દિલધડક સ્ટોરી લેખકની કલમે

વજનતો મૂકો !! – સમય જતો રહે પછી શું ? , જો કોઈને મદદ કરવી જ હોય ને ઉપયોગી થવું હોય તો એ જ સમયે થવું, નહીતર પસ્તાવાનો પાર નહી રહે…!!

વજનતો મૂકો !!

“મેનેજર સાહેબ,મહિના પહેલા મે લોન માટે આરજી કરી હતી. પછી ચાર પાંચ વખત આપને મળી ગયો,પણ જવાબ મળતો નથી.”સવજીકાકાએ બેંકમાં આવતાવેત મેનેજરની કેબિનમાં ઘૂસી પ્રશ્ન કર્યો.”

“સવજીકાકા તમારી અરજીની ચકાસણી થઈ રહીછે, પછીથી જરૂરી કાગળો મંગાવવામાં આવશે. પછીથી સહી માટે બે ત્રણ સાહેબો પાસે મોકલવી પડશે,પછીજ મેળ પડશે.”દેસાઇ સાહેબ વાતમાં મોળ નાખતાં ધીમેથી સમજાવ્યું.
“સાહેબ હું સરકારી નિવૃત પટાવાળો છું.સંતાન છે નહિ.મારી પત્ની શાંતાને છેલ્લા ત્રણ માસથી કેન્સરનું નિદાન થયું છે. અમે નિવૃત અને ગરીબ હોવાથી કેન્સર હોસ્પિટલમાંથી સારવાર અને દવાઓ મફત મળે છે. પરંતુ આ કેન્સરના નવાજ શોધાયેલ ઈંજેકશનો સ્ટોકમાં નથી, તેથી ડોક્ટર સાહેબ ,આઠ હજારનું એક એવા દશ ઈંજેકશન લખી આપેલ છે. જો તે સમયસર આપવામાં આવે તો શાંતાકાકી બચી જાય તેમ છે. તેની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે,અમે બધેથી કોશિષ કરી પણ મેળ ન પડતાં .તમારી બેંકમાંથી ફક્ત એંસી હજારની લોનની અરજી કરેલ છે, તે જેમ બને તેમ જલ્દી મંજૂર કરાવી દો તો સારૂ “. આટલું બોલતાં બોલતાં એંસી વરસના સવજીકાકા હાંફી ગયા.છાતી ધમણની જેમ ચાલવા લાગી. આંખોના ખૂણા ભીના થઈ ગયા.

“સવજીકાકા તમે લોનની સામે ફક્ત એક ઓરડીનું ઘર ગીરવે મુકેલ છે,પછી લોન ભરશો કેવી રીતે ?” મેનેજર આરજીમાં જોઈને કહયુ.
“સાહેબ, મને મહિને સાડા ત્રણ હજાર સરકારી નોકરીનું પેન્શન આવેછે, તેમાથી બચત કરી પાઇ પાઇ વ્યાજ સાથે ચૂકવી દઇશુ “સવજીકાકા કરગરી પડ્યા.સવજીકાકાએ કોઓપરેટિવ બેંકમાં તેમની ઓરડી સામે એસી હજારની લોન માટે અરજી કરી હતી. ગયા અઠવાડિયે બેન્કના ઓફિસર સવજીકાકાની માધુપુરાની ચાલીમાં આવેલી ઓરડી ચેક કરી આવ્યા હતા. તેમાં સિતેરવાર જમીન સરકારી ઓપડે સવજીકાકાના નામે બોલતી હતી. તેની ઉપરની ઓરડીના કિમત કઈના ગણો તોય જમીન સામે ફક્ત એસી હજારની લોન મળી શકે તેમ હતી.
મેનેજર દેસાઇ સાહેબ આ બધી નોધ વાચી લીધી હતી, તેથી વહીવટી દ્રષ્ટિએ લોન આપવામાં વાંધો ન હતો છ્તાં પણ ગંભીર મો કરીને બોલ્યા .” કાકા તમારી બધી વાત સાચી પણ આ અરજીતો ઊડી જશે ,તેના ઉપર વજન તો મૂકો.” આમ ધીમેથી બોલીને તેમણે આજુબાજુ જોઈ લીધું અને ખંધુ હસ્યા . બાજુમાંજ તેમનો ખાસ પટાવાળો ઊભો હતો. તેણે કાકાની બાજુમાં જઈ ધીમેથી હસીને કહ્યુ, “સાહેબની વાત સાચી છે,કાકા મોંઘવારીતો જુઓ ,હજુ આ અરજીને બધે ફેરવવા વજનતો જોઈશે ને!”
સવજીકાકા ફાટી આંખે જોઈ રહયા.તેમણે જિંદગી આખી સરકારી ઓફિસમાં પટાવાળા તરીકે કાઢી હતી,પણ ઉપરના ચાપાણી સિવાય એક રૂપિયો પણ વધારે નહિ ! તેમણે
ફરી રડિયલ અવાજે કહયુ “સાહેબ,હું બનતો પ્રયત્ન કરી કાલેજ આવું છુ.”
બીજે દિવસે સવારે સવજીકાકા જૂની થેલી લઈને સાહેબની ઓફિસમાં આવ્યા. થેલીમાંથી બે જૂના પિતળના થાળીવાટકા ટેબલ ઉપર મૂકી બે હાથ જોડી બોલ્યા,” છેલ્લાં ત્રણ માહિનામાં કાકીની કેંસરની બીમારીની દોડાદોડી, તપાસો અને સારવારમાં બધુ સાફ થઈ ગયું છે. ફક્ત આ વાસણોજ બચ્યા છે,જેમાં અમે જમીએ છીએ, હવે થી અમે કાગળના પડિયામાં જમીશું પણ આને સ્વીકારી લોન જલ્દી પાસ કરી દો.”આવા ભંગાર જોઈને દેસાઇ સાહેબ બગડયા” સવજીકાકા આવા ભંગારને હું શું કરૂ ? પાછું લઈ જાવ.”

પટવાળાએ ધીમેથી કાકાની નજીક આવી કાનમાં કહયુ “કાકા આમાં તો બધાનો ભાગ વહેચાશે.કામ સે કમ આઠ થી દશ હજારનું તો વજન જોઈશે.”
કાકા રડી પડ્યા. ધુજતાં હાથે થેલી પહોળી ફરી બે જૂના થાળી વાટકા મુકતા મુકતા ચશ્માની અંદરથી એક કાચ પડી ગયો. કાકાએ ઊભા થઈ ફાટી ગયેલી થીંગડા લગાડેલ પાધડી કાઢી સાહેબના પગ પાસે મૂકી દીધી. પણ સાહેબ એકના બે ના થયા.

દેસાઇ સાહેબના પત્ની અનિતાબેનનો સ્વભાવ અલગ જ હતો. સાહેબ એકદમ પૈસાના લાલચુ પૂજારી તો અનિતાબેન બિલકુલ સદાચારી સ્વભાવના એમને આ બધુ ગમતું જ નહી.બંને વચ્ચે આજ મુદ્દે વારવાર વિખવાદ થતો રહેતો. સંતાન સુખ ભગવાને આપેલ નહી ,પછી પગાર ઉપરાંત આ બધી લાલચ શા માટે?
દેસાઈસાહેબના દીમાગમાંથી વધારે ને વધારે પૈસા કમાવાની લાલચ છૂટતી જ નહી. આ બેન્કની બ્રાંચમાં મેનેજર થયાને હજી બેજ વર્ષ થયા હતા, પણ તેમની ઉપલી આવક પગાર કરતાં ત્રણ ગણી થઈ હતી. અનિતાબેનને તેમની આ બધી ગેરકાયદે પ્રવૃતિની ખબર પડી ગઈ હતી, તેથી તે હમેશા ચિંતામાંજ રહેતા.
લોભ અને લાલચનો અંત ક્યાં છે ? સવજીકાકાના ગયા પાછી દેસાઇ સાહેબ અમેરિકા ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી કેટલાં નાણાંની જોગબાઈ કરવી પડશે તેનો વિચાર કરતાં હતાં.ત્યાં તો અજાણ્યા માણસનો ફોન આવ્યો,” મિ.દેસાઇ હું સી.જી.રોડ ઉપર નવરંગપુરાથી બોલું છુ,અહી જલ્દી આવો,તમારા પત્ની અનિતાબેનના એક્ટિવાને બસે જોરદાર ટક્કર મારી છે.”

દેસાઇ સાહેબ ઓફિસ બંધ કરી દોડ્યા સી.જી.રોડ તરફ,સ્વસ્તિક ચાર રસ્તા ઉપર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.અનિતાબેનના નાક અને કાનમાં થી સખત લોહી વહી રહયું હતું.બ્રેઇન હેમરેજ થવાથી તે બેભાન અવસ્થામાં પડી રહયા હતા.
દેસાઇ સાહેબને જોવા માટેજ જાણે જિંદગી સામે લડી રહયા હોય તેમ આંખો ખોલી, ધીમેથી બોલ્યા “વચન આપો, જિંદગીમાં એક સારૂ કામ લાલચ વગર કરશો.તોજ મારા
જીવને સદગતિ મળશે.”દેસાઇ સાહેબ તેનો હાથ પોતાના હાથમાં લઈ મૂક સંમતિ આપી,અને અનિતાબેન ઢળી પડ્યા.
પત્નીના મોત પછી સાત દિવસે ફરજ પર હાજર થતાજ દેસાઇ સાહેબને છેલ્લે પત્નીને આપેલું વચન યાદ આવી ગયું. તેમને તરતજ પોતાના પત્નીને બચાવવા હવાતિયા મારતાં સવજીકાકાનો રડતો લાચાર ચહેરો યાદ આવી ગયો.

તેમણે ઓફિસમાં આવી પટાવાળાને સવજીકાકાની પૂછપરછ કરી. પટવાળાએ કહયુ “સાહેબ તમે રજા ઉપર હતાં ત્યારે દરરોજ ધક્કા ખાતાં સવજીકાકા બે દિવસથી દેખાતા નથી.”

દેસાઇ સાહેબે તરતજ તેમની અરજી કાઢી.ઝડપથી એસી હજારનો ચેક બનાવી કાઢ્યો.પટાવાળો જોઈ રહ્યો.તેમણે કાકાના એડ્રેસ ઉપર જાતેજ ચેક આપવા જવાનું વિચાર્યું.આજે તેમના હાથે એક સારૂ કામ થઈ રહયું હતું,તેનો આનંદ તેમના મુખના તેજ ઉપરથી જાણતો હતો.પટાવાળાને નવાઈ લાગી.”સાહેબ,પોતે ચેક આપવા જાય છે?”
દેસાઇ સાહેબ પટાવાળા સામે જોઈ બબડ્યા “આ બધુ તને નહી સમજાય.”દેસાઇ સાહેબ ચાલતા ચાલતા વિચારી રહયા હતાં આ રૂપિયાથી શાંતાકાકીની તબિયત સારી થઈ જશે અને સવજીકાકા કેટલા ખુશ થશે?
ધડકતે હૈયે સવારના બારના ટકોરે દેસાઇ સાહેબ સવજીકાકાને ઘેર પહોચી ગયા. અંદર નાની આમથી ઓરડીનું વાતાવરણ ગંભીર હતુ. બેત્રણ સગાઓ શાંતાકાકી ના મૃતદેહની આજુબાજુ બેસીને રડી રહયાં હતા.અને તેના બે ત્રણ સગાઓ રડતાં રડતાં ઠાઠડીમાં બાંધી રહયા હતા. બાજુમાં ફાટી આંખે સવજીકાકા માથે હાથ દઈને બેઠાં હતા.આંખોમાંથી આંસુ પણ ખૂટી ગયા હતા.

દેસાઇ સાહેબના હાથમાં એસી હજારનો ચેક ડોકાઈ રહયો હતો. દેસાઇ સાહેબને એસી હજારનો ચેક ખિસ્સામાંથી કાઢવાની જરૂર જ ન લાગી. કાકા રડતાં રડતાં બોલ્યા.”સાહેબ બહું મોડું થઈ ગયુ. હવે મારે લોનને શું કરવી છે?”

પહેલી વખત વજન વગર બનાવેલ ચેક પરત લઈ જતાં દેસાઇ સાહેબની આંખો પસ્તાવાથી ભીની થઈ ગઈ.તેમણે હવે પછીના કોઈપણ કામ માટે વજન મૂકવાની વાત જ ના કરવાની કસમ ખાધી, અને સાચા પસ્તાવાથી હલ્કાફૂલ બની ગયા.તે પોતે કાકીની ઠાઠડીને કાંધ આપવા તૈયાર થયા,પણ કાકાએ સવિનય ના પાડી.
આ નિર્ણયની જાણ થતાં તેમના સ્વર્ગમાં રહેલા પત્ની અનિતાબેન પણ ખુશખુશાલ બની હેત વરસાવી રહયા.

લેખક : ડો.હર્ષદ વી. કામદાર
એમડી.ડી.પેડ,ડી.સી.એચ(મુંબઈ),એફ.આઈ.સીએ(યુએસએ)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks