દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

લખણ એક એવી વસ્તુ છે કે એ ઝળક્યા વગર તો નો જ રહે!! – આ ભાઈના લખણ હતા વાયડાઈ કરવાના જે તેમને ભારે પડી- વાંચો

૧૯૮૦ના દાયકાની આ વાત છે.

પ્રાથમિક શાળાઓની ભરતી તો સરકાર હસ્તક જ હતી પણ એના શિક્ષકોની ભરતી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કરતી. જ્યારે હાઇસ્કુલની ભરતીનો આધાર એના ટ્રસ્ટીઓ હતાં. નિયમો તો હતાં પણ તોય એમાં એટલી છટકબારીઓ હતી કે ટ્રસ્ટીઓ એમાં લગભગ પોતાના માનીતા ઉમેદવારને પસંદ કરી શકતા. અમુક હાઈસ્કુલોમાં રીતસરના ભાવ બોલાતા. અમુક હાઈસ્કુલમાં સહી કરવાનો પગાર અને મળતા વાસ્તવિક પગાર વચ્ચે ઘણીવાર મોટો તફાવત જોવા મળતો. મોટે ભાગે આવા ટ્રસ્ટીઓ સતાધારી પક્ષના જ હતાં એટલે એને ઉની આંચ પણ ન આવતી. ખારા ધુધવા જેવા દરિયાકિનારે પણ ક્યારેક મીઠી વીરડીઓ મળી આવે એમ કેટલીક હાઈસ્કુલોમાં એ વખતે પણ પારદર્શક ભરતીઓ થતી. ઉમેદવાર મેરીટ અને ઈન્ટરવ્યુંમાં જેટલા ગુણ મેળવે એના પર જ એનું સિલેકશન થતું. અને ઇન્ટરવ્યુંમાં બેસનાર ટ્રસ્ટીઓ બાળકોના ભવિષ્યનો અને પોતાની હાઈસ્કુલની ઈમેજનો ખ્યાલ રાખીને શ્રેષ્ઠ ઉમેદવારો જ પસંદ કરતાં. પણ આવી હાઈ સ્કૂલોની સંખ્યા બહુ જ જુજ અને આંગળીઓના વેઢે ગણી શકાય તેમ હતી. બાકી તો જે વધુ ડોનેશન આપે એને જ નોકરી મળતી. ડોનેશનના રૂપાળા નામ હેઠળ નોકરી વાંચૂક શિક્ષકોને રીતસરના ખંખેરવામાં આવતાં!!

“જીવનલક્ષી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા” આવી જ એક શાળા હતી કે જેના ટ્રસ્ટીઓ એકદમ પ્રામાણિક અને નિષ્ઠાવાન હતા. ગાંધીજીએ આપેલ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોને સો ટકા અનુસરનારા હતા અને એને જ કારને આ માધ્યમિક શાળામાં લગભગ ૧૮નો સ્ટાફ હતો પણ એમાં એક પણ શિક્ષક ટ્રસ્ટીઓનો કે રાજકારણીનો સગો નહોતો!! જીવનલક્ષી માધ્યમિક શાળાનું શિક્ષણ આખા જીલ્લામાં વખણાતું. એના ધોરણ દસ અને ધોરણ બારમાના પરિણામોમાં આખા જીલ્લામાં અવ્વલ નંબરે જ આવતાં અને જીલ્લાની એ શ્રેષ્ઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી. શાળાના ટ્રસ્ટીઓ હતા ભોગીલાલ ભાઈ અને સુમન ભાઈ!! એક પણ રૂપિયાના ડોનેશન વગર નોકરી આપેલ શિક્ષકો ઉપર એનો ગજબનો કાબુ હતો. બાળકોના શિક્ષણના ભોગે થતી કોઈ પણ પ્રવૃત્તિ એ ચલાવી લેતા નહિ. પંદર દિવસે સ્ટાફની મીટીંગ ભરાતી અને એમાં ભોગીલાલ ભાઈ કહેતાં.

“આપણે ત્યાં જે બાળકો ભણવા આવે છે એમના મા બાપને બહુ ઉંચી આશાઓ હોય છે. તમે તમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરજો. કોઈ પણ બાળકને સહેજ પણ અન્યાય ન થવો જોઈએ. એને એક એક ગુણની કીમત સમજાવજો. એવું લાગે તો રવિવારે અને રજાના દિવસે પણ બાળકોને તમે બોલાવી શકો છો. તમારી એક નાનકડી ભૂલ કોઈ પણ બાળકની કારકિર્દી ખતમ કરવા માટે પુરતી છે”!! શિક્ષકો હંમેશા ભોગીલાલ ભાઈની વાતો ફક્ત ધ્યાનથી સાંભળતાં જ નહિ પણ અમલમાં પણ મુકતા કારણકે આ એવા ટ્રસ્ટીઓ હતાં કે જે પોતાના ઘરનું ધાન્ય ખાતા!! એ હાઈસ્કુલનું ધન ખાતા નહોતા!! આમેય જે લોકોને ધન ખાવાની ટેવ પડી હોય પછી ધાન ઓછું ખાતા હોય!! પણ આ બને અલગ જ માટીના બનેલા માણસો હતા!! બે મહીને તમામ વાલીઓની એક મીટીંગ થતી!! એમાં સુમન ભાઈ સંબોધન કરતાં!!

“જુઓ તમારા બાળકોનું અહિયાં ઘડતર થાય છે. બીજી હાઈસ્કુલોની વાત જવા દો. મારે ફક્ત અહીની જ વાત કરવી છે. તમારા બાળકોને બરાબર સમજાવી દેજો કે એના અમુક લખણ એ ઘર પૂરતા જ રાખે. બાકી અહી જો કોઈ તોફાન કરશે તો એક કે બે વાર એને સમજાવવામાં આવશે. પછી તમને જાણ કરીશું. અને તેમ છતાં પણ એમ લાગે કે હવે આ નહિ સુધરે તો પછી એને સોટાવાળી થશે. કાયદો જે કહેતો હોય એ પણ અમુક બાબતોમાં જેમ અપવાદ હોય એમ અમુક કોડા માર વગર નથી સુધરતા!! તમે તમારી પાસે સાઈકલ કે મોપેડ કે રાજદૂત રાખતા હશો. એમાં અમુક સમયે સર્વિસ કરાવો છો કે નહિ?? સર્વિસ કરાવ્યા પછી બધા જ વાહન કેવા સુતર હાલે નહિ!! હા વાહનમાં ખોટકો આવે તો જ સર્વિસ થશે!! અને હજુય તમારા મનમાં કોઈ શંકા હોય કે અમારા આ નિયમો પસંદ ન હોય તો આપના સુપુત્રને તમે તમારી મનગમતી શાળામાં બેસાડી શકો છો!! પણ એક વાતની ખાતરી કે અહી એ બાર ધોરણ ભણી લે એટલે તમારા છોકરામાં જેટલી આવડત હશે એ બધી જ ઝળકી ઉઠશે અને એનામાં જેટલા અપલખણ હશે એ દબાઈ જશે એની ખાતરી હું આપું છું” સુમન ભાઈ બહુ ભણેલા નહોતા પણ મોટા ગજાના રાજકારણીઓ સાથે એને ઘરોબો હતો એમ લોકો વાતો કરતાં!!

Image Source

શાળામાં દર વરસે સંખ્યા વધતી જતી હતી. દર વરસે શિક્ષકોની ભરતીઓ થયા કરતી. ૧૯૮૧મા આ શાળામાં ગુજરાતી હિન્દીના શિક્ષક્ની ભરતી આવી. લગભગ બાવીશ જેટલા ઉમેદવારોએ અરજી કરી.!! પંકજ ભટ્ટ કરીને પણ એક ઉમેદવાર હતો!! પંકજ રાજકોટમાં ભણેલો. આમ તો કોલેજમાં એ જી એસ પણ હતો. ભણવા સિવાયની બધી બાબતમાં હોંશિયાર હતો! અમુક શિક્ષકો જેમ ભણાવવા સિવાયની તમામ બાબતોમાં હોંશિયાર હોય એમ જ!! પછી તો પંકજે બી એડ પણ કરેલું.જી એસ હોવાના નાતે પરિક્ષામા ચોરી કરવી એ એનો જન્મસિધ્ધ હક હતો. બી એડમાં પણ ટકા સારા આવ્યા હતા!! હવે એ નોકરી શોધતો હતો!! આમ તો એની ઈચ્છા નોકરીની નહોતી પણ વગર નોકરીએ છોકરી મળવી મુશ્કેલ હતી એ સત્ય પંકજને બે વરસમાં જ સમજાઈ ગયું હતું!! એક જગ્યાએ વાત પાકી થઇ હતી. છોકરી એક વરસ પહેલા જ હાઈસ્કુલમાં નોકરીએ લાગી હતી. પંકજને નોકરી મળે કે તરત જ પરણાવી દઈશું એવી ટર્મ એન્ડ કંડીશન છોકરીના પાપા તરફથી આવી પડી હતી એટલે નોકરી મેળવવા માટે પંકજ રીતસરનો ઘાંઘો થયો હતો!! અને ઘાંઘો કેમ ના થાય કારણકે જે છોકરી સાથે પંકજનું નક્કી થવાનું હતું એ છોકરી એકદમ રૂપાળી એકદમ સંસ્કારી હતી!!

“જીવનલક્ષી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા”માં પંકજે અરજી કરીને પોતાના ચક્રો ગતિમાન કરી દીધાં. પણ જે કોઈને એ ભલામણ કરવા જાય એ લોકો ભોગીભાઈ અને સુમનભાઈનું નામ સાંભળે કે તરત જ ભડકે અને પંકજને કહે!!
“ ત્યાં આપણો ગજ નહિ વાગે ત્યાં ભલામણ કરીશું તો તને લેતા હશે તો પણ નહિ લે!! એકદમ પ્રામાણિક અને સજ્જન માણસો છે.. છે તો અમારી ઉઠબેઠના અને ઘર જેવો જ સંબંધ પણ શિક્ષક્ની ભરતીમાં એ લોકો કાયદેસર જ હાલશે. એ ખોટું તો નહીં જ કરે. તારા મેરીટ પર જ બધો આધાર રહેશે.પણ તને અન્યાય નહિ કરે એની પણ ખાતરી” જ્યાં જ્યાં પંકજ જેક લગાવે ત્યાં ત્યાંથી આવો જ જવાબ આવે. યુનીવર્સીટીના ડીનનો પણ જેક લગાવ્યો. ડીને પણ પંકજને રોકડું પરખાવ્યું.

“ એમાં એવું છે ને પંકજ એ બને ટ્રસ્ટીઓ આગલા જન્મે હરિચંદ્રના ગાડામાંથી પડી ગયા છે અને આ જન્મમાં એ અવગુણો ગયા નથી એટલે ખુદ શિક્ષણ મંત્રીનું પણ નહીં માને એ હાઈસ્કુલ બંધ કરી દેશે પણ ઝુકશે નહિ.આની પહેલા ના એક ડીઓ હતા શુક્લા કરીને એ પોતાનું ધાર્યું કરવા ગયા. શુક્લાને ફાંકો હતો કે ભોગીલાલ અને સુમનભાઈને હું બેન્ડ વાળી દઈશ. બે મહિનામાં શુકલા બેન્ડ વળી ગયો અને અત્યારે પ્રૌઢ શિક્ષણનો હવાલો લઈને ગાંધીનગરના એક ખૂણામાં પડ્યો છે. શુકલાએ રાજ્યમાં છેડા લંબાવ્યા ત્યાં સુમનભાઈએ કેન્દ્રમાંથી લાંબો છેડો કરીને શુકલાને બેન્ડ વાળી દીધો!! એટલે આમાં હું નહિ પડું. બાકીની કોઈ હાઈસ્કુલમાં કામ હોય તો કહેજે પણ “જીવનલક્ષી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા”માં મને તો રેવાજ દેજે!!

પંકજે પોતાના સુત્રો પાસેથી માહિતી મેળવી લીધી કે મેરીટ તૈયાર છે. પોતાનો બીજો નંબર છે. એની આગળ એક ઉમેદવાર છે એનું મેરીટ ઘણું વધુ છે!! આમ તો આ બાબત સિક્રેટ હોય છે પણ તોય પંકજના ચાર ભાઈ બંધોએ આડા અવળા છેડા કરીને સીનીયર ક્લાર્ક વાઘેલાને ફોડી નાંખ્યો!! વાઘેલા આમ તો હાઈસ્કુલના સમય દરમ્યાન પૂરો નિષ્ઠાવાન પણ થોડી સંગતફેર થવાના કારણે રાતે કોઈની વાડીએ પાર્ટી કરવા બેસે એટલે થોડીક નિષ્ઠા ફગી જતી!! પંકજ અને એના ભાઈ બંધોએ વાઘેલાને સાધી લીધો એના માટે એને અઠવાડિયાનો સમય લાગ્યો અને ત્રણેક બોટલ રોયલ સ્ટેગ નો ખર્ચો થયો. બધી જ વિગતો પંકજ પાસે આવી ગઈ.

“બાજુના તાલુકાના ભાષાના શિક્ષકે જ અરજી કરી છે. ત્યાં એને નોકરીના પાંચ વરસ થઇ ગયા છે. તોય આ જીલ્લા મથક મળતું હોય એટલે એનો લાભ લેવા આ અરજી કરી છે. એનું મેરીટ એટલું બધું છે કે એ ઈન્ટરવ્યુંમાં ખાલી હાજર રહે ને તોય ઘણું!! એને કોઈ આંબી નહિ શકે!! સો ટકા ઈ જ આવવાનો!!” રોયલ સ્ટેગની અર્ધી બોટલ ઠઠાડીને વાઘેલા વિગતો આપતો હતો. પંકજ અને એના સાગરીતો સાંભળતાં હતા. વાઘેલા એ તમામ વિગતો આપી દીધી. એનું મેરીટ એના વિશિષ્ટ પ્રમાણ પત્રો હાલનું સરનામું!! હાલની હાઈસ્કુલ!! કુટુંબની વિગતો!! બધી જ એકડે એક ડીટેઇલ પંકજ પાસે આવી ગઈ!! હવે તેનું એક માત્ર લક્ષ્ય હતું કે કોઈ પણ ભોગે ચન્દ્રકાંત જોશી ઈન્ટરવ્યુંમાં હાજર રહેવો ના જોઈએ!! ગમે તે થાય!! હા એ શિક્ષકનું નામ ચંદ્રકાંત જોશી હતું. જીલ્લાથી લગભગ સીતેર કિલોમીટર દૂર આવેલ એક તાલુકાની હાઇસ્કુલમાં એ ભાષાનો શિક્ષક હતો!!

બે દિવસ પછી રવિવારના રજાના દિવસે જીલ્લામથકથી લગભગ ૭૦ કિમી દૂર આવેલા એક તાલુકામાં એક સિનેમાની પાછળ આવેલ એક બ્રહ્મ સોસાયટીની સાતમી શેરીમાં જમણી બાજુ આવેલ પાંચમા મકાન આગળ એક જૂની ખખડધજ આર્મી જીપ ઉભી રહી. મકાન ઉપર હર હર મહાદેવ લખેલું હતું, જીપમાં થી પંકજ ભટ્ટ અને તેના ચાર સાગરીતો ઉતર્યા અને દરવાજો ખખડાવ્યો,

“આ ચંદ્રકાન્તભાઈ જોશીનું જ મકાન છે ને” પંકજે કહ્યું.
“અંદર આવો” ચન્દ્રકાન્તની પત્ની અવનિ બોલી.
“છે સાહેબ ઘરે???” પંકજે ફરીથી પૂછ્યું અને ચારેય જણા અંદર ગયાં.

મકાન નાનકડું હતું. હોલમાં ચારેય બેઠા. ચન્દ્રકાન્ત અંદર બેઠો હતો. પંકજ મૂળ મુદ્દા પર આવ્યો.
“તમે જીલ્લામાં આવેલી “જીવનલક્ષી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા”માં શિક્ષક્ની નોકરી માટેની અરજી કરી છે?? મને તમારું નામ જાણવા મળ્યું છે!! હું ય બ્રાહ્મણ છું મારું નામ પંકજ ભટ્ટ!! જવાબમાં ચન્દ્રકાન્ત બોલ્યો!!

Image Source

“હા અરજી કરી છે ત્રણ દિવસ પછી ત્યાં ઈન્ટરવ્યું પણ છે મને કોલ લેટર પણ આવ્યો છે. આમ તો અરજી કરી ત્યારથી જ જવાનું નક્કી જ હતું. મારું મેરીટ સારું છે. વલ્લભભ વિદ્યાનગરમાંથી એમ એ માં અને બી એડમાં ગોલ્ડ મેડાલીસ્ટ છું. પણ હું ઇન્ટરવ્યુંમાં જવાનો નથી કારણકે હજુ દસ દિવસ પહેલા જ મારા સસરાને પક્ષાઘાતનો આંચકો આવ્યો છે. એ અહી જ રહે છે બાજુની જ શેરીમાં એનો એક દીકરો કેનેડા છે અને એક મુંબઈ!! અહી રહું તો મારી પત્ની એની સેવા ચાકરી કરી શકેને!! જોકે મારી પત્ની અને મારા સાસુએ બને એ મને કહ્યું કે કુમાર તમને જીલ્લામાં જવાથી લાભ થતો હોય તો ચોક્કસ જાવ એ હાઈસ્કુલ ખુબ સારી છે પણ મને મનમાં એમ થયું કે પછી મારા સાસુ સસરાનું શું?? મારી પત્ની અહિયાં જ રહે તો એ થોડી ઘણી એની મમ્મીને મદદરૂપ થાય થોડી એને હૂંફ પણ મળે!! મારા માતા પિતા પણ મારી સાથે જ રહે છે. હાલ એ મંદિરે ગયા છે એણે પણ મને ના પાડી છે કે અવનીના પાપાની આવી હાલત હોય તો તારે બહુ દૂર ન જવાય એટલે એ નોકરીની મારે હવે કોઈ જ જરૂર નથી!! હું એ ઇન્ટરવ્યુંમાં જવાનો નથી. મારી જગ્યાએ ભલે ને કોઈ બીજાને નોકરી મળી જાય.. આ જ રજાનો દિવસ છે એટલે હું એ હાઈસ્કુલના ટ્રસ્ટીઓને મારી સ્થિતિ વિષે જાણ કરતો પત્ર પણ લખવાનો છું. હું ઇન્ટરવ્યુંમાં નહિ આવું!! પણ તમને કેમ ખબર પડી કે મેં ત્યાં અરજી કરી છે. માફ કરજો હું તમને ઓળખતો પણ નથી” આ વાત સાંભળીને પંકજના મનમાં આનંદની હેલી ઉઠી પણ મો પર હરખના ભાવ ન આવવા દીધાં અને પોતાની બડાઈ શરુ રાખી.

“ત્યાનો ક્લાર્ક છે ને વાઘેલા એ મારો ભાઈ બંધ!! એણે મને વાત કરી કે પહેલા નંબર પર કોઈ બ્રાહ્મણ છે. અને એક બીજા ભાઈએ પણ અરજી કરી છે એનું મેરીટ ઘટે છે અને એ છે બહુ માથાભારે એટલે એણે નક્કી કર્યું છે એની કરતાં આગળ હોય અને ઈન્ટરવ્યું દેવા આવે તો હાઇસ્કુલની બહાર જ એના ટાંટિયા ભાંગી નાંખવાના છે. તમારું નામ સાંભળીને મને થયું કે આ ભૂદેવ ખોટા ઝપટે ચડી જાય એના કરતા હું એને ચેતવી દઉં તો સારુને?? આમેય આપણે બધા ભાઈઓ જ કહેવાઈને?? ભાઈઓ ભાઈઓના કામમાં ના આવે તો કોના કામમાં આવે?? એટલે આજ આ બાજુ નીકળ્યો હતો મારે થોડું કામ હતું આ બાજુ.અત્યારે એ કામ પતાવ્યું અને વાઘેલા પાસેથી તમારું સરનામું લીધેલું. સારું કર્યું કે તમે મળી ગયા અને એ જાણીને પણ આનંદ થયો કે તમે ઇન્ટરવ્યુંમાં આવવાના નથી. આવ્યા હોત તો એ માથાભારે સ્થાનિક લોકો તમને માર્યા વગર નો રેત!! જાન બચી તો લાખો પાયે!! ચાલો ત્યારે રજા લઈએ!! પણ તમે વિચાર ફેરવતા નહિ!!” પંકજે કહ્યું તેના ચારેય સાથીદારો પણ મૂછે તાવ દેતા હતા.

“અરે એમ થાય ચા પીધા વગર થોડાં જવાય!! તમારો ખુબ ખુબ આભાર કે તમે મને ચેતવ્યો!! જોકે હું તો આવવાનો જ નહોતો પણ તોય તમે મને કહેવા આવ્યાં!! જોકે એક રીતે એ સારું પણ થયું.. મારે આજ જીલ્લામાં આવવું હતું પણ હવે તમારી જીપમાં જો જગ્યા હોય અને તમને જો વાંધો ના હોય તો હું તમારી સાથે આવું?” ચંદ્રકાંત ભાઈ બોલ્યાં અને પંકજ રાજીના રેડ થઇ ગયો!!

“અરે મને શું વાંધો હોય?? તમે મારા મહેમાન કહેવાવ તમે ખુશી થી અમારી સાથે આવી શકો છો” ચા પીને એ પાંચેય સાથે ચન્દ્રકાંત જોશી જીપમાં ગોઠવાયા!! રસ્તામાં પણ પેલા માથાભારે માણસની વાતો પંકજે બરાબરની છકાવી!!

“એ બહુ જ ગાઢ વાળો છે. એને હું કોલેજ વખતથી ઓળખું છું. કોલેજમાં એ બધાને પજવતો બસ મારાથી એ આઘો રહેતો. તમે જોજો એ બે ત્રણ જણના ટાંટિયા તો આ ઇન્ટરવ્યુંમાં જ ભાંગી નાંખશે. એને બીક જ નથી. એના મામા ડીએસપી છે.. એના કાકા સચિવાલયમાં ડીવાયએસઓ છે. એના બાપા ગ્રોફેડમાં મેનેજર છે. એના દાદા છેલભાઈના ખાસ માણસ હતા. આખું ખાનદાન માથાભારે આ તો શું આપણે સુંવાળા અને સોજા માણસો એને તો કાઈ આબરુની નો પડી હોય પણ આપણી વાંહે બાયું ને છોકરા હેરાન થાય એવું આપણે કરવું જ શું કામ” પંકજ બરાબરનો ખીલ્યો હતો!!

જીલ્લા મથક આવ્યું. ચાર રસ્તાની સામે જ પેલી હાઈસ્કુલ “જીવનલક્ષી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા” દેખાણી અને ચન્દ્રકાંતભાઈ જોશી બોલ્યાં.

“હાઈસ્કુલના દરવાજા પાસે જ ઉભી રાખી દેજોને” જીપ ઉભી રહી ચન્દ્રકાન્ત જોશી ઉતર્યા અને પંકજને બે લાફા ચડાવી દીધાં. એના બે સાગરીતો આડા અવળા થવા જાય ત્યાં એ બેયને પણ બે બે ચડાવી દીધી. આ અણધાર્યા અને ઓચિંતાના હુમલાથી પંકજ સાવ ડઘાઈ જ ગયો. એ બોલી જ ના શક્યો અને ચન્દ્રકાંત જોશી બોલ્યાં!!

“આમ તો મારા ઘરે આવ્યાં ત્યારેજ તમારી સર્વિસ કરવાની જરૂર હતી પણ એમાં બહાદૂરી શું!!?? હવે આ હાઈ સ્કુલના દરવાજે જ હું ત્રણ કલાક રહેવાનો છું!! જેને મારા ટાંટિયા ભાંગવા હોય એને બોલાવી લ્યો!! મહાદેવની કસમ અત્યાર સુધીમાં મારા બાપા સિવાય મેં કોઈનો માર ખાધો નથી. શિક્ષક તરીકે તો હું શોખથી જોડાયેલો છું. બાકી બે વરસ પીએસઆઈ તરીકે પણ રહ્યો છું. એમાં રાજીનામું આપીને માસ્તરમાં આવ્યો છું!! તમે મને બનાવો એ વાતમાં માલ નથી. હું છોકરાને શીખવાડું અને તમે મને શીખવાડો!! હવે તમારા જેટલા સાગરીતો હોય એને બોલાવી લાવો એટલે મને ખબર પડે કે તમે કેટલા પાણીયાળીના છો” ચન્દ્રકાંત જોશીનું આવું રૌદ્ર સ્વરૂપ જોઇને પંકજ સાવ ડઘાઈ જ ગયો. ફટાફટ બધા જીપમાં ગોઠવાઈ ગયા અને જીપ મારી મૂકી. પાછળ વળીને જોયું પણ નહિ!!

Image Source

શાળાના દરવાજા પાસે ચંદ્રકાંત જોશી બે કલાક બેઠો રહ્યો. કોઈ કાળો કાગડોય એ બાજુ ફરક્યો નહિ!! બે કલાક પછી ચંદ્રકાંત જોશી ભોગીલાલભાઈ ટ્રસ્ટીના ના ઘરે ગયો. ભોગીલાલે ટ્રસ્ટી સુમનભાઈને પણ બોલાવી લીધા!! જે બન્યું હતું એ બધું ચંદ્રકાન્તે બધું જ કહ્યું. અને છેલ્લે ટકોર કરી.

“મારે તો સંજોગો જ એવા ઉભા થયા છે કે હું નહિ આવી શકું પણ તમારી શાળાની નામના એવી છે કે એમાં જો આવી એકાદ ઉધઈ આવી ગઈ તો પછી પ્રતિષ્ઠા ખરડાતા વાર નહિ લાગે!! જેમ બધા જ વાલીઓ વાલી ન હોય અને એમાં કેટલાક મવાલી પણ હોય એમ ટીચરમાં પણ અમુક ચીટર હોય છે.હવે નક્કી તમારે કરવાનું કે ભરતી કેમ કરવી!!” કહીને ચન્દ્રકાંત જોશી જતો રહ્યો.

“લાગે છે કે આ વખતે આપણે સિધ્ધાંત છોડવા પડશે. ઇન્ટરવ્યુંમાં એ પંકજને કાપવો પડશે!” સુમનલાલ બોલ્યાં. “ સાચી વાત છે.. પણ બાકી ખરો ભાયડો તો ચન્દ્રકાંત કહેવાય કે એણે આપણી આંખો યોગ્ય સમયે ખોલી નહીતર એક ખરાબ શિક્ષક દાખલ થાય ત્યાર પછી આખા સ્ટાફમાં ખરાબાનું પ્રમાણ વધતું જાય!! ભોગીલાલ ભાઈ બોલ્યા!!
નિયત સમયે ઈન્ટરવ્યું ગોઠવાયા. ચન્દ્રકાંત જોશી તો ના આવ્યો પણ પંકજ ભટ્ટને ઇન્ટરવ્યુંમાં છોલી નાંખ્યો. સાવ ઓછા ગુણ આપ્યા અને પરિણામે ત્રીજા નંબરનો ઉમેદવાર ફાવી ગયો. કાયદેસર રીતે એનું સિલેકશન થઇ ગયું. વાયડાઈ ને કારણે પંકજ પડ્યો રહ્યો. આનાથી જ સુમનભાઈ ના અટકયા એણે પંકજની તમામ ડીટેઈલ્સ બીજા ટ્રસ્ટીઓને પણ આપી દીધી. પરિણામે ભવિષ્યમાં બીજી શાળામાં ઘુસવા મળે એની પર પૂર્ણ વિરામ લાગી ગયું. પંકજના થનાર ભાવી સસરા પાસે પણ વાત પહોંચી. આવો માથાભારે જમાઈ કયા સસરાને પોસાય!! એ સંબંધ પણ ફોક થયો!! પંકજ બધી બાજુએથી રખડી પડ્યો!! ચંદ્રકાંત ઇન્ટરવ્યુંમાં આવવાનો જ નહોતો એ ખબર પડ્યા પછી એ મૂંગો રહ્યો હોત તો?? વાયડાઈ નો કરી હોત તો??? પણ લખણ એક એવી વસ્તુ છે કે એ ઝળક્યા વગર તો નો જ રહે!!
વધારે પડતી આડોડાઈ અને વાયડાઈને કારણે ઘણીવાર ઢેબરા અભડાઈ જતા હોય છે!!

યાદ રહે કે આ ૧૯૮૦ના દાયકાની વાત હતી!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,  મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks