વડોદરામાં થયેલા સામુહિક આપઘાત મામલામાં આવ્યો નવો વળાંક, જાણો શું હતું સૌથી મોટું કારણ

ગઈકાલે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટી, સી 13 નંબરના મકાનમાં રહેતા સોની પરિવારના 6 સભ્યો દ્વારા ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી ત્રણ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકોની હાલત ગંભીર હતી. ત્યારબાદ પરિવાર દ્વારા આવું પગલું શા કારણે ભરવામાં આવ્યું તે અંગેના ખુલાસાઓ સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર પરિવાર થમ્સઅપમાં ઝેરી દવા પી અને સામુહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા, પરંતુ 2 કલાક મોત સામે ઝઝૂમી રહેલા દીકરા ભાવિને તરફડીયા ખાતા પોલીસને ફોન કર્યો હતો અને તેના પરિવાર દ્વારા સામુહીક આત્મહત્યા કરવાની વાત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને જાળીમાંથી પરિવારના સભ્યોને જમીન ઉપર પડેલા જોયા, પરંતુ જાળીને તાળું મારેલું હતું, જયારે પોલીસે બૂમ પાડી ત્યારે ભાવિને અંદરથી જણાવ્યું કે ચાવી બહાર ફેંકી છે, ત્યારબાદ પોલીસે તાળું ખોલ્યું અને ઘરમાં પ્રવેશી હતી.

પોલીસ જ્યારે ઘરમાં જઈને જોયું તો ત્રણ લોકો મૃત્યુ પામી ચુક્યા હતા અને ત્રણ લોકો તરફડીયા ખાઈ રહ્યા હતા, માટે સહેજ પણ સમય વેડફ્યા વિના અને 108ની રાહ જોયા વિના તેમને તરત જ ટેમ્પોમાં નાખીને છાણીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

આ દુઃખદ ઘટનાની અંદર પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમની દીકરી રીયા (ઉં.વ.16) અને પૌત્ર પાર્થ (ઉં.વ.4)નું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર ભાવિન સોની તેની પત્ની ઉર્વશીબહેન સોની અને માતા દિવ્યાબહેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આસપાસના લોકો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પરિવાર ખુબ જ મોટી આર્થિક સંકળામણમાં ફસાઈ ગયો હતો. જેના કારણે તેમને પોતાના ઘરનો સામાન પણ વેચવા માટે કાઢ્યો હતો. પોતાની કાર, મોપેડ તેમજ તેમની દીકરી રિયાની સાયકલ પણ માત્ર 500 રૂપિયામાં જ વેચી દેવી પડી હતી.

તેઓ જે મકાનમાં રહેતા હતા તે પણ તેમને વેચવા માટે કાઢ્યું હતું, જેનો સોદો પણ નક્કી થઇ ચુક્યો હતો, પરંતુ મકાન ઉપર લોન ચાલતી હોવાના કારણે દસ્તાવેજમાં સમસ્યા સામે આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

તો બીજી પણ એવી માહિતી મળી રહી છે કે પરિવાર દ્વારા વેચેલા મકાનના નાણાં વાઘોડિયા ખાતે એક સ્કીમમાં મકાન લેવા માટે રોક્યા હતા, પરંતુ તેમના તે પૈસા પણ ફસાઈ ગયા હતા, આ ઉપરાંત કોરોનાના કારણે લાગેલા લોકડાઉનની અંદર તેમની આર્થિક સમસ્યા ખુબ જ વધી ચુકી હતી, જેના કારણે તેમને ખુબ જ મોટી આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો હતો.

હોસ્પિટલમાં જ્યારે ભાવિનની પત્ની ઉર્વશીબેનને ભાન આવ્યું ત્યારે તે પોતાના જ ગાલ ઉપર લાફા મારવા લાગ્યા હતા, અને તેમને પોતે કરેલી ભૂલનો અહેસાસ પણ થયો હતો, આ ઉપરાંત પરિવારના મોભી નરેન્દ્રભાઈની પત્ની દિવ્યાબેનને પણ ભાન આવતા તે હોસ્પિટલના સ્ટાફ ઉપર પણ પોતાનું ફસ્ટ્રેશન કાઢી રહ્યા હતા. હોસ્પિટલના સ્ટાફ દ્વારા તે બંનેને સાચવી લેવામાં આવ્યા હતા. પોલીસ હજુ આપઘાત કરવાના કારણો વિશે વધુ તપાસ કરી રહી છે.

Niraj Patel