ઘણીવાર ગુજરાતીઓ અને ભારતીયોના વિદેશની ધરતી પર રહસ્યમયી મોત, અકસ્માતમાં મોત કે હત્યાના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે હાલમાં જ અમેરિકાના નોર્થ કેરોલિનામાંથી આવો મામલો સામે આવ્યો જેમાં 36 વર્ષીય એક ગુજરાતીની તેના સ્ટોરમાં લૂંટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર, એરપોર્ટ રોડ પરના ટોબેકો હાઉસના માલિક મૈનાક પટેલની ગત મંગળવારે વહેલી સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જો કે, મૈનાક પટેલને સારવાર માટે તાત્કાલિક નોવન્ટ હેલ્થ રોવાન મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો પણ તેણે દમ તોડી દીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ સગીર હોવાથી તેનું નામ જાહેર કરાયું નથી.
જણાવી દઇએ કે, મૂળ વડોદરાના મૈનાકને પાંચ વર્ષની પુત્રી છે અને પત્ની સાડા સાત મહિનાની ગર્ભવતી છે. ત્યારે મૈનાક પટેલની હત્યાને પગલે પત્ની સહિત પરિવાર શોકમાં ડૂબી ગયો છે.