ખબર

ગોત્રી હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબે કર્યો આપઘાત, કોવિડ દર્દીઓની કરતો હતો સારવાર

વડોદરામાં કોરોનાના કહેર વચ્ચે એક તબીબે આત્મહત્યા કર્યાનો ચકચારી બનાવ બન્યો છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબે આપઘાત કર્યો છે. હોસ્પિટલના બોય્ઝ હોસ્ટેલમાં છઠ્ઠા માળે પોતાના રૂમમાં સિધ્ધાર્થ ભદ્રેચા નામના રેસિડન્ટ તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ગોત્રી મેડીકલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા તબિબ વિદ્યાર્થી સિદ્ધાર્થ જી. ભદ્રેચા કોવિડ ડ્યુટીમાં જોડાયેલો હતો, 30 એપ્રીલે તેની ડ્યુટી પૂરી થઈ હતી.

ગોત્રી મેડીકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા તબિબ વિદ્યાર્થીએ હોસ્ટેલની રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, હોવાનો બનાવ બનતા વિદ્યાર્થીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મૃત્યુ પામેલા વિદ્યાર્થીએ સ્યુસાઇડનોટ લખી છે જેમાં કારણ અકબંધ રહ્યું છે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.

સિદ્ધાર્થ ભદ્રેચા ફાયનલ યરમાં અભ્યાસ કરતો હતો. રેસિડન્ટ તબીબ સિધ્ધાર્થ ભદ્રેચા પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. પાંચ દિવસ પહેલા જ કોવિડ વોર્ડમાંથી તેની ડયુટી પૂરી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ સતત તણાવમાં રહેતો હોવાનુ સામે આવ્યું છે. થોડા સમયમા જ તે તબીબ બની જવાનો હતો તો શા માટે આવુ પગલુ ભર્યું તે વિશે તેના સાથી મિત્રો પણ અચંબામાં મૂકાયા છે.