ભારતના દક્ષિણ છેડે સમુદ્રકાંઠે વિવેકાનંદ ખડક રહેલો છે એ વાત ઘણી પ્રખ્યાત છે. અહીં જનારાએ જોયું હશે કે હિંદ મહાસાગર ભણી નજર નાખતી એક વિશાળ પ્રતિમા પણ અહીં છે. પ્રતિમા એક સંતની છે. જેને તમિલનાડુનો પ્રત્યેક રહેવાસી ભાવથી માનથી જુએ છે. એ સંતનું નામ છે : તિરુવલ્લુવર.

વણકરને ઘરે જન્મેલા વલ્લુવર:
તિરુવલ્લુવરના સમયગાળા વિશે તો ઘણાં મતમતાંતર છે પણ સાર્વજનિક રીતે એવું માનીને ચાલવામાં આવે છે, કે તેઓ આશરે ૨૦૦૦ વર્ષ પહેલા થઈ ગયા. તેઓ એક ભક્તકવિ હતા. વલ્લુવર જન્મથી અને કર્મથી વણકર હતા. વણાટકામ સાથે જ તેમને પ્રભુભક્તિ આરંભી હતી. બ્રહ્મ અને આત્માનું અસાધારણ જ્ઞાન આ સંતમાં હતું. તેઓ માનતા કે, માણસને મોક્ષ મેળવવા માટે સંન્યાસી બનવાની કોઈ આવશ્યકતા નથી. ગૃહસ્થ જીવન વિતાવીને પણ મોક્ષનાં દ્વાર ખોલી શકાય છે!
કુરલ:
તિરુવલ્લુવર (અથવા વલ્લુવર)ને સંગમ સાહિત્યના મૂળભૂત કવિઓમાંના એક માનવામાં આવે છે. તેમણે તમિલ ભાષામાં લખેલો ‘કુરલ’ ગ્રંથ આજે તામિલિયનોમાં રામાયણ જેટલી પૂજ્યતા ધરાવે છે! શિષ્ટાચાર, પ્રભુભક્તિ અને સૌજન્ય શીખવતો આ ગ્રંથ વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ પામ્યો છે. લેટિન ભાષામાં થયેલા અનુવાદે યુરોપિયન વિદ્વાનોને પણ ચકિત કરી દીધા હતા!

યુવાનની મૂંઝવણ:
તિરુવલ્લુવર અને તેમના પત્ની વાસુકિદેવી એકદમ સાદાઈથી સંતોષભર્યું જીવન જીવતાં. જેમ રામ-સીતાની બેલડીનું ઉદાહરણ ભારતભરમાં આપવામાં આવે છે તેમ તિરુવલ્લુવર અને વાસુકિદેવીનું ઉદાહરણ પણ શ્રેષ્ઠ ગૃહસ્થદંપતિઓ માટે તમિલનાડુમાં અપાય છે. તિરુવલ્લુવરની હરેક વાતને વાસુકિદેવી આજ્ઞા જ ગણતા. પતિની દરેક વાતમાં સંમતિ રાખતા.
વહેલી સવારે એક યુવાન વલ્લુવરનાં ઘરે આવ્યો. અભ્યાસ પૂર્ણ કરીને હવે યુવાનને ગૃહસ્થાશ્રમના ઉઁબરે પગ મૂકવાનો હતો. દાંપત્ય જીવન વિશે એની એક મૂંઝવણ હતી. સંત વલ્લુવરને યુવાને પૂછ્યું, કે મારે પત્નીનાં રૂપમાં કેવું પાત્ર પસંદ કરવું જોઈએ? કેવી પત્ની મળે તો લગ્ન કરાય?

વલ્લુવરે એ પળે તો કોઈ જવાબ ન વાળ્યો. થોડીવારમાં વાસુકિદેવી ભાત લઈને આવ્યા. કેળના પાંદડાં પર ભાત પીરસાયો અને બંને જણ જમવા બેઠા. ભાત ગઈ કાલે રાતે બનાવેલો હતો, માટે ઠંડો હતો. પણ વલ્લુવરને શું સૂઝ્યું તે અચાનક તેમણે વાસુકિદેવીને બોલાવ્યાં અને થોડા ગુસ્સે થઈને કહ્યું,
“દેવી! તમે જોતા નથી આ ભાત આટલો બધો ગરમ કેમ છે? આનો કોળિયો ભરવામાં તો આંગળા દાઝી જાય છે!”
એ જ ક્ષણે વાસુકિદેવી કેળનું પાંદડું લઈ ભાત માથે આમથી તેમ ફેરવવા લાગ્યાં, જેથી ભાત ઠંડો પડી જાય! પેલો યુવાન આભો જ બની ગયો. એને આશ્વર્ય એ વાતનું થયું કે વાસુકિદેવીને ખબર છે કે ભાત ઠંડો છે તો પણ એ શા માટે એને ઠંડો પાડી રહ્યાં છે? અને ભાત ઠંડો જ હતો તો પછી શા માટે વલ્લુવર જૂઠું બોલ્યા?

વાસુકિદેવી રસોડામાં ગયાં એટલે યુવાનથી પૂછ્યા વગર ના રહેવાયું,
“આવું તમે શા માટે કર્યું?”
“તારા પ્રશ્નનો જવાબ મળી રહે એ માટે!” વલ્લુવરે યુવાન સામે મંદ હાસ્ય વેર્યું.
“મને આમાંથી શો જવાબ મળ્યો?” યુવાનને હજુ ના સમજાયું.
વલ્લુવરે કહ્યું, “બેટા, જો આવું પાત્ર મળે તો લગ્ન કરી લેવાં બાકી કુંવારા રહેવું!”
યુવાનને જવાબ મળી ગયો!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.