વડોદરામાં પ્રેમી પંખીડાએ સજોડે ગટગટાવ્યુ ઝેર, પ્રેમિકાનું મોત-પ્રેમીની હાલત ગંભીર

વડોદરામાં પ્રેમીના પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ન આપતા પ્રેમી પંખીડાએ ગટગટાવ્યુ ઝેર, યુવતીના પરિવારના આક્ષેપ

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના કિસ્સા સામે આવ્યા છે, કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ તો કેટલીકવાર અન્ય કોઇ કારણ હોય છે. ત્યારે હાલમાં વડોદરાના પાદરામાંથી એક પ્રેમી પંખીડાએ સજોડે ઝેરી દવા ગટગટાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિવારજનોએ લગ્ન કરવાની મંજૂરી ન આપતાં પ્રેમી-પંખીડાંએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં છોકરીનું મોત થયુ છે જ્યારે છોકરાની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, યુવતીના મોત બાદ તેના પરિવારે યુવક પર આક્ષેપ લગાવ્યો કે તેણે તેમની દીકરીને વધુ પ્રમાણમાં ઝેર પીવડાવ્યું હતું અને પોતે ઓછું પીધું.

પરિવારે આક્ષેપ કરતા કહ્યુ કે, અમારી દીકરીના મોત માટે યુવક જવાબદાર છે. ત્યારે હાલ તો આ મામલે પોલિસે પણ આપઘાતનો ગુનો દાખલ કર્યો છે અને આગળ કાર્યવાહી હાથ ધરી છે. પાદરાના લુણા ગામમાં રહેતો 21 વર્ષીય આકાશ ચૌહાણ અને 18 વર્ષની સ્નેહા પઢિયાર વચ્ચે છેલ્લાં બે-ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો અને તેઓ અવારનવાર એકબીજાને મળતાં હતાં અને મોબાઇલ પર વાત કરતા હતા.

જો કે, પ્રેમના દિવસોમાં બંનેએ એકબીજાને લગ્ન કરવાનો વાયદો કર્યો હતો પણ સ્નેહા સગીર વયની હોવાથી આકાશે પોતાના પરિવારને સ્નેહા સાથે લગ્ન કરવાની વાત મૂકી નહિ અને સ્નેહા 18 વર્ષની ઉંમર વટાવતાંની સાથે જ તેણે આકાશને લગ્ન કરી લેવા જણાવ્યું. જો કે, આકેશે પરિવારને હિંમત એકઠી કરીને કહ્યું કે તે ગામની સ્નેહાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે પણ આ વાત જાણી પરિવાર રોષે ભરાયો,

તેમણે આ સાથે આકાશને જણાવ્યું કે સ્નેહા આપણી જ્ઞાતિની નથી એટલે તેની સાથે તારા લગ્ન શક્ય નથી. આ વાત આકાશે સ્નેહાને જણાવ્યા બાદ બંને દુખી થિ ગયા હચા અને એકબીજા વગર જિંદગી જીવવી મુશ્કેલ લાગતા તેમણે ગામની સીમમાં જઈ ઝેરી દવા ગટગટાવી લીધી. જો કે, આ વાતની જાણ પરિવારને થતા તેઓ ખેતરમાં દોડી ગયાં હતાં અને બેભાન અવસ્થામાં સ્નેહા અને આકાશને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં.

ત્યાં સ્નેહાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું જ્યારે આકાશની હાલ સારવાર ચાલુ છે. આ મામલે યુવતીના પિતાનું કહેવુ છે કે તેમની દીકરીને યુવકે લગ્ન કરવાની લાલચ આપી અને રાત્રે મળવા બોલાવી અને છોકરાએ પોતે થોડી દવા પીધી અને તેમની દીકરીને વધારે દવા પીવડાવી.

Shah Jina