વૈષ્ણોદેવી મંદિરમાં મચેલી નાસભાગમાં માંડમાંડ બચ્યો આ ગુજરાતી પરિવાર, આંખો દેખેલી ઘટના વિશે કહ્યુ…

નવા વર્ષ 2022ના પહેલા જ દિવસે વૈષ્ણોદેવી મંદિરમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. વૈષ્ણોદેવી મંદિરમાં ગઇકાલની રાત્રે નાસભાગમાં 12 લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી હતી અને હવે આ આંકડો 13 થઇ ચૂક્યો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થવાના પણ સમાચાર છે. આ નાસભાગમાં એક પરિવાર જે ગુજરાતના રાજપીપળાનો હતો તે જોશી પરિવારનો આબાદ બચાવ થયો હતો. હાલ તેઓ સલામત રીતે કટરા પહોંચી ચૂક્યા છે. ત્યારબાદ તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજપીપળાનો જોશી પરિવાર 23 ડિસેમ્બરે જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો. જ્યાંથી તેઓ માતા વૈષ્ણોદેવીના દર્શન માટે ગયા હતા.

આ દરમિયાન નાસભાગની સમગ્ર ઘટના તેમણે પોતાની નજર સામે નિહાળી હતી. ઘટના સમયે પરિવાર ત્યાં ફસાયો હતો. જેમાં પરિવારના 6 સભ્ય પણ ફસાયા હતા. આ ઘટનાની જાણ થતા જ રાજપીપળામાં તેમના પરિવારમાં ચિંતાનો માહોલ હતો.પરંતુ તે બાદ તેમને જાણ થતા કે તેઓ સુરક્ષિત છે ત્યારે પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારના મનાલી જોશીએ વીડિયો દ્વારા સલામત હોવાની માહિતી રાજપીપળા રહેતા સ્વજનોને આપી હતી.

આ દુર્ઘટનાના આંખો દેખ્યા અહેવાલ વિશે જણાવ્યુ હતુ કે, 31 તારીખની રાત્રે અમે માતાજીના દરબારમાં યાત્રા શરૂ કરી હતી. લગભગ 2.30 વાગ્યાના સમયે અમે વૈષ્ણોદેવી મંદિરમાં પહોંચ્યા હતા. ત્યાં અચાનક પાછળથી એક ટોળુ આવ્યું હતું. જેને કારણે અફરાતરફી મચી જવા પામી હતી. અમે ખુદ અમારી આંખોએ આ ઘટના જોઈ હતી. મારી સાથે પરિવાર હતો, અમે એકબીજાથી વિખૂટા પડી ગયા હતા અને એક કલાકની મહેનત બાદ ફરી મળ્યા હતા. ત્યાર બાદ અમે મહામહેનતે ધોડા અને ડોલીની મદદ લઈ નીચે ઉતર્યા. હાલ ઘણી મુશ્કેલીઓ બાદ જમ્મુના કટરા ખાતે આવી પહોંચ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, રીપોર્ટ અનુસાર કટરા સ્થિત ભવનમાં ઘટના રાત્રે અંદાજે 2.45 વાગ્યાની છે. ગેટ નંબર-3 પાસે આ દુર્ઘટના બની હતી. નવા વર્ષ નિમિત્તે સાંજથી જ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટવા લાગ્યા હતા. કોરોના પ્રોટોકોલ હેઠળ ભવન વિસ્તારમાં આવી નાસભાગ કેવી રીતે થઈ તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.

Shah Jina