વડોદરાની તૃષા સોલંકીની માતા ભાંગી પડી, કહ્યુ- હત્યારાને મને સોંપી દો, હાથ પગ કાપી સજા આપીશ

હાલમાં સુરતની ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ વડોદરાની તૃષા સોલંકીની હાલમાં જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા પણ એકતરફી પ્રેમમાં જ કરવામાં આવી હતી. આ હત્યામાં ગઇકાલે પણ ઘણા ખુલાસા થયા હતા જેમાં આરોપીએ તેનો ગુનો પણ કબૂલ્યો હતો. આરોપી કલ્પેશ ઠાકોર કે જે તૃષાને પ્રેમ કરતો હતો પરંતુ તૃષા તેને પસંદ કરતી ન હતી તેણે મંગળવારે રાત્રે 19 વર્ષિય તૃષાની પાળિયાથી હત્યા કરી હતી. તેણે તૃષાનો એક હાથ પણ કાપી નાખ્યો હતો. તૃષાની લાશ મળી આવતા જ પોલિસ વિભાગમાં ચકચારી મચી ગઇ હતી.

આરોપીએ 10 જેટલા ઘા ઝીંક્યા હતા. પોલિસે આ મામલે સઘન તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી કલ્પેશ ઠાકોરની ધરપકડ કરી હતી અને 16 કલાકમાં આખો ભેદ ઉકેલ્યો હતો. ત્યારે હવે આ બાબતે તૃષા સોલંકીની માતાનું નિવેદન પણ સામે આવ્યુ છે. તૃષાની માતાએ જણાવ્યુ કે, મારી દીકરી મને કલાક કલાકની માહિતી આપતી અને મારી સાથે એક મિત્રની જેમ રહેતી. તે કોઇની સાથે માથાકૂટ પણ કરતી ન હતી અને તેમ છત્તાં તેના સાથે આવું થયુ.

તૃષાની માતાએ કરુણ આક્રંદ સાથે જણાવ્યુ કે, મારી દીકરીના હત્યારાને મને સોંપી દો, હું તેના હાથ પગ કાપી નાખીશ અને તેને સજા આપીશ. તેમણે વધુમાં જણાવ્યુ કે, જયારે સુરતમાં ગ્રીષ્માની હત્યા થઇ હતી ત્યારે મેં તેને સાવચેત રહેવા પણ સલાહ આપી હતી. ત્યારે તેણે મને કહ્યું હતું કે મમ્મી, મારી ચિંતા ન કર… તેમણે કહ્યુ કે, તેમની દીકરી પોલીસમાં જોડાઈને ઉચ્ચ અધિકારી બનવા માંગતી હતી અને સમાજની રક્ષા કરવા માંગતી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ તો આ મામલે પોલિસ વધુ તપાસ કરી રહી છે. તૃષાની હત્યા બાદ પરિવારની માંગ છે કે આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીને જલ્દીથી ફાંસીની સજા સંભળાવવામાં આવે. તૃષાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું હતું ત્યારે તેની માતા પોસ્ટમોર્ટમ રૂમની બહાર દીકરીની બાંધણી લઈ આંસુ સારી રહી હતી.જયારે તૃષાની લાશ એક હાથ કપાયેલી હાલતમાં મળી આવી ત્યારે પોલિસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો.

પોલિસની 8 ટીમો આ હત્યાની તપાસ માટે કામે લાગી હતી અને ગણતરીના કલાકોમાં જ તેમણે હત્યાનો ભેદ ઉકેલી આરોપીને જેલ હવાલે કર્યો હતો. યુવતીના સગાવહાલા અને મિત્રવર્તુળમાંથી એવી માહિતી મળી હતી કે માણેજાના પંચશીલ નગરમાં રહી ઘર પાસે ઈલેક્ટ્રોનીકની દુકાન ચલાવતા કલ્પેશ ઠાકોરને યુવતી સાથે એકતરફી પ્રેમ સંબંધ હતો. પરંતુ યુવતિ તેને પસંદ કરતી ન હતી. જો કે, આ બાબતે યુવતિને સગાવાળાએ કલ્પેશ ઠાકોરને ઠપકો પણ આપ્યો હતો.

Shah Jina