મુકેશ સોજીત્રા લેખકની કલમે

“વલ્લભ આતા વાયડા બહુ” – આ બાપાની ઉંમર સાથે વાયડાની હોવાની છાપ વધી પણ ગઈ નહિ, એ પછી એક દિવસ એવું થયું કે… વાંચો આ અદ્દભુત વાર્તા…

વલ્લભ સવશીની છાપ “વલ્લભ આતા વાયડા” તરીકેની પડી ગઈ હતી. ગામમાં કોઈ મજૂર બીજા મજુરને મળે અને પૂછે અલ્યા કોની દાડિયે જાવું છે તો કહે.. “વલ્લભ આતા વાયડાની” જોકે જેમ ઉમર થતી ગઈ એમ એણે બધી પંચાત મૂકી દીધી હતી પણ પડેલી છાપ કોઈ દિવસ જાય નહિ.. આ તો પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ એના જેવું જ થયું.
આમ એક પણ રૂપિયો વધારાનો જાય એમાં વલ્લભ સવશી ઠેઠ સુધી લડી લે એવો માણસ!! ગામમાં એની ઘણી દંતકથાઓ પ્રચલિત હવે સાચી હોય કે ખોટી હોય એ રામ જાણે પણ ગામમાં “વલ્લભ આતા વાયડા” ના દાખલા દેવાતા,

એક પ્રચલિત દંત કથા મુજબ એ એક વખત રેશનીંગમાં ખાંડ લેવા ગયા હતા. ગામમાં બહુ ઓછા લોકો ખાંડ લેતા હતા. ઘણા પૈસે ટકે સુખી માણસો ખાંડ નહોતા લેતા તો એના કુપન એટલે કે રેશન કાર્ડ ભેગા કરી કરીને એ ખાંડ લઇ આવતાં. એક વખત દુકાનદારે આપેલ પૈસામાંથી એક પાવલી પડી ગઈ અને વલ્લભ આતા વાંકા વળીને પાવલી શોધતા હતા એમાં રેશનની લાઈનમાં ઉભેલા એક બહેના પગે હાથ અડી ગયો અને પેલા બહેને હોહા કરી.એક બે જણાએ કાંઠલો પણ પકડ્યો જવાબમાં એ બોલેલા

“ પાવલીનો સવાલ નથી પણ એ ગઈ ક્યાં?? એ સવાલ છે!! હકની વસ્તુને કોઈ જ હક નથી ક્યાય પણ જવાનો”
આજુબાજુના ઘણા પાડોશીઓ કહેતા કે આટલી બધી ખાંડ ક્યાં વાપરશો તમે કોઈ દિવસ ચા તો પીતા જ નથી. ઘરે મહેમાન આવ્યાં હોય તો મેમાન પુરતી જ ચા બનાવો છો ને?? આટલી બધી ખાંડ નાંખશો ક્યાં?? તમારા કારજ માટે ભેગી કરો છો ને??? અને વલ્લભ આતા ખીજાઈ જાતા અને બોલતા એક જ શબ્દ એનો તકિયા કલામ હતો..

“ભાગો એય સાળકડીનાવ.. ભાગો ભાગો બાકી જો હાથમાં આવ્યાને તો વારો પાડી દઈશ”
એ હાલતા ત્યારે એક પગમાં આઠેક કપાસી હોવાના કારણે એ થોડા ઠરડાતા હાલતાં. કપાસી પડત નહિ પણ ડોકટર પાસે જાય તો ખર્ચ તો લાગે જ ને એટલે કાંટા વાગ્યા પછી કોઈને બતાવ્યું નહિ પણ છેવટે કાંટા એ જ કાંટાપણું બતાવી દીધું અને કપાસી નામનું કાયમી રૂપ ધારણ કરી લીધું. પણ એ વાતો ગજબની અને વાયડાઈની કરતાં એટલે જ એનું નામ “ વલ્લભ આતા વાયડા” પડી ગયું હતું.

એક વખતે ખેતરે શીંગ નું ખળું અને એ વાસુ ગયેલા તે રાતે કોઈક આવીને દસ કોથળા શીંગના ભરી ગયું તે સવારમાં પડી ખબર કે વલ્લભ આતા વાયડા ના ખળામાંથી શીંગ ચોરાણી છે. લોકો ને જામો પડી ગયો એ તો આવવા માંડ્યા ખબર પૂછવા.. બધા શીંગની કાણે આવ્યા હોય એમ આવવા લાગ્યા પણ ત્યાં પણ વલ્લભ આતા એ વાયડાઈ તો ન મૂકી અને બધાને કહેતાં.

Image Source

“ ઈ તો હું સુઈ ગયોતો એટલે બાકી જો જાગી ગયો હોત તો સાળકડાના બધાયના વાહા ભાંગી નાંખત.. અને એય કાબા તો ખરા હું સુઈ ગયા પછી જ આવ્યા એનેય બીક તો લાગે જ ને કે વલ્લભ આતા જાગી જશે તો ત્યાને ત્યાં કળશ્યો કરાવી દેશે કળશ્યો!! પણ સાળકડા ગમે ત્યારે હાથમાં આવે એટલી વાર છે. હાલવાનો વેંત નથી રેવા દેવો એવા કાબરા કરી દેવા છે કાબરા”

એક બીજી લોકવાયકા પ્રમાણે એને કોઈ બીડીની જુડી વેચાતી નહોતું આપતું. કારણ કે લોભની મર્યાદા પણ તેઓ એ વખતે છાંડી ચુક્યા હતા. કારણ કે બાજુના મોટા ગામમાં જઈને વલ્લભ આતા વાયડા એક ડુપ્લીકેટ બીડીનો બાંધો લઇ આવે એમાંથી એક જુડી બીડી કાઢે એમાંથી એક બીડી પી જાય અને બાકીની બીડીઓ નાંખે ખિસ્સામાં અને પછી ગામની એક દુકાને થી એક જુડી બીડી લે વેચાતી અને થોડેક આગળ જઈને એ પાછા આવે. જે જુડી લીધી હોય એ એક ખિસ્સામાં અલગ રાખે અને પોતાની પાસે રહેલી ડુપ્લીકેટ બીડીની જુડી બદલાવી લે કે જો આ એક બીડી પીધી અને ખરાબ આવી ગઈ.. આવી ને આવી બીડીઓ રાખો છો. પણ પછી બધી જ દુકાને આવું થવા લાગ્યું અને એ પણ ફક્ત વલ્લભ આતા વાયડા સાથે જ થવા લાગ્યું એટલે બીડી વાળા એ આ પોલ પકડી લીધીને તમામ દુકાનદારો એ સામુહિક બહિષ્કાર કરેલો. પણ વલ્લભ આતાને આનાથી કોઈ જ ફર્ક ન પડ્યો.

કુટુંબ ખાધે પીધે ખેતી સારી પણ હદથી બહાર કંજૂસ અને ફાંકા મારવાની અને કોઈકને આંટી દેવાની ખરાબ વૃતિ એટલે લોકો એમની પાછળ થી હાંસી ઉડાવતાં. પણ વલ્લભ આતા ના ચારેય દીકરા હોલદોલ પાકયા. એના દીકરાઓ એના કરતાં પહ હોલ દોલ!! બધા સમયાંતરે થોડી થોડી શિખામણ આપ્યા કરે કે હવે તમે રેશનીંગની ખાંડ ભેગી ના કરો. તમારી તો નહોતી પણ અમારી આબરૂ સામું તો જુઓ. ધીરે ધીરે સુધારો થતો ગયો પણ છેલ્લો નોંધપાત્ર સુધારો એના ત્રીજા દીકરાના લગ્ન પ્રસંગે થયેલો.

એનો ત્રીજા નંબરનો દીકરો ચમનના લગ્ન હતા સુરતમાં અને ભવ્ય રીસેપ્શન હતું. એમાં કોઈક ભાળી ગયુ કે ભવાન આતા વાયડા લોકોએ જમી જમીને એંઠી મુકેલી થાળીમાંથી ગુલાબ જાંબુ અને મીઠાઈઓ એક થાળીમાં ભેગી કરી રહ્યા હતા અને મોટા બે ય દીકરા ગુસ્સા થી લાલચોળ થઇ ગયા. ખૂણામાં લઈને બાપાને કીધું.

“ હવે આણવાની રેવા દયો તો સારું છે હો તમારા પગે પડીએ કે તમે કહો તો હવે તાપીમાં પડીએ.. પણ હવે આનું માપ હોય હો એવું તે અમે તમારું શું બગાડ્યું છે કે પાણી જ ફેરવો છો અમારી આબરૂ પર”

Image Source

“ અરે આ ખરાબ નથી.. આ નકામો બગાડ છે.. ગામડામાં આવું મળે પણ નહીં અને અહિયાં આ વેડફાઈ જાય બીજું તો કાઈ નહીં પણ જીવ બળે છે એટલે મારે તો આ બધુય એક મહિનો હાલે ગામડામાં અને આ ક્યાં ખરાબ છે આ બધા સારા સારા જ પીસ ભેગા કર્યા છે” ભવાન આતા વાયડા દલીલ કરતા હતા અને પછી છોકરાથી ન રહેવાણું તે બોલ્યો અને પછી લગભગ ભવાન આતા વાયડા સાવ મુંગા જ થઇ ગયેલા.

“ હવે પછી આવા લખણ ઝળકાવ્યા ને તો મારી વાંહેથી હું તમારું નામ કાઢી નાંખીશ અને છાપામાં આપી દઈશ કે હું તમારો છોકરો નથી. અમારે ને તમારે કાઈ લેવાદેવા નથી એટલે ભગવાને જે આપ્યું છે એનું અપમાન ન કરો સુખેથી રહો અને આ લોભી પ્રકૃતિ છોડી દો શીદને આબરૂના કાંકરા કરો છો!! તમારે તો નહોતી પણ અમને જે થોડી ઘણી મળી છે એ તો રહેવા દ્યો”

પછી એ લગભગ શાંત થઇ ગયેલા. બહાર પણ ઓછા નીકળે. છોકરાના છોકરા પણ ખુબ પૈસો કમાયા ગામડે નવા મકાન બનાવ્યા. વલ્લભ આતા અને જીવીમાં બે જ જણા રહે. ગામમાં એક બહેનને રસોઈ બનાવવા રાખ્યા એટલે એ પણ માથાકૂટ.. છોકરાને કારણે બધા એને બોલાવતા હતા કારણકે છોકરાની પાસે કયારેક પૈસા માંગવા હોય તો માંગી શકાય.

ખાલી એક છાપ રહી ગઈ હતી વાયડાની બાકી વલ્લભ આતા લગભગ કશું બોલતા નહિ. છેલ્લે છેલ્લે એક ઢગ આવેલી અને એમાં બોલેલા પણ એ છેલ્લી વારનું બોલેલા અને એ એવું બોલેલા કે ઘણા લોકોએ ઉભા થઈને તાળીઓ પાડેલી અને વાત સુરત સુધી પહોંચી ગઈ કે વલ્લભ આતા બોલ્યા અને લોકોને એટલું ગમ્યું કે તાળીઓ પાડી. છોકરા ચારેય માનવા તૈયાર જ નહિ કે બાપા આટલું સરસ પણ બોલતા હશે અને એણે આઠ જણાને પૂછીને ટેલી કર્યું ત્યારે એને વાતમાં વિશ્વાસ બેઠો.

એમાં બનેલું એવું કે ગામમાં મુખીને ત્યાં ઢગ આવેલી. મુખીનું કુટુંબ પહેલેથી સુખી ખરું પણ ખરચા માપ બારા એમાં ય મુખીના આઠેય છોકરા અને મુખીના ભાઈના ચારેય છોકરાઓ સુરતમાં મકાન રાખ્યા મોંઘી મોંઘી ગાડીયું લીધેલી. ચારેય ખિસ્સામાં ચાર એક એક મોબાઈલ અને ઢગ તેડવા આવેલી એમાં મોટી મોટી વાતો કરે અને એન્ટ્રી પાડે.

એમાં મુખીનો મોટો દીકરો ભુપતો બોલ્યો. “ હવે ગામડામાં તો આ વલ્લભ આતા જેવા જ માણસો રહેવાના છે જેને જીવન શું છે એ આજ સુધી ખબર નથી.. ગામડા પડી ભાંગ્યા છે, આજના માણસો ક્યાંના ક્યાં પહોંચી ગયા છે.. આજે અમે ધારીએ એ કરી શકીએ.. અમારા જેવા યુવાનોને કારણે જ વિકાસ થયો છે બાકી તમે બધા ડોહલાઓ પાણ કોરું પેરીને મારી ગયા ખહ અને ગુમડામાં અમે આ લીનન પહેરીયએ છીએ લીનન બારસોનું એક મીટર આવે. અમારી એક જોડી સસ્તામાં સસ્તી લઈએને તો પણ પાંચ હજારની થાય અને તમે બધા ડોહલાઓ વીસ રૂપિયે મીટર કાપડ જ પહેર્યું આખી જીંદગી!!”

ભુપતો બંધ થયો એટલે લલ્લુ શરુ થયો. ગામના બધા યુવાનો અને આધેડો એની વાતમાં હા પુરાવતા હતા અને લલ્લુએ બે ત્રણ વખત વલ્લભ આતા નું નામ લીધું અને પછી એનું ઉપનામ પણ ઢગમાં આવેલ મહેમાનો ને કીધું આ વલ્લભ આતા આખી જિંદગી બળદિયાની જેમ જીવ્યા છે.. એને કઈ જ ખબર નથી પડતી કે અસલી લાઈફ એટલે શું અને છેલ્લી વાર વલ્લભ આતા વાયડા બોલ્યાં.

Image Source

“ આ ઢગ આવી છે એટલે એ મહેમાનો મને માફ કરે મારા દીકરાઓએ સોગંદ દીધા છે કે બોલવું નહિ પણ આજ મારે બોલવું તો પડશે.. આ મુખીના દીકરા મારા બેટા હોંશિયારી કરે છે ને લાઈફ ની તો હું એને બતાવી આપું કે એની લાઈફેય તંબુરો જ છે. આજથી ચાલીશ વરસ પહેલા મને મારા બાપાએ ચાલીશ વીઘા જમીન આપી હતી આજે મારી પાસે નેવું વીઘા છે.. ચાલીશ વરસમાં મેં પચાસ વીઘા જમીન મારી મહેનત થી વધારી.. જીવનમાં ચીકણાઈ કરી. જે કર્યું એ પણ જમીન મેં વધારી. હવે આ વિકાસના અને પાડકાઈ ના અને હોંશિયારીના દીકરા જે બધાય થાય છે એને મારે એટલું જ પૂછવાનું કે આમાં છે કોઈ એવો ભડનો દીકરો કે આજથી પચાસ વરસ પહેલા તમારા બાપા દાદા પાસે જે જમીન હતી એમાં વધારો તો નહિ પણ ઘટાડોય નો થયો હોય એવો એક પણ છે!! હાલી શું નીકળ્યા સાળકડીનાવ!! બાપાની જમીન વેચી વેચીને સુરતમાં બંગલા અને ફોર વ્હીલમાં ફરો છો સાળા સાળકડીનાવ આને તમે વિકાસ કહો છો!! હિમતા આ પૂછ તારા બાપને નાટ ધારે બસો વીઘા હતી બધી વેચાઈ ગઈ ને અને તું રતીયા પાછો મોબાઈલ બતાવતો હતો કે એપલનો ફોન નવોજ છે એક લાખનો. આ તારા બાપને પૂછ એણે તો એની જમીન ડુબાડી અને તારા એક ફઈ હતા એની ય ડુબાડી છે. તને નો ખબર હોય ગામ આખાની હું છઠ્ઠી જાણું છું એટલે કોઈએ વાયડાઈ નો કરવી. તમે જે જલસા કરો છો એ સોનાની લગડી જેવી જમીન વેચીને કરો છો.. અમારા વખતમાં કહેવાતું જમીન વાવી નો શકે અને જમીન વેચે એ ખેડૂત તાણી કાઢેલના કહેવાતા. તમારી દ્રષ્ટીએ હું ભલે વલ્લભ આતા વાયડો ગણાતો હોવ પણ મારી નજરે તમે આખું ગામ તાણી કાઢેલનું છે. તમારા બધાના ધંધા ભાંગે માની લ્યો તો તમે અહી આવીને શું કરો એ કહો. પણ મારા છોકરાને વાંધો ન આવે એટલી જમીન મે વધારી છે. ફરીથી આ ઢગ વાળાની માફી માંગું છું. મને મારા છોકરાએ ના પાડી તી તોય મારાથી આજ નો રેવાણું” આટલું બોલીને વલ્લભ આતા બેસી ગયા પણ ઢગમાં જેટલા આવ્યા હતા એ બધાયે ઉભા થઇ ને તાળીઓ પાડી ગામના લોકોએ પણ તાળીઓ પાડવી પડી. પણ સન્નાટો છવાઈ ગયો હો!!
જમીન વેચીને મેળવેલી સંપતી કિડની વેચીને આઈફોન લીધા બરાબર છે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.