વલસાડના યોગ શિક્ષિકાના અંગદાનથી 5 લોકોને મળ્યું નવું જીવન, મહેંકાવી માનવતા, સુરતમાં લીવર ટ્રાન્સપરન્ટની બની પહેલી ઘટના

આપણા દેશની અંદર અંગદાનને લઈને લોકો ખુબ જ જાગૃત બન્યા છે અને તેમાં પણ સુરત શહેર અંગદાનમાં ખુબ જ અગ્રેસર રહેતું જોવા મળી રહ્યું છે. જેના ઘણા કિસ્સાઓ છેલ્લા થોડા સમયથી સામે આવતા પણ જોવા મળ્યા છે, ત્યારે હાલમાં જ માનવતા મહેંકાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર માણેક બાગ, સેગવી, વલસાડ ખાતે રહેતા યોગ શિક્ષક રંજનબેન ગુરુવાર, તા. 30 સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાકે તેમના ઘરેથી તેમના બેન તનુજાને ત્યાં મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે વલસાડ ધરમપુર ચોકડી પાસે એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ મોપેડ પરથી નીચે પડી ગયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા થવાથી વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું.

પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડોક્ટર દ્વારા ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. જેના બાદ શનિવાર, તા.2 ઓક્ટોબરના રોજ એપલ હોસ્પિટલના ડોક્ટરોએ રંજનબેનને બ્રેનડેડ જાહેર કર્યા હતા. કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

રંજનબેનના પતિ પ્રવીણભાઈએ જણાવ્યું કે મારા પત્ની બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જવાનું છે, તેના કરતા તેમના અંગોના થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને જયારે એક કિડની અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને અને બીજી કિડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલને ફાળવવામાં આવી.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં કરવામાં આવ્યું છે. લિવર સમયસર કિરણ હોસ્પિટલ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરતમાં લિવરનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે. સુરતની કિરણ હોસ્પિટલમાં લિવર અને કિડનીનું કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ શરુ થવાને કારણે તેનો લાભ સમગ્ર દક્ષીણ ગુજરાતના દર્દીઓને મળશે.

દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં રાજકોટની રહેવાસી 40 વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદની રહેવાસી 45 વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકને કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ છઠ્ઠી ઘટના છે જેના થકી ૩૦ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.

Niraj Patel