસે આરોપી પંકજ પાસવાન અને તેના બે મિત્રો પહોંચી ગયા અને ઝઘડો કરવા લાગ્યા. જે બાદ પંકજે ઉશ્કેરાઈને સગીરા પર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો. ઘટના અંગે બુમાબુમ થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને પંકજને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મોપેડ લઈને નાસી ગયો હતો. આ બાબતે સ્થાનિક લોકોએ ઉમરગામ પોલીસને જાણ કરી અને તે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી નાકાબંધી કરી ફરાર થયેલ પંકજને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા.

ધોળે દિવસે સગીરાની આ રીતે હત્યાના પગલે ચકચાર મચી જવા પામી છે. પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ કરી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી અને બે આરોપીઓની ધરપકડ કરી. જો કે, હજી પણ મુખ્ય આરોપી ફરાર છે. સગીરાના મોતને પગલે પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની જવા પામ્યુ હતુ.

Shah Jina