લગભગ ૩ મહિના પહેલા વડોદરાના વારસીયાનો યુવક જે કેનેડામાં અભ્યાસ પૂર્ણ કરી મિત્રો સાથે ફરવા ગયો હતો અને તેનું પાણીમાં ડૂબી જવાથી મોત થયુ હતુ. તેનો મૃતદેહ મોડી રાત્રે વડોદરા લાવવામાં આવ્યો હતો અને આજે તેની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમાત્રામાં પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યુ હતુ. પરિવારજનોએ ખૂબ જ ભારે હ્રદયે દીકરાને અંતિમ વિદાય આપી. રાહુલના ઘરેથી તેની અંતિમયાત્રા નીકળી હતી અને તે કારેલીબાહ બહુચરાજી સ્મશાન ખાતે પહોંચી હતી. તેના અંતિમ સંસ્કાર સિંધી પરંપરા અનુસાર કરવામાં આવ્યા હતા.
લોકોની આંખોમાં અંતિમયાત્રા દરમિયાન આંસુ જોવા મળ્યા હતા. પરિવારજનોનું હૈયાફાટ રુદન જોઇ સમગ્ર વિસ્તારમાં ખૂબ જ સન્નાટો છવાઇ ગયો હતો. લોકોએ રાહુલના માનમાં વેપાર ધંધા બંધ રાખ્યા હતા અને તેને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલના મિત્રો પણ મોટી સંખ્યામાં તેની અંતિમયાત્રામાં જોડાયા હતા. આ સાથે જ સાંસદ રંજનબેન ભટ્ટ અને કેટલાક રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા.
રાહુલ કેનેડામાં અભ્યાસ પૂર્ણ થયા બાદ તેના મિત્રો સાથે ફરવા ગયો અને ત્યારે તેનું પાણીમાં ડૂબી જવાથી મોત થયુ હતુ. આ ઘટનાની જાણ જયારે તેના માતા-પિતાને થઇ ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા અને તેમણે જમવાનું પણ છોડી દીધુ હતુ અને ઘણુ સમજાવ્યા બાદ તેમણે બે દિવસ પછી જમવાનું આરોગ્યુ હતુુ. રાહુલની ઉંમર માત્ર 23 વર્ષની જ હતી અને આ ઉંમરે તેણે દુનિયાને અલવિદા કહી દીધુ. સુનીલભાઈ માખીજા કે જેઓ વડોદરાના વારસિયા ઈદ્રલોક સોસાયટીમાં રહે છે અને ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવે છે.
તેમનો મોટો પુત્ર રાહુલ માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા ટોરેન્ટો ઓન્ટેરિયો ખાતે ગયો હતો. કેનેડાના ટોબરમોરી ખાતે ક્લિફ જમ્પિંગ સમયે પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતુ. અભ્યાસ પૂર્ણ થતાં રાહુલે નોકરી માટે એપ્લાય કર્યું હતું અને તે મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો. 20 ઓકટોબરના રોજ મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત શરૂ કરી હતી. આ દરમિયાન એક મિત્ર યસ કોટડિયા પાણીમાં ઠંડા પાણીને પગલે ગભરાઇ ગયો હતો, પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતાં તે બચી ગયો હતો.
ત્યારબાદ પાણીમાં કૂદેલો રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા ઘટનાસ્થળે જ તેનુ મોત નિપજ્યુ હતુ. જો કે, તેને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત હાજર કર્યો હતો. વડોદરાનો રાહુલ ચાર મિત્રો સાથે કેનેડામાં રહેતો હતો અને તે જાન્યુઆરી મહિનામાં જ વડોદરા આવ્યો હતો. તે આગામી સમયમાં નવી નોકરી શરૂ કરવાનો હતો અને તેને કારણે તે ત્રણ વર્ષ ઘરે ન આવી શકાય એમ જણાવી પરત ફરી ગયો હતો.
(સૌજન્ય : દિવ્ય ભાસ્કર)